Gujarati News

Gujarati News

News of Friday, 8th November 2019

કરતારપુર : અંતે પાકિસ્તાન જવાની નવજોત સિદ્ધૂને બહાલી મળી

વિદેશ મંત્રાલયને ત્રણ વખત પત્રો લખ્યા હતા : મનમોહનસિંહે પાકિસ્તાનના નિમંત્રણને ફગાવી દીધા બાદ નવજોત સિદ્ધૂને આમંત્રણ અપાયું હતું : નવજોત સિદ્ધૂ તરત જ સજ્જ થયા

નવીદિલ્હી, તા. ૭ : વિદેશમંત્રાલય દ્વારા પાકિસ્તાનમાં કરતારપુર કોરિડોર સાથે જોડાયેલા ઉદ્ઘાટન સમારોહમાં ભાગ લેવા પંજાબના પૂર્વ મંત્રી અને કોંગ્રેસના નેતા નવજોત સિદ્ધૂને મંજુરી આપી દીધી છે. અહેવાલ મુજબ નવમી તારીખે નવજોત સિદ્ધૂ કરતારપુરકોરિડોર મારફતે કાર્યક્રમમાં ભાગ લેશે. ૯મી નવેમ્બરના દિવસે કરતારપુર કોરિડોર મારફતે યાત્રા કરવા સિદ્ધૂને મંજુરી મળી ગઈ છે. પાકિસ્તાન મુખ્ય મહેમાન તરીકે પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહને આમંત્રણ આપ્યું હતું પરંતુ મનમોહનસિંહે આમંત્રણ સ્વીકાર્યું નથી. ત્યારબાદ સિદ્ધૂને પાકિસ્તાન તરફથી આમંત્રણ આપવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સામેલ થવા માટે સિદ્ધૂ એટલા ઉત્સાહિત છે તે બાબતનો અંદાજ આનાથી લગાવી શકાય છે કે, વિદેશ મંત્રાલયને મંજુરી આપવા માટે સિદ્ધૂ તરફથી ત્રણ વખત પત્રો લખવામાં આવ્યા હતા. આ પહેલા નવજોત સિદ્ધૂના પ્રશ્નના જવાબમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશ કુમારે કહ્યું હતું કે, કાર્યક્રમના મહત્વને ધ્યાનમાં લઇને કોઇ એક વ્યક્તિને હાઈલાઇટ કરવાની બાબત કોઇપણ રીતે યોગ્ય નથી.

           બીજી બાજુ પાકિસ્તાનના વિદેશ મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું છે કે, સિદ્ધૂને કરતારપુર આવવા માટે વિઝા જારી કરી દેવામાં આવ્યા છે.  ખાલિસ્તાની આતંકવાદને હવા આપવાના હેતુસર પાકિસ્તાને કરતારપુર પર પોતાના વિડિયોમાં ભિંડરાવાલેને હિરો તરીકે રજૂ કરીને ઉશ્કેરણીજનક કૃત્ય કર્યું છે. જો કે, ભારત આ બાબત માનીને ચાલી રહ્યું છે કે, કરતારપુર કોરિડોરથી બંને દેશો વચ્ચે વિશ્વાસ અને એક પ્રકારની મિત્રતા વચ્ચેના રસ્તા ખુલશે. પાકિસ્તાનના બેવડા વલણને ધ્યાનમાં લઇને ભારતીય એજન્સીઓ સંપૂર્ણપણે સજ્જ છે. પંજાબના મુખ્યમંત્રી અમરિન્દરસિંહે કહ્યું છે કે, ખાલિસ્તાની ત્રાસવાદીઓના ચિત્ર દર્શાવવાની બાબત ખુબ જ ખતરનાક છે. આનાથી ઐતિહાસિક કોરિડોરની પાછળ ગુપ્તચર સંસ્થા આઈએસઆઈના એજન્ડાને જોઈ શકાય છે.

(12:00 am IST)