Gujarati News

Gujarati News

News of Thursday, 14th March 2019

મોદીજી જિનપિંગથી ડરી રહ્યા છે, ચૂપ કેમ ?

મસુદ મુદ્દે ચીનની અવળચંડાઇથી રાહુલે પીએમ મોદી પર ટ્‍વિટ કરીને સાધ્‍યું નિશાન : મોદીની ચીનની નીતિ વિશે પણ કર્યો કટાક્ષ : ગુજરાતમાં જિનપિંગ સાથે હિંચકે ઝુલે છે મોદીજી

નવી દિલ્‍હી તા. ૧૭ : ચીન તરફથી સંયુક્‍ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (યૂએનએસસી)માં મસૂદ અઝહરને ગ્‍લોબલ આતંકી જાહેર કરવાના પ્રસ્‍તાવ પર વીટો કર્યા બાદ ભારતમાં રાજકારણ ગરમાઈ રહ્યું છે. કોંગ્રેસ અધ્‍યક્ષ રાહુલ ગાંધીએ મોદી સરકાર પર નિશાન સાધ્‍યું છે. રાહુલ ગાંધીએ ટ્‍વિટ કરીને લખ્‍યું કે, વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગથી ડરે છે. જયારે પણ ચીન ભારતની વિરૂદ્ધ કોઈ એક્‍શન લે છે તો વડાપ્રધાન કંઈ પણ નથી બોલતા.

રાહુલ ગાંધીએ ટ્‍વિટમાં પીએમ મોદીની ચીનની નીતિ વિશે પણ કટાક્ષ કર્યો અને તેને ત્રણ પોઇન્‍ટમાં સમજાવી. રાહુલે લખ્‍યું કે પીએમ ગુજરાતમાં શી જિનપિંગ સાથે હિંચકે ઝૂલે છે. દિલ્‍હીમાં જિનપિંગને ભેટે છે અને ચીનમાં તેમની સામે ઝૂકી જાય છે.

ᅠમસૂદ અઝહરને ગ્‍લોબલ આતંકી જાહેર કરવાના પ્રયાસમાં ચીન તરફથી પ્રસ્‍તાવના વિરોધ બાદ કોંગ્રેસે કહ્યું કે વડાપ્રધાન મોદીની વિદેશ નીતિ ‘ડિપ્‍લોમેટીક ડિઝાસ્‍ટર'નો સિલસિલો છે.કોંગ્રેસે મોદી સરકાર ઉપરાંત સંયુક્‍ત રાષ્ટ્રમાં આ કવાયતમાં રોડાં નાખવાને લઈને ચીન અને પાકિસ્‍તાનની ટીકા કરી. કોંગ્રેસના મુખ્‍ય પ્રવક્‍તા રણદીપ સુરજેવાલાએ ટ્‍વિટ કરતાં કહ્યું કે, આતંકવાદની વિરુદ્ધ વેશ્વિક લડાઈમાં આ એક દુખદ દિવસ છે. તેઓએ આજે ફરી આતંકવાદની વિરુદ્ધ લડાઈને ચીન-પાક ગઠબંધને આઘાત પહોંચાડ્‍યો છે.સુરજેવાલએ પોતાના ટ્‍વિટમાં લખ્‍યું કે, ૫૬ ઇંચની ‘હગ ડિપ્‍લોમસી' (ભેટવાની કૂટનીતિ) અને હિંચકે ઝૂલવાના ખેલ બાદ પણ ચીન-પાકિસ્‍તાનની જોડી ભારતને ‘લાલ આંખ' બતાવી રહી છે. ફરી એકવાર નિષ્‍ફળ મોદી સરકારની નિષ્‍ફળ વિદેશ નીતિ છતી થઈ.

ᅠઉલ્લેખનીય છે કે, મસૂદ અઝહરને ગ્‍લોબલ આતંકી જાહેર કરવાના પ્રયાસમાં ચીન ફરી એકવાર રોડાં નાખ્‍યા અને તેણે વીટો લગાવી દીધો જેના કારણે આ પ્રસ્‍તાવ રદ થઈ ગયો. ચીને ચોથીવાર આ પ્રસ્‍તાવ પર વીટો લગાવ્‍યો છે. પ્રસ્‍તાવ નકાર્યા બાદ ભારતના વિદેશ મંત્રાલયે કહ્યું કે ચીનના આ વલણથી ખૂબ જ નિરાશા થઈ. આતંકવાદીઓ વિરૂદ્ધ અમારા પ્રયાસો ચાલુ રહેશે.

(4:46 pm IST)