Gujarati News

Gujarati News

News of Tuesday, 13th August 2019

કોંગ્રેસમાં નિષ્ફળ રહ્યો યુવા નેતૃત્વનો પ્રયોગ

રાહુલની નિષ્ફળતાનું કારણ પક્ષના યુવા અને બુઝુર્ગ નેતાઓ વચ્ચેનો સંઘર્ષઃ સોનિયાની વાપસીથી નક્કી થયું કે હાલ બુઝુર્ગ પેઢી જ પક્ષ ચલાવશે

નવી દિલ્હી, તા. ૧૩ :. કોંગ્રેસે મઝધારમાં ફંસાયેલી પોતાની રાજકીય નૌકાને પાર ઉતારવા માટે સુકાન ભલે સોનિયા ગાંધીના હાથમાં સોંપ્યુ હોય પણ તેના આ નિર્ણયથી કોંગ્રેસમાં યુવા નેતૃત્વની નિષ્ફળતા સાબિત થઈ ગઈ છે. છેલ્લા એક દાયકાથી નવી પેઢીને કોંગ્રેસનું ભવિષ્ય બનાવવાનો રાહુલ ગાંધીનો પ્રયોગ પણ નિષ્ફળ થઈ ગયો છે. આનાથી એ પણ ચોક્કસ છે કે સોનિયા ગાંધીની આગેવાનીમાં કોેંગ્રેસની રાજકીય દશા અને દિશા હજુ કેટલાક સમય માટે પક્ષના બુઝુર્ગ નેતાઓના હાથમાં જ રહેશે.

શનિવારે જૂની પેઢીના નેતાઓએ કાર્ય સમિતિની બેઠકમાં રાહુલ ગાંધીની ગાંધી પરિવાર સિવાયના નેતાને પ્રમુખ બનાવવાની જાહેરાતને બાજુએ મુકીને સોનિયા ગાંધીની અનિચ્છા છતા તેમને ફરીથી પ્રમુખ બનવા માટે મનાવી લીધા હતા. ૧૯૯૮માં પણ તે અધ્યક્ષ બનવા તૈયારર નહોતા અને રાહુલે પણ તેમના સક્રિય રાજકારણમાં આવવાનો વિરોધ કર્યો હતો. ત્યાર પછી તેમણે રાહુલના રાજકારણનો રસ્તો બનાવીને તેના હાથમાં સુકાન સોંપ્યુ હતું.

પણ રાહુલે નેતૃત્વ સંભાળ્યા પછી પક્ષમાં બુઝુર્ગ અને યુવા પેઢી વચ્ચે એક ખાઈ બની ગઈ. પક્ષના ઉચ્ચ નેતાઓનું માનવું છે કે આ ખાઈ વધારવામાં હાઈપ્રોફાઈલ સંસ્થાનોમાંથી ભણીને આવેલ રાહુલના યુવા સલાહકારોની સાથે કેટલાક નેતાઓએ પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. બન્ને વચ્ચેનો અવિશ્વાસ એટલો ઉંડો થઈ ગયો કે વરિષ્ઠ નેતાઓ પોતાના તરફથી કોઈ પહેલ કરતા બંધ થવા લાગ્યા. રાજકીય રીતે રાહુલની રાજકીય નિષ્ફળતામાં યુવા અને બુઝર્ગ પેઢીના નેતાઓ વચ્ચેનો સંઘર્ષ મોટુ કારણ બન્યું.

(10:08 am IST)