Gujarati News

Gujarati News

News of Tuesday, 13th August 2019

મોબાઈલ સાથે લઈને એક પણ નેતા પાર્ટીની બેઠકમાં નહીં આવી શકેઃ સોનિયા ગાંધી

કોંગ્રેસની કમાન સંભાળતા જ પાર્ટીમાં અનુશાસન સુધારવાની દિશામાં સોનિયાનું પહેલું પગલું

નવી દિલ્હી, તા.૧૩: કોંગ્રેસ પાર્ટીના વચગાળાના અધ્યક્ષ બનેલા સોનિયા ગાંધીએ પાર્ટીનો પહેલો નિર્ણય જ એકદમ કડક લીધો છે. તેમણે પાર્ટીના નેતાઓને આદેશ આપ્યો છે કે કાર્યસમિતિની બેઠકમાં એક પણ નેતા મોબાઈલ ફોન સાથે લઈને નહીં આવી શકે. ૧૦ ઓગસ્ટે રાત્રે કોંગ્રેસની કાર્યકારી કમિટીના નેતાઓએ સોનિયા ગાંધીની પાર્ટીના વચગાળાના અધ્યક્ષ તરીકે પસંદગી કરી હતી. પાર્ટીના પ્રમુખ પદે તેમની પસંદગી કરી લીધા બાદ તેમણે પાર્ટીમાં અનુશાસન સુધારવાની દિશામાં તેમનું પહેલું પગલું ભર્યું છે.

સોનિયા ગાંધીને આગામી દિવસોમાં પાર્ટી માટે કેટલાક મહત્વના નિર્ણયો લેવાના છે. પાર્ટીમાં જૂથબાજીનો ખાત્મો કરવાનો છે. આ ઉપરાંત સહયોગી પક્ષો સાથે તાલમેલ ગોઠવવો એ સોનિયા ગાંધી માટે સૌથી મુશ્કેલ કાર્ય સાબિત થશે. આગામી દિવસોમાં દિલ્હી, ઝારખંડ, હરિયાણા, મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે.

લોકસભાની ચૂંટણીમાં કારમો પરાજય મેળવ્યા બાદ સમગ્ર દેશમાં કોંગ્રેસના કાર્યકર્તાઓમાં ફરીથી ઉમંગ અને ઉત્સાહ ભરીને તેમને વિધાનસભાની ચૂંટણીમાં એડી-ચોટીનું જોર લગાવી દેવા માટે તૈયાર કરવા એ પણ તેમના માટે એક પડકાર રૂપ સાબિત થવાનું છે. પાર્ટીના કેટલાક દિગ્ગજ નેતાઓ પાર્ટી છોડીને અન્ય પાર્ટીઓ સાથે જોડાઈ રહ્યા છે.

કોંગ્રેસમાં ઘણી બધી જગ્યાઓ ખાલી પડી છે જેમાં નવા ચહેરાઓની નિયુકતી મામલે પણ સોનિયા ગાંધીને નિર્ણય લેવાના છે. દિલ્હી અને ઝારખંડમાં ચૂંટણી થવા જઈ રહી છે અને આ બંને જગ્યાઓએ પ્રદેશ અધ્યક્ષની ખુરશી ખાલી પડેલી છે. હવે જોવાનું એ છે કે તેઓ આ બંને જગ્યાઓએ નવા પ્રદેશ પ્રમુખ તરીકે કોની પર પોતાનો પસંદગી કળશ ઢોળે છે.

(4:11 pm IST)