Gujarati News

Gujarati News

News of Thursday, 14th March 2019

હોટલમાં વાસણ ધોવા માટે મજબુર બનનાર વ્‍યક્તિની ગણના આજે પાકિસ્‍તાનના સૌથી અમીર વ્‍યક્તિ તરીકે થાય છે

નવી દિલ્હી: આમ તો 7 અરબ ડોલરની સંપત્તિ સાથે શાહિદ ખાન (Shahid Khan) પાકિસ્તાનના સૌથી અમીર વ્યક્તિ છે, પરંતુ તે ભારતના ટોપ ધનવાન મુકેશ અંબાણી (48 અરબ ડોલર) સામે ક્યાંય ન ટકી શકે. જોકે શાહિદ ખાન માટે અહીં સુધી પહોંચવું ખૂબ મુશ્કેલીભર્યું રહ્યું. મૂળ પાકિસ્તાનના ખાન એક સમયે હોટલમાં વાસણ ધોવા માટે મજબૂર બન્યા હતા, પરંતુ આજે તેમનું નામ દુનિયાના ટોપ મોટા વ્યક્તિઓમાં લેવામાં આવે છે. જોકે તેમણે પાકિસ્તાનમાં રહીને આ મુકામ પ્રાપ્ત કર્યું નથી.

લાહોરમાં પેદા થયા શાહિદ ખાન

શાહિદ ખાનનો જન્મ પાકિસ્તાનના લાહોરમાં થયો હતો. તેમનો પરિવાર કંસ્ટ્રકશન ઇંડસ્ટ્રી સાથે જોડાયેલો હતો. શાહિદની માતા પાકિસ્તાનમાં મેથ્સની પ્રોફેસર હતી. શાહિદ ખાન પાસે આજે અમેરિકાનું નાગરિકત્વ છે. ફોર્બ્સના અનુસાર હાલના સમયે શાહિદ ખાન 7 અરબ ડોલર (50 હજાર કરોડ રૂપિયા)ની સંપત્તિના માલિક છે.

16 વર્ષની ઉંમરમાં છોડ્યું પાકિસ્તાન

શાહિદ ખાને વર્ષ 1967માં 16 વર્ષની ઉંમરમાં પાકિસ્તાન છોડ્યું હતું. તેમણે 1971 માં UIUC કોલેજ ઓફ એન્જીનિયરિંગથી બીએસએસીનો અભ્યાસ પુરો કર્યો હતો. શાહિદ ખાનને 1991માં અમેરિકાનું નાગરિકત્વ મળ્યું હતું.

વાસણ ધોવા માટે બન્યા હતા મજબૂર

ફોર્બ્સના અનુસાર જ્યારે શાહિદ પાકિસ્તાનથી અમેરિકા આવ્યા ત્યારે તેમની પાસે ફક્ત 500 ડોલર એટલે કે લગભગ 33 હજાર રૂપિયા હતા. તેમણે યૂનિવર્સિટી ઓફ ઇલિનોઇસમાં અંડરગ્રેજ્યુએટ માટે એડમિશન લીધું. અભ્યાસનો ખર્ચ વધુ હોવાથી તે શાહિદ ખાને પૈસા કમાવવાનું વિચાર્યું. તે દિવસોમાં અભ્યાસ કરતા હતા તો રાત્રે હોટલમાં વાસણ ધોવાનું કામ કરતા હતા. તેના માટે હોટલ માલિક પાસેથી 1.2 ડોલર પ્રતિ કલાક મળતા હતા.

ઓટો પાર્ટ્સના છે મોટા બિઝનેસમેન

શાહિદ ખાનને આજે દુનિયામાં ઓટો પાર્ટ્સના સૌથી મોટા બિઝનેસમેન તરીકે ઓળખવામાં આવે છે. શાહિદ ખાનને તેમના ટ્રક બંપરની એક શાનદાર ડિઝાઇને મોટી ઓળખ અપાવી, ત્યારબાદ સફળતા પ્રાપ્ત કરતા ગયા. તેમની અંગત સ્વામિત્વવાળી કંપની ફ્લેક્સ-એન-ગેટનું વાર્ષિક વેચાણ લગભગ 5 અરબ ડોલર એટલે કે લગભગ 33 હજાર કરોડ રૂપિયા છે.

ફૂટબોલ ટીમના માલિક છે શાહિદ

શાહિદ ખાનની કંપનીના અમેરિકા ઉપરાંત બ્રાજીલ, મેક્સિકો, ચીન અને સ્પેન સહિત ઘણા દેશોમાં 62 પ્લાન્ટ છે. તેમના કર્મચારીઓની સંખ્યા લગભગ 13 હજાર છે. આ ઉપરાંત શાહિદ ખાન અમેરિકાની નેશનલ ફૂટબોલ લીગ (એનએફએલ)ની એક ટીમના પણ માલિક છે, જે તેમણે 2012માં ખરીદી હતી. શાહિદ ખાન 300 ફૂટના એક સુપરયાટના માલિક પણ છે, જેને બનવવામાં લગભગ 6 વર્ષ લાગ્યા હતા.

(12:00 am IST)