Gujarati News

Gujarati News

News of Monday, 15th April 2019

વિશ્વના સૌથી મોટા અને વજનદાર વિમાને અમેરિકાના કેલિફોર્નિયાના મોજેવ રણમાં પ્રથમ ઉડાન ભરી

લોસ એન્જેલસ(રોઈટર્સ): વિશ્વના સૌથી મોટા અને વજનદાર વિમાને અમેરિકાના કેલિફોર્નિયામાં મોજેવ રણમાં તેની પ્રથમ ઉડાન ભરી હતી. માઈક્રોસોફ્ટના ભૂતપૂર્વ સહસ્થાપક પોલ એલેન દ્વારા બનાવાયેલી કંપની સ્ટ્રાટોલોન્ચ સિસ્ટમ્સ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલા કાર્બન કમ્પોઝિટ વિમાનની આ પરીક્ષણ ઉડાન હતી.

રોક નામના આ સફેદ રંગના વિમાનની પાંખોની લંબાઈ અમેરિકાના ફૂટબોલ મેદાન જેટલી છે. તેમાં ડબલ ફ્યુઅલ સ્ટેજ ધરાવતા 6 બોઈંગ 747 એન્જિન ફીટ કરવામાં આવ્યા છે. વિમાને પેસિફિક સમય મુજબ સવારે 7.00 કલાકે ઉડાન ભરી હતી અને આકાશમાં લગભઘ 2 કલાક સુધી ચક્કર લગાવ્યા બાદ સફળ લેન્ડિંગ કર્યું હતું.

આ વિમાનનું નિર્માણ અંતરિક્ષમાં રોકેટ લઈ જવા અને ત્યાં છોડવા માટે કરવામાં આવ્યું છે, આ વિમાન રોકેટ ઉપગ્રહોને અંતરિક્ષમાં તેમની કક્ષા સુધી પહોંચાડવામાં મદદ કરશે. એક ઉપગ્રહને અંતરિક્ષમાં છોડતાં પહેલાં વિમાનને 10 કિમી (6.2 માઈલ) સુધી ઉડાવવાનો મૂળ વિચાર છે.

જાણો વિમાનની વિશેષતાઓઃ

1. વર્તમાન સમયમાં ટેક ઓફ રોકેટની મદદથી ઉપગ્રહોને અંતરિક્ષની વિવિધ ભ્રમણકક્ષામાં મોકલવામાં આવે છે.

2. તેની સરખામણીએ ઉપગ્રહોને તેમની ભ્રમણકક્ષામાં પહોંચાડવા માટે આ વિકલ્પ સારો રહેશે.

3. તેનું નિર્માણ સ્કેલ્ડ કમ્પોઝિટ્સ નામની એક એન્જિનિયરિંગ કંપનીએ કર્યું છે.

4. આ વિમાનની પાંખોની લંબાઈ 385 ફૂટ છે, જે અમેરિકાના એક ફૂટબોલ મેદાન જેટલી છે.

5. શનિવારે આ વિમાને આકાશમાં લગભગ બે કલાક કરતાં વધુ સમય સુધી ઉડાન ભરી હતી.

6. આ વિમાન વિશ્વનું પ્રથમ સૌથી મોટું અને સૌથી વજનદાર વિમાન છે.

7. આ વિમાને 304 કિમી/ પ્રતિ કલાકની ઝડપે 17,000 ફૂટની ઊંચાઈએ આકાશમાં ઉડાન ભરી હતી.

8. ખાલી વિમાનનું વજનઃ 2,26,796 કિલોગ્રામ, લંબાઈ 73 મીટર

આ વિમાન ઉડાવનારા પાઈલટ ઈવન થોમસે બીબીસીને જણાવ્યું કે, "વિમાન ઉડાવાનો અનુભવ અત્યંત 'રોમાંચક' રહ્યો હતો અને જે પ્રકારનું અનુમાન હતું તેવી અપેક્ષા પ્રમાણે જ વિમાન આકાશમાં ઉડ્યું હતું."

સ્ટ્રાટોલોન્ચ કંપનીએ જણાવ્યું કે, આ વિમાન 'વિશ્વનું સૌથી મોટું વિમાન' ભલે હોય, પરંતુ વિશ્વમાં બીજા પણ એવા વિમાન છે જેની લંબાઈ(નાકથી પૂંછડી સુધી) આ વિમાન કરતાં વધુ લાંબી છે.

(4:57 pm IST)