Gujarati News

Gujarati News

News of Tuesday, 13th August 2019

અભિભૂત થયાઃ શિવરાજસિંહ કહે છે મોદી-શાહની હવે હું પુજા કરૂ છું!!

મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ૩૭૦ની નાબુદી પછી વડાપ્રધાન-ગૃહપ્રધાન ઉપર ઓળધોળ : શિવરાજ-દિગ્વિજય-ચિદમ્બરમ વચ્ચે શબ્દોની તડાફડી

 ઇન્દોરઃ મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણે સોમવારે કહ્યું હતું કે હું પહેલા વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને ગૃહપ્રધાન અમિતભાઇ શાહ ને મારા નેતા માનતો હતો, શ્રદ્ઘાની દૃષ્ટિએ એમની તરફ જોતો હતો, પણ જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ ૩૭૦ નાબૂદ કરવાના નિર્ણય કારણે હવે હું તેની પૂજા કરવા લાગ્યો છું. આ એક ઐતિહાસિક નિર્ણય છે. આ પહેલા રવિવારે તેમણે કહ્યું હતું કે દેશના પહેલા વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ જે ભૂલ કરી હતી એ હવે સુધારવામાં આવી છે. આ ભૂલ માટે તેઓ અપરાધી છે. તેમણે જે ભૂલ કરી હતી એ વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ સુધારી લીધી છે. જોકે આ નિવેદન પર વિવાદ થતાં તેમણે સોમવાર પત્રકારોને કહ્યું હતું કે મારું એ નિવેદન ઐતિહાસિક તથ્યો પર આધારિત હતું અને મેં એ પૂરી જવાબદારી સાથે કહ્યું હતું.

જોકે શિવરાજસિંહ ચૌહાણ જવાહરલાલ નહેરૂ વિશેના નિવેદન પર કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહ ટિવ્ટમાં લખ્યું હતું કે શિવરાજ તો નેહરુના ચરણોની ધૂળ પણ નથી. આવા નિવેદન કરવા માટે તેમને શરમ આવવી જોઈએ. દેશના પહેલા વડાપ્રધાન ને આધુનિક ભારતના નિર્માતા કહેવામાં આવે છે. તેમણે આઝાદી માટે સંઘર્ષ કર્યો. દેશ હિત માં તેમનું યોગદાન અવિસ્મરણીય છે. એમના મૃત્યુના પંચાવન વર્ષ બાદ આવું કહેવું નિંદનીય છે..

 દિગ્વિજય સિંહ ના ટિવ્ટ પર જવાબ આપતા શિવરાજ ચૌહાણ કહ્યું હતું કે હું કોઈ પરિવારનો ગુલામ નથી. હું માત્ર ભારત માતાના ચરણોની ધૂળ છું. એમની સેવા કરીને હું મારા જીવનને સફળ, સાર્થક અને ધન્ય માનું છું. અમારો દેશ સ્વાભિમાન સાથે આગળ વધે એ અમારો સંકલ્પ છે.

પી. ચિદમ્બરમના નિવેદન વિશે બોલતા શિવરાજસિંહ ચૌહાણે કહ્યું હતું કે મને એની બુદ્ઘિ પર તરસ આવે છે. કોંગ્રેસના નેતાઓને કાશ્મીરી જનતા માટે પ્રેમ નથી. તેઓ કેવળ હિન્દુ અને મુસ્લિમ એ આધાર પર દેશ ને જુએ છે. ભાજપ માટે ભારતના તમામ નાગરિક એક છે. કાશ્મીરમાં શાંતિ રાખવી, ગરીબી હટાવવી અને એને સ્વર્ગ બનાવવું એ અમારો ધ્યેય છે.

(3:44 pm IST)