Gujarati News

Gujarati News

News of Tuesday, 13th August 2019

અમારા વિશેષાધિકાર યથાવત રાખોઃ કારગીલ વાસીઓની માંગણી

જમ્મુ તા. ૧૩: કારગીલને લેહ જીલ્લા સાથે રાખીને તેને જમ્મુ-કાશ્મીરથી અલગ કરવાના કેન્દ્ર સરકારના નિર્ણયથી નારાજ કારગીલ વાસીઓએ કહ્યું છે કે તેમના વિશેષાધિકાર જેમના તેમ રહેવા જોઇએ. તેઓ ૩૭૦ અને ૩પ એ હેઠળ મળેલા તેમના બધા અધિકારો પરત માંગે છે.

કારગીલના રાજકીય પક્ષો અને સ્થાનિક લોકો આના માટે કેન્દ્ર સરકાર પર દબાણ ઉભું કરી રહ્યા છે. તેમણે આ અંગે રાજયના ગૃહ સચિવને પણ જાણ કરી છે. ખરેખર તો કેન્દ્રશાસિત બનાવવાની જાહેરાતથી કારગીલના લોકોમાં રોષ છે. ભાજપા સિવાય બધા રાજકીય પક્ષોના નેતાઓ અને કાર્યકરો એક થઇ ગયા છે. તેમને ભય છે કે તેમને મળેલા વિશેષાધિકાર ઝુંટવાઇ જશે. સ્થાનિક નેતા નશીર મુન્શીનું કહેવું છે કે કારગીલના લોકોએ કયારેય જમ્મુ કાશ્મીરથી અલગ થવાની વાત નથી કરી અમે તો સંપીને રહેવા માગતા હતા. જે પણ નિર્ણય કરાયો છે તેમાં અમને નથી પૂછવામાં આવ્યું.

કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર થયા પછી બનેલ જોઇન્ટ એકશન કમિટીના સભ્યો સમજઠૂતીના મુડમાં તો છે. પણ તેના બદલામાં તેઓ પોતાના અધિકારોનું રક્ષણ કરવા માંગે છે. તેમનું કહેવું છે કે લદાખ ઓટોનોમસ હિલ ડેવલપમેન્ટ કાઉન્સીલ કારગીલની રચના પછી તેઓ મજબૂત થયા છે અને તેને વધુ મજબૂત બનાવવામાં આવે. પહેલાની જેમજ અહીંની જમીન પર ફકત સ્થાનિક લોકોનો જ અધિકાર હોય.

નોકરીમાં સ્થાનિક લોકોને પ્રાથમિકતા મળે, તેમની સંસ્કૃતિનું રક્ષણ થાય અને કારગીલના લોકોને મૂળભૂત સુવિધાઓ મળે તે બાબતે તેઓ સીધા ગૃહપ્રધાન અથવા તો ગૃહ મંત્રાલયના અધિકારીઓ સાથે વાતચીત કરવા માંગે છે. તેમની માંગણી સંતોષવામાં આવે તો તેમને કેન્દ્ર શાસિત પ્રદેશ સામે કોઇ વાંધો નથી એવું કહીને તેઓ કેન્દ્ર પર દબાણ બનાવી રહ્યા છે. કારગીલના ચીફ એકઝીકયુટીવ કાઉન્સીલર ફિરોઝખાનનું કહેવું છે કે તેમની વાતચીત રાજય સરકાર સાથે ચાલી રહી છે.

(3:33 pm IST)