Gujarati News

Gujarati News

News of Monday, 15th April 2019

ચોંકાવનારો કિસ્સો, મહિલાઓ સાથે છેતરપિંડી, ૮૯ વર્ષનો ડોકટર ૪૯ બાળકોનો બાપ બન્યો

બાળકની ચાહતમાં મહિલાઓ આઈવીએફનો સહારો લેતી હોય છે પરંતુ નેધરલેન્ડમાં એક એવો મામલો સામે આવ્યો છે જે જાણીને તમે સ્તબ્ધ થઈ જશો

નેધરલેન્ડ, તા.૧૫: બાળકની ચાહતમાં મહિલાઓ આઈવીએફનો સહારો લેતી હોય છે પરંતુ નેધરલેન્ડમાં એક એવો મામલો સામે આવ્યો છે જે જાણીને તમે સ્તબ્ધ થઈ જશો. વાત જાણે એમ છે કે રોટેરડમમાં આઈવીએફ કિલનિકમાં મહિલાઓ સાથે દગાબાજીની વાત સામે આવી છે. ડોકટર પોતાના દર્દીઓ સાથે દગો કરતો હતો અને ડોનરના સ્પર્મ સાથે પોતાના સ્પર્મ બદલીને તેને આઈવીએફ ટેકિનક માટે ઉપયોગમાં લેતો હતો. ડિફેન્સ ઓફ ચિલ્ડ્રન નામના એક સંગઠને ડીએનએ ટેસ્ટ કરાવતા આ સમગ્ર મામલો બહાર આવ્યો.

આ કિલનિકના ડોકટરે ૪૯ મહિલાઓની પ્રેગ્નેન્સી માટે પોતાના જ સ્પર્મનો ઉપયોગ કર્યો. આ સંખ્યા વધી પણ શકે છે. જેન કરબેટ નામના આ ડોકટરનું ૨૦૧૭માં મોત થઈ ગયું હતું. ત્યારબાદ કોર્ટે આદેશ આપ્યો કે પેરેન્ટ્સને ડોકટરના ડીએનએ ટેસ્ટના રિઝલ્ટ આપવામાં આવે. ત્યારબાદ ખબર પડી કે ડોકટરોએ સ્પર્મ ડોનરની જગ્યાએ પોતાના સ્પર્મનો ઉપયોગ કર્યો હતો.

ડિફેન્સ ફોર ચિલ્ડ્રન નામની સંસ્થાએ કહ્યું છે કે નિજમેઝેન શહેરની એક હોસ્પિટલમાં કરાયેલા ડીએનએ ટેસ્ટના પરિણામોથી માલુમ પડ્યું છે કે ડોકટરના ડીએનએ સાથે ૪૯ બાળકોના ડીએનએ મેચ થયા છે. તેમણે જણાવ્યું કે આ ટેસ્ટથી એવી વિગતો સામે આવી કે કરબેટ પોતાના કિલનિકમાં પોતાના જ સ્પર્મનો ઉપયોગ કરતો હતો. ડોકટરની કિલનિક હવે બંધ થઈ ગઈ છે. ચોંકાવનારી વાત એ છે કે ૮૯ વર્ષના ડોકટરને મોત અગાઉ જ ખબર હતી કે તે અત્યાર સુધી ૬૦ બાળકોનો પિતા બની ચૂકયો છે.  જો કે ૨૦૦૯માં કિલનિક પર અનિયમિતતાના આરોપ લાગ્યા હતાં, ત્યારબાદ તેને બંધ કરી દેવાઈ.

એક કોર્ટ દ્વારા ચૂકાદો આવ્યાં બાદ ફેબ્રુઆરીમાં આ મામલો સાર્વજનિક થયો. કોર્ટે ચૂકાદો આપ્યો હતો કે કરબેટના ડીએનએ ટેસ્ટ પેરેન્ટ્સ અને પીડિત બાળકો માટે ઉપલબ્ધ કરાવવામાં આવે. જેનાથી તેમને જાણકારી મળી શકે. નેધરલેન્ડના એક અખબારે એમ પણ જણાવ્યું કે કરબેટે એમ પણ સ્વીકાર્યું હતું કે તેણે ડોનર્સના સ્પર્મમાં મિલાવટ કરી અને ડોનર્સના ડોકયુમેન્ટેશનમાં પણ ફ્રોડ કર્યું હતું. 'કરબેટના બાળકો'એ કોર્ટનો દરવાજો ખખડાવ્યો જેનાથી કરબેટના પરિવારે ડીએનએ ટેસ્ટના રિપોર્ટને સાર્વજનિક કરવા માટે મજબુર થવું પડ્યું.

જો કે કરબેટના વકીલોએ એવો તર્ક આપ્યો કે તેમના કલાયન્ટના પ્રાઈવસીના અધિકારનું સન્માન થવું જોઈએ. પરંતુ જજે બાળકોના અધિકારને પ્રાઈવસીના અધિકારની ઉપર રાખતા ડીએનએ રિપોર્ટ બાળકો અને તેમના પરિવાર સાથે શેર કરવાનો ચૂકાદો આપ્યો. ડિફેન્સ ફોર ચિલ્ડ્રને જણાવ્યું કે શુક્રવારે થયેલા આ ખુલાસાથી સંભાવના છે કે કરબેટ ૪૯થી વધુ બાળકોનો પિતા છે.

(12:02 pm IST)