Gujarati News

Gujarati News

News of Monday, 15th April 2019

ભાજપનો એક જ હેતુઃ બધા ખેડૂતોને રાજી કરવા

કોઈપણ ખેડૂત પછી ભલે તે નાનો હોય કે મોટો તે પરેશાન થવો ન જોઈએ

નવી દિલ્હી, તા. ૧૫ :. ભાજપાએ પોતાના ચૂંટણી ઢંઢેરામાં કિસાન સમ્માન યોજના હેઠળ બધા ખેડૂતોને વાર્ષિક ૬૦૦૦ આપવાનું વચન આપ્યુ છે. ભાજપા આના દ્વારા એ પાકુ કરવા માંગે છે કે હાલની વ્યવસ્થામાં જે ખેડૂતોને આ યોજનાનો લાભ નથી મળતો તેવા ખેડૂતો તેનાથી નારાજ ન રહે. પક્ષના આ વચનનો એક ઉદ્દેશ એ પણ છે કે લાભાર્થીઓની ઓળખ કરવાની રાજ્યોની કામગીરી ઓછી થાય.

હાલમાં આ સ્કીમ હેઠળ ૧૨ કરોડ ખેડૂતો આવી જાય છે, જેમની પાસે બે હેકટરથી ઓછી જમીન છે. આ સ્કીમના વ્યાપમાંથી લગભગ ૨.૫ કરોડ ખેડૂતો બહાર રહી ગયા છે. ગૃહપ્રધાન અને ભાજપના મેનીફેસ્ટો કમીટીના અધ્યક્ષ રાજનાથસિંહે પત્રકારોને કહ્યું 'આગામી કાર્યકાળમાં દેશના દરેક ખેડૂતને વાર્ષિક ૬૦૦૦ રૂપિયા આપવાનું અમે વચન આપીએ છીએ. અમે ઈચ્છીએ છીએ કે ઈન્કમ સપોર્ટના રૂપમાં મળતી આ મદદ મેળવવામાં કોઈ ખેડૂતને તકલીફ ન પડે.'

તેમણે કહ્યું 'ગરીબોને મુદ્દો બનાવવાની જરૂર નથી, જરૂર તો સંપૂર્ણ સંકલ્પ અને દિલથી ગરીબી દૂર કરવા માટે કામ કરવાની અમે આ કામ કરી રહ્યા છીએ. ખેતી કરવામાં હવે કંઈ વળતર નથી રહ્યું, પણ અમે તેને ફાયદાકારક બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. એવા ઘણા ખેડૂતો છે જેમની મોટાભાગની જમીન સિંચાઈની સુવિધા વગરની છે તેમને આ સ્કીમથી ફાયદો થશે. કોંગ્રેસ પોતાના વચન દ્વારા ગરીબોને ગુમરાહ કરવાની કોશિષ કરી રહી છે. તેઓ દાયકાઓથી એ જ કરતા રહ્યા છે.'

(11:57 am IST)