Gujarati News

Gujarati News

News of Thursday, 14th March 2019

મોબાઈલ કંપનીના ટાવર લગાવવાના બહાને દેશભરમાં 1000થી વધુ લોકો સાથે છેતરપિંડી :ત્રિપુટીની ધરપકડ

પોતાની કંપની શરૂ કરવા ઇચ્છુક આરોપીએ નકલી વેબસાઈટ બનાવી લોકોને છેતરતો

 

નવી દિલ્હી :મોબાઈલ કંપનીના ફોન ટાવર લગાવવાના બહાને દેશભરમાં 1,000 કરતાં વધું લોકો સાથે 1.5 કરોડથી વધુની છેતરપિંડી આચરનારા ત્રણ શખ્સોની ધરપકડ કરાઈ હોવાનું પોલીસે જણાવ્યું છે. ત્રણ શખ્સોની ઓળખ સંજય કુમાર (28 વર્ષ), સંતોષ કુમાર (29 વર્ષ) અને અર્જુન પ્રસાદ (26 વર્ષ) તરીકે થઈ છે

  પોલીસે જણાવ્યું છે કે, ત્રિપુટી લોકો સાથે નકલી વેબસાઇટ મારફતે લોકો સાથે છેતરપિંડી કરતી હતી. સંજયે ભોગ બનનારા લોકો પાસેથી મળેલી કેટલીક રકમનો તેની પોતાની ક્લાઉડ ટેલિફોની કંપનીસંજય એન્ટરપ્રાઇસિસશરૂ કરવા માટે ઉપયોગ કર્યો હોવાનું પોલીસે જણાવ્યુ છે

   જ્યારે પોલીસે તપાસ કરી ત્યારે ઓછામાં ઓછી 200 વ્યક્તિઓએ સ્વીકાર્યું હતું કે, આરોપીઓએ તેમની સાથે છેતરપિંડી કરી હતી. દિલ્હીના દ્વારકા વિસ્તારના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ એન્ટો અલ્ફોન્સે જણાવ્યું કે, આરોપીઓ દ્વારા ભોગ બનનારા ડાબરીના રહીશ લોકેન્દ્ર કુમારે તેમની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમણે ઇન્ટરનેટ પર એક વેબસાઇટ www.reliancejiotower.net જોઈ હતી. વેબસાઇટમાં મોબાઇલ ફોનના ટાવર લગાવવાની વિગતો દર્શાવવામાં આવી હતી.

   પોલીસના જણાવ્યા અનુસાર લોકેન્દ્ર કુમારે વેબસાઇટમાં આપવામાં આવેલા મોબાઇલ નંબર પર સંપર્ક કર્યો હતો અને વેબસાઇટ પર મોબાઇલ ટાવર લગાવવા માટેનું ફોર્મ પણ ભર્યું હતું. ત્યારબાદ તેમને પાસે  ટાવર લગાવવાની મંજૂરી આપતો પત્ર મળ્યો હતો.

   ત્રણેય આરોપીઓએ લોકેન્દ્ર કુમાર પાસેથી રૂ. 14,413ની રકમ સિક્યુરિટીની તરીકે માગણી કરી હતી. આથી લોકેન્દ્ર કુમારે આરોપીઓએ આપેલા આંધ્ર બૅન્કના ખાતામાં રકમ જમા કરાવી હોવાનું ડીસીપી અલ્ફોન્સે જણાવ્યું હતું. રકમ જમા કરાવ્યા બાદ લોકેન્દ્ર કુમારને તેમની બૅન્કમાંથી મેસેજ મળ્યો હતો કે તેમણે જમા કરાવેલી રકમ અર્જુન પ્રસાદના ખાતામાં જમા કરવામાં આવી છે. આથી તેમને શંકા થતાં તેમણે ત્રણેય આરોપીઓ પાસેથી તેમના રૂપિયા પરત માગ્યા હતા, જે આપવાનો આરોપીએ ઇન્કાર કર્યો હતો.

   ઘટનાની તપાસમાં દિલ્હી પોલીસના સાયબર સેલે તથાકથિત વેબસાઇટની નોંધાયેલી માહિતી, ઇન્ટરનેટ પ્રોટોકોલ (આઇપી) લોગ્સ, તથા નાણાં વ્યવહારોની વિગતોની તપાસ કરીને તેનું વિશ્લેષણ કર્યું. બૅન્ક એકાઉન્ટમાં નોંધાયેલી લેવડદેવડના વિશ્લેષમ બાદ પોલીસને તેમાં નાણાંના વારંવાર જમા અને ઉપાડના વ્યવહારો થતાં જોવા મળ્યા તથા બૅન્ક એકાઉન્ટ ખોટું સરનામુ આપીને ખોલાવવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું.

    ડીસીપીએ જણાવ્યું હતું કે, બાતમીને આધારે પોલીસે માનેસર તથા ફરિદાબાદના વિવિધ સ્થળોએ દરોડા પાડ્યા અને ત્રણેય આરોપીઓની ધરપકડ કરી હતી. તેમની પૂછપરછ દરમિયાન સમગ્ર કૌભાંડના સૂત્રધાર સંજયે જણાવ્યું હતું કે તે પોતાની કંપની શરૂ કરવા ઇચ્છતો હતો અને તે માટે એને રૂ. 20 લાખની જરૂર હતી. આથી તેણે નકલી વેબસાઇટ શરૂ કરી હતી. ઉપરાંત વેબસાઇટ પર આવતા ગ્રાહકો દ્વારા પૂછવામાં આવે તેવા સંભવિત પ્રશ્નોનું લિસ્ટ પણ તૈયાર કર્યું હતું અને વેબસાઇટ માટે આભાસી નંબરો પણ મેળવ્યા હતા.

ત્યારબાદ, તેમણે સ્થાનિક કલાકારને પૈસા આપીને પ્રશ્નોના જવાબ તેના અવાજમાં રેકોર્ડ કર્યા હતા. સંજય પાસે ઇન્ફોર્મેશન ટેક્નોલોજી (આઇટી)નો ડિપ્લોમા છે. તે વર્ષ 2011-14 દરમિયાન એક સોફ્ટવેર કંપનીમાં કામ કરતો હતો. તેણે ભારતની ટેક્નોલોજી સેવાઓ અને કંસલ્ટિંગ આપતી એક પ્રતિષ્ઠિત કંપનીમાં વર્ષ 2015થી 2017 દરમિયાન કામ કર્યું હતું. આરોપીઓ પાસેથી પાંચ મોબાઇલ ફોન, નવ સિમ કાર્ડ, વિવિધ બૅન્કોના 12 એટીએમ કાર્ડ મળી આવ્યા છે, જેનો ઉપયોગ લોકોને છેતરવા માટે કરવામાં આવતો હતો. ઉપરાંત બૅન્કોમાં નવું ખાતું ખોલાવવાથી મળતી એકાઉન્ટ ઓપનિંગ કિટ્સ તથા ચેકબુક્સ પણ મળી હોવાનું પોલીસે જણાવ્યું હતું

(1:05 am IST)