Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

મેડિકલ ક્ષેત્રે ઇતિહાસ સર્જાયો :દેશમાં પ્રથમ વખત રોબોટે સફળ સ્પાઈનની સર્જરી કરી

રોબોટ દ્વારા સ્પાઇન સર્જરીમાં ભારત હવે અમેરિકા પછી વિશ્વનો બીજો દેશ બન્યો

નવી દિલ્હીઃ ટેક્નોલોજીના ઉપયોગથી ભારતે મેડિકલ ક્ષેત્રે ઇતિહાસ રચ્યો છે ભારત હવે અમેરિકા પછી વિશ્વનો બીજો દેશ બની ગયો છે જ્યાં એક રોબોટે સફળ સ્પાઈન સર્જરી કરી છે.આ રોબોટ સ્પાઈનલ ઈન્જરી સાથે સંકળાયેલી સર્જરી કરશે, પરંતુ ભવિષ્યમાં અત્યંત કપરામાં કપરી સર્જરી પણ રોબોટ સરળ બનાવી દેશે. આ રોબોટની મદદથી સર્જરી ઝડપથી અને ટૂંકા સમયમાં થાય છે. બોન કેન્સર, જોઈન્ટ રિપ્લેસમેન્ટ, હાડકાના અંદરના ભાગ સુધી પહોંચવામાં તેનો ઉપયોગ કરી શકાશે. 

દિલ્હીની ઈન્ડિયન સ્પાઈનલ ઈન્જરીઝ સેન્ટરમાં રહેલા આ એડવાન્સ્ડ રોબોટે અત્યાર સુધી 5 સફળ સર્જરી કરીને મેડિકલ ફિલ્ડમાં ખુદને સાબિત કરી દીધો છે. દિલ્હીમાં રહેતી પ્રીતિ પાંડે(33 વર્ષ)ની કરોડરજ્જુ વાંકી થઈ ગઈ હતી, તેને પગમાં ગંભીર નબળાઈ અને કમરની વિકલાંગતાની સમસ્યા હતી. 8 જુલાઈના રોજ એડવાન્સ રોબોટિક સિસ્ટમની મદદથી તેનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. રોબોટનું નામ સાંભળીને પહેલા તો તે ખુદ ડરી ગઈ હતી. 

 

રોબોટની મદદથી હવે સ્પાઈન સર્જરી પણ સરળતાથી કરી શકાશે. હાડકામાં 1.6 મીમીનું છિદ્ર કરવાનું હશે તો પણ ડોક્ટરના આદેશ પર આ રોબોટ કરી આપશે. મેડિકલ ડિરેક્ટર કમ ચીફ ઓફ સ્પાઈન સર્વિસિસના ડો. એચ.એસ. છાબડાએ જણાવ્યું કે, ઈન્ડિયન સ્પાઈનલ ઈન્જરી સેન્ટર અમેરિકા પછી દુનિયાની પ્રથમ હોસ્પિટલ છે જ્યાં એડવાન્સ રોબોટિક સિસ્ટમ ઉપલબ્ધ છે. 

 

ઉલ્લેખનીય છે કે, રોબોટની મદદથી કરવામાં આવતી સર્જરીમાં ઈમ્પ્લાન્ટની જરૂર રહેતી નથી, રિવીઝન સર્જરી, રેડિએશન એક્સપોઝર, હોસ્પિટલમાં રોકાવાનો સમય અને ઈન્ફેક્શન વગેરેનું જોખમ અત્યંત ઓછું થઈ જાય છે. 

(9:30 pm IST)