Gujarati News

Gujarati News

News of Wednesday, 9th October 2019

કોંગ્રેસ માટે ચૂંટણી જીતવી તો દૂર, ભવિષ્ય પણ અધ્ધરતાલ

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ વિદેશ મંત્રી સલમાન ખુર્શીદ ખળભળાટ મચાવે છેઃ કોંગ્રેસ પક્ષ મહારાષ્ટ્ર-હરીયાણામાં ચૂંટણી જીતી શકે તેમ નથીઃ પક્ષ સંઘર્ષમાંથી પસાર થઈ રહ્યો છેઃ ભવિષ્ય પણ નક્કી કરી શકતો નથીઃ સૌથી મોટી સમસ્યા એ છે કે રાહુલ ગાંધી અમને છોડીને ચાલ્યા ગયાઃ રાહુલના રાજીનામાથી સંકટ વધ્યુઃ તેમના ફેંસલાથી પક્ષ પરાજયનું પોસ્ટમોર્ટમ પણ કરી શકયો નથી

નવી દિલ્હી, તા. ૯ :. કોંગ્રેસના વરિષ્ઠ નેતા સલમાન ખુર્શીદે પોતાના જ પક્ષની ટીકા કરતા એક મોટું નિવેદન આપ્યુ છે. તેમણે કહ્યુ છે કે કોંગ્રેસની જે સ્થિતિ છે તે જોતા મહારાષ્ટ્ર અને હરીયાણામાં ચૂંટણી જીતવાની સંભાવના નથી. પક્ષ સંઘર્ષના દોરમાં પસાર થઈ રહ્યો છે અને પોતાનુ ભવિષ્ય પણ નક્કી કરી શકતો નથી. તેમણે કહ્યુ છે કે અમારી સૌથી મોટી સમસ્યા એ છે કે અમારા નેતા એટલે કે રાહુલ ગાંધી અમને છોડીને ચાલ્યા ગયા છે.

પૂર્વ વિદેશ મંત્રી સલમાન ખુર્શીદે પક્ષની સ્થિતિ પર ચિંતા વ્યકત કરતા કહ્યુ છે કે લોકસભાની ચૂંટણીમાં પરાજય બાદ રાહુલ ગાંધીના રાજીનામાથી સંકટ વધ્યુ છે. તેમના આ ફેંસલાને કારણે પક્ષ પરાજય બાદ જરૂરી આત્મ નિરીક્ષણ પણ કરી શકયુ નથી. અમે વિશ્લેષણ માટે એક જુથ પણ થઈ શકયા નથી કે લોકસભાની ચૂંટણી કેમ હાર્યા ?

તેમણે કહ્યુ છે કે પક્ષ સંઘર્ષના એવા દોરમાંથી પસાર થઈ રહ્યો છે જેમાં હરીયાણા અને મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં પક્ષ જીતે તેવી સંભાવના નથી. પક્ષની હાલત એવા સ્તર પર પહોંચી ગઈ છે કે ફકત આ વિધાનસભાની ચૂંટણીમાં જ નહિ પરંતુ તે પોતાનું ભવિષ્ય પણ નક્કી કરી શકે તેવી સ્થિતિમાં નથી.

ખુર્શીદે કહ્યુ છે કે હું પક્ષ પ્રમુખની અસ્થાયી વ્યવસ્થાથી ખુશ નથી. રાહુલ ગાંધીએ અધ્યક્ષ પદ છોડતા સોનિયા ગાંધીને વચગાળાના પ્રમુખ બનાવાયા છે. તેમણે કહ્યુ છે કે લોકસભાની ચૂંટણીમાં પરાજય બાદ રાહુલ ગાંધી ઉતાવળમાં પક્ષનું અધ્યક્ષ પદ છોડી ગયા છે. અમારી મોટી સમસ્યા એ છે કે અમારા નેતા દૂર ચાલ્યા ગયા છે. રાહુલ ગાંધી પર હજુ પણ પક્ષની નિષ્ઠા છે. તેમના ગયા બાદ પક્ષ ખાલીપો અનુભવે છે.

આ પહેલો પ્રસંગ છે કે જ્યારે કોંગ્રેસના કોઈ નેતાએ રાહુલ ગાંધીના રાજીનામા માટે 'છોડી જવા' જેવા શબ્દનો ઉપયોગ કર્યો હોય. હું ઈચ્છતો નહોતો કે રાહુલ ગાંધી રાજીનામુ આપે. કાર્યકરો પણ ઈચ્છતા હતા કે તેઓ નેતૃત્વ લ્યે.

(9:56 am IST)