Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

રાંચીના મેળામાં અમાનવીય ખેલઃ નવજાતોની લાશ પર તમાશોઃ અવિકસીત ભૃણ બતાડી પૈસા લેવાતા હતાઃ ૩ની ધરપકડ થઈ

નવજાત અવિકસીત બાળકોની લાશને ટબ કે બોટલોમાં કેમીકલ સાથે રાખી પ્રદર્શન કરાતુ'તું

રાંચી, તા. ૧૧ :. રાંચીના ઐતિહાસિક જગન્નાથપુર મેળામાં એક અજબગજબનો તમાશો બતાડવાનો મામલો સામે આવ્યો છે. પોલીસની હાજરીમાં નવજાત બાળકોની લાશ પર તમાશો કરવામાં આવી રહ્યો હતો. નવજાત અવિકસીત બાળકોની લાશને ટબમાં કે બોટલોમાં કેમીકલ સાથે રાખી પ્રદર્શન કરવામાં આવી રહ્યુ હતું. આ સ્ટોલથી માત્ર ૫૦ મીટર દૂર પોલીસ ચોકી બનાવવામાં આવી હતી. મેળાના સમિતિના લોકોની પણ આ તમાશા પર નજર ન પડી. બધાની સામે આ અમાનવીય ખેલ ચાલતો હતો.

એક દિવસ આ તમાશો ચાલ્યો. કુતુહલ સાથે લોકોની ભીડ પણ એકઠી થઈ. લોકો પૈસા પણ આપી રહ્યા હતા. આની તસ્વીર વાયરલ થઈ હતી પછી પોલીસ ચોંકી ઉઠી અને સ્ટોલ ઉપર ત્રાટકી ૩ લોકોની ધરપકડ કરી હતી. ત્રણેયની પૂછપરછ ચાલુ છે.

ત્રણેય આરોપીઓએ પોલીસની પૂછપરછમાં જણાવ્યુ હતુ કે મેળા સમિતિની મંજુરી લઈને અમે સ્ટોલ નાખ્યો હતો. ૧૦,૦૦૦ ડીપોઝીટના પણ આપ્યા છે. બાળકોની લાશ તેઓ કોલકત્તાની એક મેડીકલ કોલેજમાંથી લાવ્યા હતા. લોકોને નવજાતોની લાશ બતાડી રૂપિયા કમાવવાનો તેઓનો હેતુ હતો. પોલીસના કહેવા મુજબ મેળામાં આવી અમાનવીય હરકત કરનાર સામે કડક કાર્યવાહી થશે.

દુર્લભ ગણાવી પૈસા કમાવવાનો ખેલ ચાલતો હતો.

(11:30 am IST)