Gujarati News

Gujarati News

News of Tuesday, 13th August 2019

ટોલ પ્લાઝા ઉપર થઈ રહ્યો છે કરોડોનો ભ્રષ્ટાચાર

હાઈવે ઓથોરીટી-ટોલ કંપનીઓ-ટ્રાન્સપોર્ટરોની મિલીભગતથી આચરાતુ કૌભાંડઃ ઓવરલોડીંગનો કાયદો ટોલ કંપનીઓ માટે બન્યો કમાણીનું સાધનઃ સરકારને કરોડોનું નુકસાન

નવી દિલ્હી, તા. ૧૩ :. ધંધાદારી વાહનોમાં નક્કી કરેલ મર્યાદા કરતા વધારે વજન પર રોક લગાવવાના અધિકારને ટોલ ટેક્ષ કંપનીઓએ કમાણીનું સાધન બનાવી દીધુ છે. આવા વાહનો પાસેથી બમણો ટેક્ષ લેવામાં આવે છે પણ તેની રસીદ નથી આપવામાં આવતી.

આનાકાની કરનાર ડ્રાઈવરની ટોલ પ્લાઝા પર તૈનાત કંપનીના માણસો ધોલાઈ કરી નાખે છે. નેશનલ હાઈવે ઓથોરીટી ઓફ ઈન્ડીયાએ ૨૦૧૪માં ઓવરલોડેડ વાહનોને રોડ પર ચલાવવા પર પ્રતિબંધ મુકી દીધો હતો. આ સાથે જ ટોલ ટેક્ષ કંપનીઓને અધિકાર આપવામાં આવ્યો હતો કે વધુ વજન પર દર ટન દીઠ ડબલ ટેક્ષ વસુલ કરે. તે ઉપરાંત નક્કી કરવામાં આવેલ વજનથી વધારેનો સામાન વાહન પર ઉતારી લેવાનુ પણ કહેવાયુ હતુ. ટોલ કંપની વાહનના ડ્રાઈવર વિરૂદ્ધ પોલીસની મદદથી કાયદેસરની કાર્યવાહી પણ કરી શકે છે. ઉલ્લેખનીય છે કે આ કડક કાયદાકીય અધિકારોને ટોલ ટેક્ષ કંપનીઓએ હવે કમાણીનું સાધન બનાવી લીધુ છે.

સૂત્રોએ જણાવ્યુ કે ઓવરલોડીંગ કાયદાની આ જોગવાઈઓથી રોડ પરિવહન સાથે જોડાયેલા દરેક પક્ષોના વધારાની આવક થાય છે. આમા ટ્રક માલિક, વેપારી, ટ્રાન્સપોર્ટ કંપનીઓ, ટ્રાફીક પોલીસ અને આરટીઓ બધા કમાણી કરે છે. જેનો ભાર અંતે ગ્રાહકો પર આવે છે અને સરકારને કરોડો રૂપિયાનું નુકસાન જાય છે તેમ લાઈવ હિન્દુસ્તાનના અરવિંદ સિંહનો રીપોર્ટ જણાવે છે.

વધારે વજનના દંડ પેટે ટોલ પ્લાઝા પરના કર્મચારીએ રસીદ આપવી જોઈએ, પણ ટોલ કર્મચારી દંડની રકમમાં ઘટાડો કરીને વાહનોને જવા દે છે. દંડની રકમ ઓછી થવાથી ડ્રાઈવર પણ રાજી થાય છે. રસીદ ન આપવાથી આ પૈસા ટોલ પ્લાઝાના કર્મચારીના ખિસ્સામાં ચાલ્યા જાય છે અને આવી રીતે સરકારને વર્ષે કરોડો રૂપિયાનું નુકસાન જાય છે.

(11:31 am IST)