Gujarati News

Gujarati News

News of Thursday, 14th March 2019

ચીનના વીટો ઉપર રાજનીતિ

કોંગ્રેસના મ્‍હેણા સામે ભાજપનો પલટવાર

ચાઇનીઝ વસ્‍તુઓનો બહિષ્‍કાર કરો... લોકો માંગણી કરવા લાગ્‍યા

નવી દિલ્‍હી તા. ૧૪ : ગઇકાલે ચીને વીટો વાપરીને સુરક્ષા પરિષદમાં ત્રાસવાદી મસૂદ-અઝહરને વૈશ્વિક આંતકવાદી જાહેર કરતા અટકાવ્‍યો તેના પડઘા વિદેશમાં તો પડયા પરંતુ દેશમાં પડયા છે. આ મામલે ભારતીય રાજનિતીમાં ગરમાવો આવ્‍યો છે. કોંગ્રેસે તક ઝડપી ભાજપ અને સરકારની ટીકા કરી છે તો ભાજપે કોંગ્રેસને ભૂતકાળ યાદ કરાવ્‍યો છે.

આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્‍મદના સરગણા મસૂદ અઝહરને વૈશ્વિક ત્રાસવાદી ઘોષિત કરવાના પ્રયાસમાં ચીનની અવળચંડાઇ પર રાજકીય સંગ્રામ શરૂ થઇ ગયો છે. કોંગ્રેસ અધ્‍યક્ષ રાહુલ ગાંધીએ આરોપ મુકયો છે કે, વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી ચીનના રાષ્‍ટ્રપતિ શી ચીનપીંગથી ડરેલા છે અને ચીન વિરૂધ્‍ધ તેના મોઢામાંથી એક શબ્‍દ નીકળ્‍યો નથી. ત્‍યારબાદ બીજેપીએ રાહુલ પર પલટવાર કરીને કહ્યું કે, જ્‍યારે દેશ દુઃખી થાય છે તો તે આટલા ખુશ કેમ છે. બીજેપીએ તેની સાથે જ રાહુલ પર કેટલાક સવાલ પણ કર્યા છે.

રાહુલ ગાંધી પર નિશાન સાધીને બીજેપી પ્રવકતા રવિશંકર પ્રસાદે કહ્યું કે, જ્‍યારે ભારતને દુઃખ થાય છે તો રાહુલ ગાંધીને ખુશી થાય છે. તેઓએ કહ્યું કે, રાજનીતિમાં વિરોધ થવો જોઇએ, પરંતુ ત્રાસવાદના મુદ્દા પર આ પ્રકારનું વલણ કેમ? રાહુલ ગાંધીને શું થઇ ગયું છે, તેઓએ વધુમાં કહ્યું કે, ૨૦૦૯માં યુપીએ દ્વારા મસૂદ અઝહર પર પ્રતિબંધ લગાવાના પ્રયત્‍ન દરમિયાન ચીને આ વલણ અપનાવ્‍યું હતું ત્‍યારે રાહુલ ગાંધીએ ટ્‍વિટ કેમ નથી કર્યું.

પ્રસાદે તેની સાથે જ કટાક્ષ કરીને કહ્યું કે, રાહુલ ગાંધીના ચીન સાથે સારા સંબંધ છે. ડોકલામ મુદ્દા પર તે ચીની દુતાવાસ સાથે મુલાકાત કરે છે.

મૌલાના મસૂદ અઝહરને ગ્‍લોબલ આતંકી જાહેર કરવામાં અડચણ બનેલી ચીન પર રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. રાહુલ ગાંધીએ પીએમ મોદીને ટાંકીને લગાવેલા આક્ષેપનો ભાજપે જવાબ આપ્‍યો છે. અને નહેરુને યાદી કરી કોંગ્રેસ પર નિશાન તાક્‍યુ છે. કેન્‍દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદે રાહુલ ગાંધી પર આકરો પ્રહાર કરતા કહ્યું કે ચીનની વાત નીકળશે તો બહુ દુર સુધી જશે.

૨૦૦૯માં ચીને પ્રસ્‍તાવ રોક્‍યો હતો. ત્‍યારે રાહુલ ગાંધી ક્‍યાં હતા. કોંગ્રેસના કારણે જ ચીન આજે યુએનસએસસીમાં હોવાનુ પણ રવિશંકર પ્રસાદે કહ્યુ અને રાહુલ ગાંધીના ટ્‍વિટ પર નિશાન તાકતા કહ્યુ કે, દેશ દુઃખી છે. ત્‍યારે રાહુલ ખુશ છે. રાહુલ ગાંધીનું ટ્‍વિટ પાકિસ્‍તાનમાં હિટ જાય છે.

(4:26 pm IST)