Gujarati News

Gujarati News

News of Friday, 7th December 2018

ઇન્કમ ટેક્ષ રીફંડ માટે કરદાતાઓએ બહુ રાહ જોવી પડશે

નાણાકીય ઘટને નિયંત્રણમાં રાખવા સરકારે ૧ લાખ કરોડથી વધારેના રીફંડો રોકયા

નવી દિલ્હી તા.૭: આવકવેરા કરદાતાઓએ પોતાના રીફંડ માટે લાંબી રાહ જોવી પડશે. તેમને પોતાના રીફંડ આવતા નાણાકીય વર્ષના આરંભમાં એટલે કે એપ્રિલ મહિનામાં મળે તેવું પણ બની શકે છે. સુત્રો અનુસાર, નાણાકીય ખાદ્યને નિયંત્રણમાં રાખવા માટે સરકારે લગભગ ૧ લાખ કરોડથી વધારેના રીફંડને રોકવાની યોજના બનાવી છે. સરકાર ચાલુ નાણાકીય વર્ષ દરમ્યાન નાણાકીય ખાદ્યને જીડીપીના પરિપ્રેક્ષ્યમાં ૩.૩ ટકા સુધી રાખવા માગે છે. એના માટે જરૂરી છે કે આવક અને ખર્ચ વચ્ચેનું અંતર નક્કી કરેલી મર્યાદામાં રહે અને વધારે પડતું ન વધે.

સુત્રો અનુસાર, આવું કરવાથી હવે એ લોકોને ઇન્કમ ટેક્ષ રીફંડ હમણાં નહીં મળે જેમનું રીફંડ પેન્ડિંગ છે. તેમના રીફંડની ચુકવણી આવતા એપ્રિલમાં કરાશે. સુત્રોનું કહેવું છે કે જીએસટીનું કલેકશન ધારણા મુજબ ન થતા સરકારે આ પગલું લેવું પડયું છે. સરકારને આશા અને કોશિષ હતી કે જીએસટીનું કલેકશન દર મહિને ૧ લાખ કરોડથી વધારે આવશે પણ એવું નથી થઇ રહયું. જીએસટી અમલી બન્યા પછી ફકત એક મહિનો જ જીએસટીનુ કલેકશન ૧ લાખ કરોડ રૂપિયાથી વધારે થયું હતું બાકીના મહિનાઓમાં તે ૧ લાખ કરોડથી ઓછું રહયું.(૧.૨)

(11:52 am IST)