Gujarati News

Gujarati News

News of Thursday, 14th March 2019

કરતારપુર કોરીડોર મામલે ભારત - પાક.ની બેઠકનો પ્રારંભ

પરસ્પર સંમતિના ત્રણ મહિના બાદ થઇ રહી છે ચર્ચા : પાસપોર્ટ - વિઝા વગર કરતારપુર જવાનો મુદ્દો થશે રજૂ

નવી દિલ્હી તા. ૧૪ : ભારત અને પાકિસ્તાનના પ્રતિનિધિમંડળો ગુરુવારે કરતારપુર કોરીડોર નિર્માણ માટે બેઠકનો પ્રારંભ થયો છે. આ મુદ્દે વાઘા-અટારી બોર્ડર પર યોજાઇ છે. જયાં ભારતના પ્રતિનિધિઓનો કાફલો પહોંચી ગયો છે. આ કોરીડોર પાકિસ્તાનના શહેર કરતારપુરમાં સ્થિત ગુરુદ્વારા સાહિબને પંજાબના ગુરદાસપુર શહેરથી જોડશે. સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ ભારતીય પ્રતિનિધિમંડળ પાકિસ્તાન સામે ખાલિસ્તાની અલગતાવાદીઓના દુષ્પ્રચારનો મુદ્દો પણ ઉઠાવશે.

વાતચીતમાં ભારત પાકિસ્તાનમાં જતા તીર્થયાત્રાળુઓને કોઈપણ મુશ્કેલી ના પડે તેની વાત રજૂ કરી શકે છે. આ ઉપરાંત યાત્રાળુઓને ખાલિસ્તાની અલગતાવાદીઓના અપપ્રચારથી બચાવવા ઈસ્લામાબાદને જણાવી શકે છે. ગયા વર્ષે પાકિસ્તાનમાં ગુરુદ્વારા તરફ જતા ભારતના પ્રવાસીઓને ખાલિસ્તાન સમર્થક બેનર દર્શાવાયા હોવાના અહેવાલ મળ્યા હતા.

ભારતના પ્રતિનિધિમંડળમાં ગૃહ મંત્રાલય, વિદેશ મંત્રાલય, બીએસએફ, ભારતીય નેશનલ હાઈવે ડેવલપમેન્ટ ઓથોરિટી અને પંજાબ સરકારના પ્રતિનિધિઓનો સમાવેશ થાય છે. બેઠકનું કવરેજ કરવા આવતા પાકિસ્તાની પત્રકારોને વિઝા આપવાનો ઈનકાર કરવા પર સૂત્રોએ જણાવ્યું કે આ કોઈ સાર્વજનિક કાર્યક્રમ નથી માટે કોઈ પ્રચારની જરૂર પણ જણાતી નથી.

ભારત દ્વારા પાકિસ્તાનમાં ઘૂસીને જૈશ-એ-મોહમ્મદના કેમ્પ પર એર સ્ટ્રાઈક કરવા અને ત્યારબાદ પાકિસ્તાનની જવાબી કાર્યવાહીથી બંને દેશ વચ્ચે તનાવ વધી ગયો છે. સૂત્રોએ આપેલા સંકેતો મુજબ ભારત પાકિસ્તાનને અપીલ કરી શકે છે તે ભારતીય તીર્થયાત્રાળુઓને ગુરુદ્વારા સુધી કોઈપણ પાસપોર્ટ અને વિઝા વિના જવાની મંજૂરી આપે. ૨૦૧૮ની નવેમ્બરમાં ભારત અને પાકિસ્તાન કરતારપુરમાં ગુરુદ્વારા દરબાર સાહિબને ભારતના ગુરદાસપુર જિલ્લામાં સ્થિત ડેરા બાબા નાનક ગુરુદ્વારા સાથે જોડવા માટે કોરિડોરના નિર્માણ માટે સહમત થયા હતા.

(4:14 pm IST)