Gujarati News

Gujarati News

News of Tuesday, 13th August 2019

પી ચિદમ્બરમ ધરતી પર બોજ સમાન બન્યા છે

તમિળનાડુના મુખ્યમંત્રીનું નિવેદન

ચેન્નાઈ, તા.૧૩ : તમિળનાડુના મુખ્યમંત્રી પલાનીસામીએ કોંગ્રેસના દિગ્ગજ અને પૂર્વ કેન્દ્રીયમંત્રી પી ચિદમ્બરમ ઉપર જોરદાર પ્રહાર કરતા આજે તેમને ધરતીના બોજ તરીકે ગણાવ્યા હતા. ચિદમ્બરમે કલમ ૩૭૦નો વિરોધ કરીને કહ્યું હતું કે, જો જમ્મુ કાશ્મીરમાં હિન્દુ લોકો વધારે પ્રમાણમાં રહ્યા હોત તો ભગવા પાર્ટીએ આ રાજ્યમાંથી કલમ ૩૭૦ની નાબૂદી કરી ન હોત. તેમણે કહ્યું હતું કે, કેન્દ્ર સરકારે તમિળનાડુને કેન્દ્ર શાસિત રાજ્ય બનાવવાનો નિર્ણય કર્યો હોત તો અન્નાદ્રમુકે આનો વિરોધ કર્યો હોત.

       આ અંગે પ્રતિક્રિયા આપતા પલાનીસામીએ કહ્યું હતું કે, લાંબા સમય સુધી કેન્દ્રીયમંત્રી તરીકે રહ્યા હોવા છતાં ચિદમ્બરમે કાવેરી નદી પાણી સહિત રાજ્યના કોઇપણ મુદ્દા ઉપર કોઇ નિવેદન કર્યું ન હતું. તેમણે કહ્યું હતું કે, ચિદમ્બરમ કોઇપણ યોજના લઇને આવી શક્યા ન હતા. આટલા લાંબા સમય સુધી દેશના કેન્દ્રીયમંત્રી રહ્યા હોવા છતાં ચિદમ્બરમ કોઇ કામ કરી શક્યા ન હતા. ચિદમ્બરમ માત્ર ધરતી પર બોજ સમાન જ રહ્યા છે.

     પૂર્વ કેન્દ્રીયમંત્રીએ અગાઉ આક્ષેપ કરતા કહ્યું હતું કે, જો જમ્મુ કાશ્મીરમાં હિન્દુ વસતી વધારે રહી હોત તો કલમ ૩૭૦ની નાબૂદી થઇ ન હોત.હાલમાં જ કલમ ૩૭૦ નાબૂદ કરીને જમ્મુ કાશ્મીરને બે ભાગમાં વિભાજિત કરવાનો નિર્ણય કરાયો છે જેને લઇને કોંગ્રેસ સહિતના કેટલાક રાજકીય પક્ષોએ ઉગ્ર વિરોધ કરીને તેમની નારાજગી વ્યક્ત કરી છે.

(7:54 pm IST)