Gujarati News

Gujarati News

News of Thursday, 14th March 2019

રણજી ટ્રોફીમાં સિલેકશનના નામે ક્રિકેટરોને ૮૦ લાખનો ધૂંબોઃ કોચથી માંડીને અધિકારીઓ સામે કેસ

નવી દિલ્હીઃ દિલ્હી પોલિસે રણજી ટ્રોફી ટીમમાં પસંદ કરવાના નામે ક્રિકેટરોને ૮૦ લાખનો ચૂનો લગાડવાના આરોપમાં રાજ્ય ક્રિકેટ બોર્ડના અધિકારીઓ અને કોચ સહિત ૧૧ લોકો સામે કેસ દાખલ કર્યો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના એન્ટી કરપ્શન યુનિટ (એસીયુ)ના આક્ષેપો અનુસાર ખેલાડીઓને એવું કહેવાયું હતું કે તેમને રણજી ટ્રોફી અને બીજી ઘરેલુ ટુર્નામેન્ટો માટે ઉત્તર પૂવી ટીમોમાં પસંદ કરી લેવાશે.

એસીયુના અધિકારી અશુમાન ઉપાધ્યાય દ્વારા ક્રાઇમ બ્રાંચની આંતર રાજ્ય સેલમાં ફરીયાદ દાખલ કરાઇ ત્યારે આ મામલો બહાર આવ્યો હતો. ઉપાધ્યાયે જણાવ્યું કે તેમને કનિષ્કગૌર, કિશનઅત્રી અને શિવપાલ શર્મા નામના ત્રણ ખેલાડીની ફરીયાદો મળી હતી. આ ખેલાડીઓનું કહેવું છે કે તેમને નાગાલેંડ, મણિપુર અને ઝારખંડ ટીમોમાં લેવાનું વચન અપાયું હતું. એક પોલિસ અધિકારીએ એ પણ કહ્યું કે તેમને કાગળો પણ અપાયા હતા જેમાં કહેવાયુ હતુ કે તેઓ આ ટીમો માટે સીલેકટ કરી લેવાયા છે, જોકે પછીથી ખબર પડી કે તે કાગળો બનાવટી હતા.

કનિષ્ક ગૌરે પોતાની ફરિયાદમાં પોલિસને જણાવ્યું કે તેનો સંપર્ક ગયા વર્ષે એક કોચ સાથે કરાવાયો હતો અને તેને અતિથી ખેલાડી તરીકે નાગાલેન્ડની ટીમ માટે રમવાની તજવીજ કરાઇ હતી. ત્યાર પછી તેને નાગાલેન્ડ ક્રિકેટ ટીમના કોચ અને તેના કેટલાક સભ્યો સાથે મળવા બોલાવાયો હતો. તે દરમ્યાન તેને પાંચ મેચ માટે ૧૫ લાખ રૂપિયા આપવાનું કહેવાનુય હતું. તેમણે તેને બનાવટી કાગળો આપ્યા હતા જેમાં કહેવાયુ હતુ કે તે સીલેકટ થઇ ગયો છે. પણ નાગાલેન્ડની અંડર ૧૯ ટીમમાં બે મેચ રમ્યા પછી તેને રમાડવાની ના પાડી દેવાઇ હતી. ત્યાર પછી તેણે તપાસ કરી તો તેને જણાવાયું કે જે દસ્તાવેજ તે લોકોએ આપ્યા હતા તે બનાવટી નિકળ્યા છે.

પોલિસને આપેલી પોતાની ફરિયાદમાં એસીયુ અધિકારી ઉપાધ્યાયે કહ્યું કે ખોટું કામ કરનાર વ્યકિતઓ અને રાજ્ય બોર્ડના સભ્યોનું આ ગેરકાયદેસરનું કામ બહુ સંગઠિત રીતે ચાલી રહ્યું છે, જેનાથી બીસીસીઆઇ, યુવા ક્રિકેટરો અને તેમની મહેનતની કમાણીને બહુ નુકસાન થઇ રહ્યું છે.

(3:40 pm IST)