Gujarati News

Gujarati News

News of Wednesday, 9th October 2019

મોદીને લખેલા ખુલ્લા પત્ર મામલે ૪૯ હસ્તી સામે FIR: હવે ૧૮૦ લોકોએ કર્યો વિરોધ

વડાપ્રધાનને ખુલ્લો પત્ર લખવો દેશદ્રોહ કેવી રીતે થઇ શકે?

નવી દિલ્હી, તા.૯: વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને મોબ લિચિંગ મામલે જે ૪૯ જાણીતી સેલિબ્રીટીએ ખુલ્લો પત્ર લખ્યો હતો, તેમની પર FIR દાખલ કરવામાં આવી છે. આ મામલે હવે ૧૮૦ અન્ય જાણીતા લોકોએ પોતાનો વિરોધ વ્યકત કર્યો છે. જેમાં અભિનેતા નસીરુદ્દીન શાહથી લઇને જાણીતા ઇતિહાસકાર રોમિલા થાપરનું નામ પણ જોડાયું છે. આ સેલિબ્રિટીઓએ પણ એક ઓપન લેટર જાહેર કર્યો છે. અને તેની પર આ બધાએ પોતાના હસ્તાક્ષર કર્યા છે. સોમવારે જાહેર કરવામાં આવેલા આ ઓપન લેટરમાં તે લોકોએ સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે વડાપ્રધાનને ખુલ્લો પત્ર લખવો દેશદ્રોહ કેવી રીતે થઇ શકે?

આ પત્રમાં લખવામાં આવ્યું છે કે અમારા જ ૪૯ સાથીઓ વિરુદ્ઘ એફઆઇઆર દાખલ કરવામાં આવી છે. શું તેમના પર એટલા માટે એફઆઇઆર દાખલ કરવામાં આવી કારણ કે તે સમાજના એક જવાબદાર નાગરિક છે? અને તેમણે પોતાની ચિંતાઓ વ્યકત કરવા અવાજ ઉઠાવ્યો છે? શું દેશમાં સતત મોબ લિંચિંગ થવું અને તે પર ચિંતા વ્યકત કરવું ખોટું છે?

તમને જણાવી દઇએ કે મુજફફરપુરમાં શ્યામ બેનેગલ અને ૪૮ અન્ય હસ્તીઓ વિરુદ્ઘ ૩ ઓકટોબરના રોજ એફઆઇઆર દાખલ કરવામાં આવી છે. આ લોકોમાં અનુરાગ કશ્યપ, અપર્ણા સેન, મણિરત્નમ, અડૂર ગોપાલકુષ્ણન, સૌમિત્ર ચેટર્જી, શુભા મુદ્દલ અને ઇતિહાસકાર રામચંદ્ર ગુહા પણ સામેલ છે.

આ મામલે શ્યામ બેનેગલે કહ્યું કે આ પત્ર ખાલી એક અપીલ હતી. આ એક વડાપ્રધાનને અપીલ કરતો પત્ર હતો. ના કે કોઇ ધમકી કે અન્ય વાત'

જો કે એનડીટીવી પર વાત કરતા બિહાર પોલીસ ચીફે તે વાતનું આશ્વાસન આપ્યું છે કે આ મામલે ચીફ જયૂડિશિયલ મેજિસ્ટ્રેટેના કહેવા પર રજિસ્ટર કરવામાં આવ્યો છે. અને આ અંગે નિષ્પક્ષ તપાસ કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે આ પત્રમાં લખ્યું હતું કે મુસલમાનો, દલિતો અને અન્ય અલ્પસંખ્યકોને ભીડ દ્વારા મારીને હત્યા કરવામાં આવે છે જેને તાત્કાલિક ધોરણે રોકવું જોઇએ. સંતોષ વિનાની લોકશાહી ના હોય અને જયશ્રીરામ હવે ભડકાઉ નારો બની ગયું છે.

(3:24 pm IST)