Gujarati News

Gujarati News

News of Thursday, 14th March 2019

મહારાષ્ટ્રઃ હવે દારૂની બોટલ પર આવશે ચેતવણી

દારૂ આરોગ્ય માટે હાનિકારક, દારૂ પીને વાહન ચલાવશો નહીઃ દારૂ માટે અન્ન અને સુરક્ષા વિશેના માપદંડો નિર્ધારિત કરવામાં આવ્યા, જેનો અમલ થશે પહેલી એપ્રિલથી

મુંબઇ, તા.૧૪: રાજયમાં પહેલી એપ્રિલથી લાગુ પડી રહેલા નવા નિયમો મુજબ દારૂની બાટલી પર ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા નવા માપદંડ નકકી કરવામાં આવ્યા છે અને એને પગલે હવે પહેલી એપ્રિલથી દારૂની બાટી પર આરોગ્યને હાનિકારક હોવાની ચેતવણી લખવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું છે.

રાજયના એકસાઇઝ ડિપાર્ટમેન્ટનાં કમિશ્નર પ્રાજકતા લવંગારેએ આ મુદે માહિતી આપતાં કહ્યું હતુ કે 'પહેલી એપ્રિલથી રાજયમાં આ નિયમોના અમલ માટે એકસાઇઝ ડિપાર્ટમેન્ટ સજજ છે. ૨૦૦૬ના સરકારના નિયમ મુજબ રાજયમાં બધા જ પ્રકારના દારૂ હવે ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડસ ઓથોરિટી હેઠળ આવરી લેવામાં આવ્યા છે. આને પગલે હવે દારૂ અંગેના નિયમો ઘડી કાઢવા અંગે ગઇ કાલે મંત્રાલયમાં એકસાઇઝ ડીપાર્ટમેન્ટ અને અન્ન અને ઔષધ એડમિનિસ્ટ્રેશનના જોઇન્ટ કમિશ્નર સી.બી.પવાર સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને એમાં એવો નિર્ણય લેવાયો હતો કે દારૂની બાટલીની બહારની તરફ એમાં રહેલા ઘટકો, તેનું પ્રમાણ, એલર્જી અંગેની વિગતો અને જાહેર ચેતવણી લખવાનું ફરજીયાત બનાવવામાં આવ્યું છે. દારૂનું સેવન આરોગ્ય માટે હાનિકારક છે અને દારૂનું સેવન કરીને વાહન ચલાવવું નહીં એવી ચેતવણી પહેલી એપ્રિલથી દરેક બાટલી પર લખવાનું ફરજીયાત બનાવવામાં આવ્યું છે.'

અત્યાર સુધી દારૂના ઉત્પાદકો બ્રિટિશ સ્ટાન્ડર્ડસ ઓથોરિટીના માપદંડ પ્રમાણે પ્રમાણિત હોવાનું લેબલ લગાવતા હતા એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે 'હવે આવું કરવું ગેરકાયદે માનવામાં આવશે. દારૂના દરેક ઉત્પાદકે મહારાષ્ટ્ર સરકારના ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડસ ઓથોરિટી પાસેથી પોતાનાં ઉત્પાદનોની માન્યતા લેવાનું ફરજીયાત છે. આ માટે બધા જ ઉત્પાદકો અને વિક્રેતાઓ સાથે બેઠકો કરીને તેમને નિર્ણયથી વાકેફ કરવામાં આવ્યા છે અને પહેલી એપ્રિલથી આ નિયમો લાગુ થઇ જશે.'

(11:30 am IST)