Gujarati News

Gujarati News

News of Wednesday, 9th October 2019

રાજનાથસિંહે રાફેલમાં ૩૦ મિનિટ સુધીની ઉંડાણ ભરી

સુપરસોનિક વિમાનમાં ઉંડાણ ભરી રોમાંચિતઃ ક્યારે કલ્પના કરી ન હતી કે, સુપરસોનિકમાં ઉંડાણ ભરશે

પેરિસ,તા.૮: દશેરા અને વાયુસેના સ્થાપના દિવસના પ્રસંગે ફ્રાંસમાં પ્રથમ રાફેલ ફાઇટર જેટને મેળવી લીધા બાદ સંરક્ષણમંત્રી રાજનાથસિંહે તેની વિધિવતપૂજા કરી હતી. ત્યારબાદ સંરક્ષણમંત્રીએ રાફેલમાં આશરે ૩૦ મિનિટ સુધી ઉંડાણ ભરી હતી. તેઓ ૩૦ મિનિટ સુધી પાછળની સીટ ઉપર બેઠા હતા. ઉંડાણ ભરતી વેળા તેઓએ થમ્પ્સઅપનું નિશાન દર્શાવ્યું હતું. સાથે સાથે તેઓ દેશના પ્રથમ એવા સંરક્ષણમંત્રી બન્યા હતા જે રાફેલમાં ઉંડાણ ભરી ચુક્યા છે. આ પહેલા રાજનાથસિંહ તેજસમાં પણ ઉંડાણ  ભરી ચુક્યા છે. ફ્રાંસના એરબેઝ પર આયોજિત કાર્યક્રમમાં પહેલા પૂજા કરવામાં આવી હતી. ઉંડાણ ભર્યા બાદ રાજનાથસિંહે પોતાના અનુભવની વાત કરતા કહ્યું હતું કે, પાયલોટ કેપ્ટન ફિલની પ્રશંસા જેટલી કરો તેટલી ઓછી છે. તેમણે કહ્યું હતું કે, ફ્લાઇટના સંદર્ભમાં તમામ પ્રકારની માહિતી કેપ્ટન દ્વારા આપવામાં આવી હતી. ખુબ જ શાનદાર ફ્લાઇટ રહી હતી. તેમની લાઇફમાં આ અદ્ભુત ક્ષણ તરીકે છે. જિંદગીમાં ક્યારે પણ કલ્પના કરી ન હતી કે, સુપરસોનિક સ્પીડથી ઉંડાણ ભરનાર યુદ્ધવિમાનમાં ઉંડાણ ભરવાની તેમને તક મળશે. ભારતીય હવાઈ દળે ફ્રાંસ પાસેથી ૩૬ રાફેલ યુદ્ધવિમાનોની ખરીદી કરી છે. અગાઉ રાજનાથસિંહ અને ફ્રાંસના પ્રમુખ મેક્રો વચ્ચે એલ્સી પેલેસ ખાતે આશરે ૩૫ મિનિટ સુધી ચર્ચા કરી હતી. આ મિટિંગ બાદ રાજનાથસિંહ સીધા દક્ષિણ પશ્ચિમ ફ્રાંસીસી શહેર બોર્ડોક્સ પહોંચ્યા હતા જ્યાં ભારતીય વાયુસેના દ્વારા ખરીદવામાં આવેલા પ્રથમ રાફેલ યુદ્ધ જેટને સોંપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ૫૯૦૦૦ કરોડ રૂપિયામાં ૩૬ રાફેલ જેટ વિમાનો ખરીદવામાં આવી રહ્યા છે. શસ્ત્રપૂજા દશેરાના હિસ્સા તરીકે હોવાથી આનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. મંગળવારના દિવસે ફ્રાંસ પાસેથી આ વિમાન મેળવી લીધા બાદ ચાર વિમાનોની પ્રથમ ટુકડી આગામી વર્ષે મે મહિના સુધી ભારત પહોંચશે.

(12:00 am IST)