Gujarati News

Gujarati News

News of Wednesday, 9th October 2019

દશેરાના અવસરે શ્રી સ્વામિનારાયણ મંદિર, મુંબઈમાં દર્શનાર્થે પધાર્યાં કોકિલાબેન ધીરુભાઈ અંબાણી

આ અવસરે કોકીલાબેનનું શાલ ઓઢાડી પ્રસાદ અર્પણ કરી અને સન્માન કરાયું

 વિરમગામ: વ્યાપાર, ઉદ્યોગપતિ, સ્વપ્નદ્રષ્ટા, વીસમી સદીના ભારતીય ઉદ્યોગના અપ્રતિમ સાહસિક, ભારતના સૌથી મોટા ઔદ્યોગિક સામ્રાજ્યના સ્થાપક ધીરુભાઈ હીરાચંદભાઈ અંબાણી. 

ધીરજલાલ હિરાચંદ અંબાણી કે જેમને ધીરુભાઈ તરીકે પણ ઓળખવામાં આવે છે. સંઘર્ષ કરીને આપબળે ધનવાન બનેલા ભારતીય હતા કે જેમણે મુંબઈમાં  રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની સ્થાપના કરી હતી. અત્યારે તેમના બંને સુપુત્રો અંબાણી બંધુઓ વિશ્વના સૌથી વધુ ધનવાન પરિવારોમાં સ્થાન પામ્યા છે. 

   ગુજરાતના જૂનાગઢ જિલ્લાના ચોરવાડના ધીરુભાઈ અંબાણી જેમના ધર્મપત્નીનું નામ કોકીલાબેન છે. ધીરુભાઈ અંબાણીના પરિવારમાં બે પુત્રો અને બે પુત્રીઓનો સમાવેશ થાય છે. તેમના પુત્રોનું નામ મુકેશ અંબાણી અને અનિલ અંબાણી છે અને પુત્રીઓનું નામ નીના અને દીપ્તિ છે.

    "કર લો દુનિયા મુઠી મેં"... આ સપનું બીજા કોઇએ નહીં પરંતુ પોતાની મહેનતથી જમીનથી આકાશ સુધી પહોંચેલા ધીરુભાઈ અંબાણીએ જોયું હતું. આ સપનાને સાકાર કરવા માટે રાત દિવસ મહેનત કરી. શૂન્યમાંથી સર્જન કરી દેશના ટોચના ઉદ્યોગપતિ તરીકે નામના મેળવનાર ધીરુભાઈએ કેવી રીતે સંઘર્ષ કરી રિલાયન્સ કંપનીની સ્થાપના કરી અને આજે તેનું સામ્રાજ્ય કેટલું છે તે સૌ કોઈ જાણે છે. ૫૦૦ રૂપિયાથી બિઝનેસની શરૂઆત કરનાર અંબાણી પરિવાર પાસે ૫૦ અરબ ડોલરની સંપત્તિ છે.

  ધીરુભાઈ અંબાણીના ધર્મ પત્ની કોકિલાબેન અંબાણી. જેવો અંબાણી પરિવારના સૌથી મોટા અને વડીલ સભ્ય છે. તે ખૂબ જ ધાર્મિક છે. કોકીલાબેન ગુજરાતના જામનગરનાં વતની છે. તેમણે પોતાનો અભ્યાસ પણ ગુજરાતી શાળામાં કર્યો હતો. ધીરુભાઈ અંબાણી સાથે લગ્ન કર્યા બાદ તેઓ મુંબઈમાં શિફ્ટ થયાં હતાં. ધીરુભાઈ અંબાણીએ કોકીલાબેને અંગ્રેજી શીખવા માટે કહ્યું. એક ટ્યુટર ઘરમાં બાળકોને ભણાવવા માટે આવતો હતો. કોકીલાબેને તેની પાસેથી અંગ્રેજીનું જ્ઞાન લીધું હતું. ધીરુભાઈના મનમાં પોતાની ધર્મપત્ની માટે એટલું માન હતું કે તેઓ દરેક કામમાં કોકીલાબેનનો સમાવેશ કરતા હતા.

  ભારતની આર્થિક રાજધાની મુંબઈમાં મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર, મહાલક્ષ્મી શ્રદ્ધાળુઓ અને આસ્થાળુઓનું શ્રદ્ધા કેન્દ્ર છે. આજે આસુરી શક્તિ પર વિજયના પર્વ દશેરાના પાવન દિવસે ભારતના સૌથી વધુ ધનવાન એવા કોકિલાબેન અંબાણી સ્વામિનારાયણબાપા સ્વામીબાપાના દર્શનાર્થે શ્રી સ્વામિનારાયણ મંદિર, મહાલક્ષ્મી પધાર્યા હતાં. શ્રીજીબાપા સ્વામીબાપાનાં દર્શન કરી તેઓ કૃતકૃત્ય બન્યાં હતાં. આ અવસરે તેઓનું શાલ ઓઢાડી પ્રસાદ અર્પણ કરી અને સન્માન કરવામાં આવ્યું હતું.

(12:00 am IST)