Gujarati News

Gujarati News

News of Friday, 11th January 2019

૧લીથી ગ્રાહક જે ચેનલ જોવા માંગતો હશે તેણે માત્ર તેના જ પૈસા ભરવાના રહેશે

બેઝીક પેકની કિંમત રૂ ૧૩૦ GST થતાં થશે રૂ ૧૫૩ : ૧૦૦ ફ્રી ટુ એર ચેનલો જોવા મળશે

નવી દિલ્હી તા. ૧૧ :  ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (ટ્રાઈ) દ્વારા ટીવી પર પ્રસારિત થતી ચેનલોને લઈને તૈયાર કરાયેલા નવો નિયમ ૧ ફેબ્રુઆરી ૨૦૧૯થી અમલ થશે. આ નિયમો હેઠળ ડીટીએચ અને કેબલ ઓપરેટરો નવા પ્લાન લોન્ચ કરશે. જેમાં ગ્રાહકોને સીધો ફાયદો થશે. ટીવી ચેનલો જોવા માટેના નવા નિયમો હેઠળ પહેલાની સરખામણીમાં મોટા વેલિડિટી પેકની જગ્યાએ ઓછી વિલિડિટી ધરાવતા પેક પણ રિચાર્જ કરાવી શકાશે. જેથી ટીવીના ચેનલ પેક સબસ્ક્રાઈબ કરનાર ગ્રાહકોને બચત થશે.

૧લી ફેબ્રુઆરીથી નવા પેક નવા દર પ્રમાણે ચેનલો ગ્રાહકોને આપવી પડશે. નવા નિયમ હેઠળ ગ્રાહક જે ચેનલને જોવા ઈચ્છશે માત્ર તેમના જ નાણાં ચૂકવવાના રહેશે. નવા પ્લાન હેઠળ ગ્રાહકોને બેઝિક પેક લેવાનું રહેશે. જેની કિંમત ૧૩૦ રૂપિયા પ્રતિ મહિના નક્કી કરવામાં આવી છે, જેના પર જીએસટી અલગથી લાગશે. તે હિસાબે બેઝિક પેકની કિંમત ૧૫૩ રૂપિયા થઈ જશે. બેઝિક પેકમાં ૧૦૦ ફ્રી ટૂ એર ચેનલો જોવા મળશે. આ ઉપરાંત ગ્રાહકો કોઈ ખાસ ચેનલની ભરપાઈ સાથે કંપની દ્વારા રજૂ કરવામાં આવનારા મોટા પેક પણ સબસ્ક્રાઈબ કરી શકશે.

૧૦૦ ફ્રી ટૂ એર ચેનલો ઉપર જો કોઈ ૨૫ ચેનલોને પસંદ કરે છે તો, તેમણે નેટવર્ક કેપેસિટી ફી તરીકે ૨૦ રૂપિયા ભાડું અલગથી આપવાનું રહેશે. આ ઉપરાંત જો કોઈ ૧૫થી ઓછી ચેનલો પસંદ કરે છે તો, તેમણે પ્રત્યેક ચેનલ દિઠ ૧ રૂપિયા ભાડૂં ચૂકવવું પડશે. ઉદાહરણ તરીકે જોઈએ તો, જો કોઈ ગ્રાહક ૧૧૪ ચેનલો સિલેકટ કરે છે તો, તેમણે ૧૫૩ રૂપિયાની સાથે ૧૪ રૂપિયા પ્રતિ મહિને વધારાનું ભાડૂં આપવું પડશે. નવા ટેરિફ મુજબ, દર્શકોને હવે થી કોઈ પણ ચેનલ માટે વધુમાં વધુ ૧૯ રૂપિયા આપવા પડશે.

તમામ ડીટીએચ સર્વિસ પ્રોવાઈડર અને કેબલ ઓપરેટર્સને આદેશ આપ્યો છે કે, તે ગ્રાહકોને વેબસાઈટ મારફતે ચેનલની પસંદગી અને ઓનલાઈન પેમેન્ટ કરવાની સુવિધા પૂરી પાડે. ચેનલોનું લિસ્ટ અને કિંમત વેબસાઈટ પર આપવું પડશે. આ ઉપરાંત ગ્રાહકો કંપનીના કોલ સેન્ટર પરથી ચેનલોની પસંદગી અને સબસ્ક્રીપ્શન કરી શકે છે.(૨૧.૬)

 

(10:36 am IST)