Gujarati News

Gujarati News

News of Wednesday, 9th October 2019

કામવાળીની મદદ માટે MBA દંપતિ સ્ટેશને વેંચે છે ઉપમા-પૌઆ

મુંબઇના કાંદીવલી સ્ટેશન બહાર રોજ સવારે ૪ થી ૧૦ સુધી નાસ્તો વેંચી પછી દંપત્તિ જાય છે ઓફિસે : પપ વર્ષીય બાઇના પતિને પેરેલીસીસ હોવાથી તેને આર્થિક મદદ કરવા ગુજરાતી દંપતિ રોજ કરે છે મહેનત

મુંબઇ, તા.૯: મુંબઈમાં કાંદિવલી સ્ટેશનની બહાર એક નાના સ્ટોલ પર સવારે ૪ વાગ્યાથી ફૂડ મળવા લાગે છે. આ સ્ટોલ પર તમને પૌવા, ઉપમા, ઈડલી, પરાઠા અને બીજું પણ દ્યણું બધું ખાવા માટે મળી જશે. સુખી-સંપન્ન પરિવારમાંથી આવતું કપલ રોજ ૬ કલાક અહીં ફૂડ વેચે છે અને ૧૦ વાગતા જ પોતાનો સામાન લઈને પોત-પોતાની ઓફિસ માટે નીકળી જાય છે. તમને પણ વિચાર આવતો હશે કે જો બંને પાસે નોકરી છે અને સારા પરિવારમાંથી આવે છે તો પછી બીજું કામ શા માટે કરે છે? તેઓ આ કામ એટલા માટે કરે છે જેથી તેમના ઘરે કામ કરવા આવતી વૃદ્ઘ મહિલાનો ખર્ચ નીકળી શકે. આ બંને પોતાના માટે નહીં પરંતુ વૃદ્ઘ મહિલાને આર્થિક મદદ કરવા માટે રોજ સ્ટોલ પર બેસે છે.

આ કપલની ફેસબુક પર હાલ ખૂબ જ ચર્ચા થઈ રહી છે. યુજર્સ તેમની પ્રશંસા કરતા બંનેને 'સુપરહીરો'સમાન ગણાવી રહ્યા છે. દીપાલી ભાટિયા નામની યુવતીએ પોતાના ફેસબુક પર આ કપલની સ્ટોરી પોસ્ટ શેર કરી છે. અશ્વિની શિનોય શાહ અને તેના પતિ અંકુશ આગમ શાહની આ સ્ટોરીને અત્યાર સુધી હજારો વખત શેર કરી ચૂકાઈ છે.

પોતાની પોસ્ટમાં દીપાલી લખે છે, મુંબઈની દોડધામ ભરેલી લાઈફમાં જયાં આપણી પાસે ઊભા રહેવા અને વિચારવાનો પણ સમય નથી ત્યાં આ બે સુપરહીરો છે, જે પોતાનાથી વધારે બીજા માટે વિચારે છે. દીપાલી જણાવે છે કે તેની અશ્વિની અને અંકુશ સાથે ૨ ઓકટોબરે મુલાકાત થઈ હતી. દીપાલીને ભૂખ લાગી હતી અને તે કાંદિવલી સ્ટેશન બહારના ફૂડ સ્ટોલ્સ સુધી પહોંચી.

દીપાલી પોતાની પોસ્ટમાં આગળ લખે છે, મને આ બંને જોવામાં ગુજરાતી પરિવારના લાગ્યા. મેં તેમના સ્ટોલ પરથી ફૂડ ખાધું. મેં જયારે તેમને પૂછ્યું કે તેઓ રસ્તા પર કેમ ફૂડ વેચી રહ્યા છે, તો મને જે જવાબ મળ્યો તે મારા માટે માનવતા માટે કરાયેલું સૌથી મોટું કામ છે. તેમના જવાબે મારા હ્રદયને સ્પર્શી લીધું.

આ દંપતિ સંપન્ન પરિવારમાંથી છે. અશ્વિની અને અંકુશે જણાવ્યું કે તેમના ફૂડ વેચવા પાછળનું કારણ હકીકતમાં તેમના ઘરે રસોઈ બનાવવા આવતી ૫૫ વર્ષની વૃદ્ઘાની મદદ કરવા માટે તેઓ અહીં ફૂડ વેચે છે. વૃદ્ઘાના પતિ લકવાગ્રસ્ત છે. એવામાં વૃદ્ઘા જે જમવાનું બનાવે છે આ બંને તેને મદદ કરવા માટે ફૂડ લાવીને વેચે છે. અશ્વિની કહે છે કે, અમે પોતાની કૂકને સપોર્ટ કરી રહ્યા છીએ, જેથી આ ઉંમરમાં તેમને આર્થિક સંકડામણમાંથી પસાર ન થવું પડે. (ઇન્ડિયા ટુડેમાંથી સાભાર)

(11:29 am IST)