Gujarati News

Gujarati News

News of Wednesday, 9th October 2019

તમામ ૩૬ રાફેલ યુદ્ધ વિમાન સપ્ટેમ્બર ૨૦૨૨ સુધી મળશે

ચાર વિમાનો આગામી વર્ષે મે સુધી પહોંચશે : મૂળભૂત ટ્રેનિંગ પાયલોટોની હાલમાં ફ્રાંસમાં જારી : રિપોર્ટ

પેરિસ, તા. ૮ : યુદ્ધ વિમાન રાફેલ મેળવતા પહેલા સંરક્ષણમંત્રી રાજનાથસિંહ ફ્રાંસના પ્રમુખ મેક્રોને મળ્યા હતા. રાજનાથસિંહ બોર્ડોક્સમાં પ્રથમ રાફેલ જેટ મેળવવા પહોંચ્યા હતા જ્યાં શસ્ત્રપુજાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. રાજનાથસિંહ અને મેક્રો વચ્ચે એલ્સી પેલેસ ખાતે આશરે ૩૫ મિનિટ સુધી ચર્ચા કરી હતી. આ મિટિંગ બાદ રાજનાથસિંહ સીધા દક્ષિણ પશ્ચિમ ફ્રાંસીસી શહેર બોર્ડોક્સ પહોંચ્યા હતા જ્યાં ભારતીય વાયુસેના દ્વારા ખરીદવામાં આવેલા પ્રથમ રાફેલ યુદ્ધ જેટને સોંપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ૫૯૦૦૦ કરોડ રૂપિયામાં ૩૬ રાફેલ જેટ વિમાનો ખરીદવામાં આવી રહ્યા છે. શસ્ત્રપૂજા દશેરાના હિસ્સા તરીકે હોવાથી આનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. મંગળવારના દિવસે ફ્રાંસ પાસેથી આ વિમાન મેળવી લીધા બાદ ચાર વિમાનોની પ્રથમ ટુકડી આગામી વર્ષે મે મહિના સુધી ભારત પહોંચશે. તમામ ૩૬ રાફેલ જેટ વિમાન ૨૦૨૨ સુધી ભારતને મળવાની શક્યતા છે. આના માટે પાયલોટોને ટ્રેનિંગ સહિતની તૈયારીઓ પણ કરવામાં આવી ચુકી છે. રાફેલ જેટ વિમાન ખુબ જ મહત્વપૂર્ણ છે.

(12:00 am IST)