Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

પેપર લીક કાંડની સાથે સાથે

ધરપકડનો દોર યથાવતરીતે જારી રહ્યો

અમદાવાદ, તા.૬ :     ગુજરાત પોલીસમાં લોકરક્ષક દળની ભરતી માટેની પરીક્ષાનું પેપર લીક કૌભાંડમાં પોલીસે આજે યશપાલસિંહ સોલંકી ઉર્ફે ઠાકોર સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરતાં જબરદસ્ત સનસનાટી મચી ગઇ છે. પોલીસે આજે મહત્વના ત્રણ આરોપીઓ યશપાલસિંહ ઉપરાંત ઇન્દ્રવદન પરમાર અને રાજેન્દ્ર વાઘેલાની પણ ધરપકડ કરી લીધી હતી.

યશપાલસિંહે આત્મહત્યાનો વિચાર પણ કર્યો હતો

   પોલીસ તપાસમાં યશપાલસિંહની પૂછપરછમાં એવી વિગત પણ સામે આવી હતી કે, યશપાલસિંહે એક તબક્કે આત્મહત્યા કરવાનો વિચાર પણ કર્યો હતો. તેણે ગોધરાની એક કેનાલમાં પડવાનો અને ટ્રક નીચે પડતું મૂકવાનો વિચાર પણ કર્યો હતો. પરંતુ તેને ઇન્દ્રવદને આટલા પૈસા આપ્યા હોઇ અને આટલો બધો વિશ્વાસ મૂકયો હોઇ તે બચાવી લેશે તેવી આશાએ તેને મળવાનો પ્રયાસ કર્યો હતો.

સમગ્ર પ્રકરણમાં નીલેશ અને ઇન્દ્રવદન માસ્ટરમાઇન્ડ

   યશપાલસિંહની પૂછપરછ અને અત્યારસુધીની તપાસમાં પેપર લીક કૌભાંડમાં નીલેશ નામનો શખ્સ અને ઇન્દ્રવદન પરમાર તેમ જ તેમની સાથે જોડાયેલા અન્ય સાગરિતો માસ્ટર માઇન્ડની ભૂમિકામાં ઉપસી આવે છે. કારણ કે, તેઓનો ઇરાદો પેપર લીક મારફતે બહુ બધા રૂપિયા કમાવાનો હતો અને તે માટે તેઓએ યશપાલસિંહ અને મનહર પટેલનો પ્યાંદા તરીકે ઉપયોગ કર્યો હતો. નીલેશનું આખું નામ અને પૂરી ઓળખ પોલીસે આજે પણ છતી કરી ન હતી કારણ કે, પોલીસ તેની વિરૂદ્ધ નક્કર પુરાવા એકત્ર કરી તેને ધરપકડ કરવા માંગે છે.

દિલ્હીના શખ્સો બાઉન્સર જેવા વેલટ્રેઇન્ડ હતા

   યશપાલસિંહની પૂછપરછમાં એવો ચોંકાવનારો ખુલાસો થયો કે, ગુજરાતથી ૨૫થી ૩૦ છોકરાઓને દિલ્હી લઇ જવાયા ત્યારે તેઓની સાથે બાઉન્સર જેવા વેલટ્રેઇન્ડ શખ્સો રાખવામાં આવ્યા હતા. તેઓને ગુડગાંવથી દિલ્હીમાં જુદા જુદા રસ્તાઓ પર દોઢથી બે કલાક ફેરવવામાં આવ્યા હતા, કે જેથી તેઓને રસ્તા કે લોકેશનની ખબર ના પડી શકે. બાદમાં તેઓને જુદી જુદી જગ્યાએ પાંચ-પાંચના ગ્રુપમાં લઇ જવાયા અને ત્યાં તેઓને પ્રશ્નપત્ર આપી આન્સરશીટ બતાવવામાં આવી હતી પરંતુ ગુજરાતના આ પરીક્ષાર્થીઓ તેમાંથી કંઇ લખી ના શકે કે, કશું ચોરી ના શકે તેવી ખાસ વોચ રાખવામાં આવી હતી. તમામ ઉમેદવારોને દિલ્હીમાં એક ગેરેજ, અવાવરૃં મકાન અને પતરાવાળી સૂમસામ જગ્યા સહિતના સ્થાનો પર લઇ જવાયા હતા અને ત્યાં કડક વોચ વચ્ચે પેપર અને આન્સરશીટ બતાવવામાં  આવ્યા હતા.

યશપાલ વેફરના પેકેટમાં આન્સરશીટ લાવવામાં સફળ રહ્યો

   દિલ્હીની ગેંગના સભ્યો ગુજરાતના ઉમેદવારોને પાંચ-પાંચના ગ્રુપમાં જુદા જુદા સ્થળોએ પેપર અને આન્સરશીટ જોવા માટે આપ્યા ત્યારે સ્પષ્ટ સૂચના હતી કે, તેમણે તેના જવાબો માત્ર યાદ કરી લેવા. લખવાની કે તેમાંથી કોપી કરવાની મનાઇ હતી. આ માટે બાઉન્સર જેવા શખ્સોની ખાસ વોચ રાખી હતી. ઉમેદવારો પાસે તેમના પરીક્ષાના આઇકાર્ડ કે પુરાવા સિવાય બીજું કોઇ જ કાગળ કે ચીજવસ્તુ રાખવા દેવાયા ન હતા. જો કે, બીજા ઉમેદવારો વચ્ચે પેપર-આન્સરશીટ જોવાની પ્રક્રિયા ચાલી રહી હતી ત્યારે યશપાલસિંહે તેની પાસેના વેફરના પેકેટમાં આન્સરશીટનો એક હિસ્સો ફાડી તે કાગળમાં જવાબો કોપી કરી વેફરના પેકેટમાં મૂકી દીધા હતા. બાદમાં જયારે બાઉન્સરોએ બધાનું ચેકીંગ કર્યું ત્યારે તેની પાસે વેફરના પેકેટ સિવાય કંઇ ન હતું તેથી તેઓને શક ના ગયો અને આમ, યશપાલસિંહ ત્યાંથી આખી આન્સરશીટ અહીં લાવવામાં સફળ રહ્યો હતો. તેણ અહીં આવીને રસ્તામાં ઇન્દ્રવદનને આ આન્સરશીટ આપી, ઇન્દ્રવદને તેના સગાઓને પણ આન્સરશીટની આ કોપી લીક કરી હતી. ત્યારબાદ મનહરપટેલ અને જયેશ મારફતે આન્સરશીટના જવાબો રૂપલ શર્મા સહિતના લોકોને પહોંચતા કરાયા હતા.

પોલીસે દિલ્હી ગેંગના બે આરોપી અને વાહનો આઇન્ડેન્ટીફાય કર્યા

   પોલીસે સમગ્ર કૌભાંડમાં દિલ્હી ગેંગના બે આરોપીઓ અને ગુજરાતના પરીક્ષાર્થી ઉમેદવારોને ગુડગાંવથી જે વાહનોમાં દિલ્હી લઇ જવાયા હતા તે વાહનોને આખરે આઇન્ડેન્ટીફાય કરી નાંખ્યા છે. જો કે, પોલીસ હજુ થોડા વધુ નક્કર પુરાવા એકેત્ર કરી રહી છે અને દિલ્હી ગેંગના અન્ય આરોપીઓ સુધી પહોંચવાના સઘન પ્રયાસો કરી રહી છે. પોલીસે દાવો કર્યો હતો કે, ટૂંક સમયમાં જ તે દિલ્હીની ગેંગના પેપર લીકના કાવતરાનો પર્દાફાશ કરી નાંખશે.

દિલ્હીની ગેંગ પેપર લીક કરવામાં બહુ માસ્ટર

   પોલીસે એ વાત પણ સ્વીકારી હતી કે, પેપર લીક કૌભાંડની મુખ્ય કાવતરાખોર દિલ્હીની ગેંગ એ બહુ માસ્ટર, ચાલાક અને શાતીર છે, જે ઘણા વર્ષોથી પેપર લીક કરતી હોય અને અન્ય રાજયોના પેપર લીક કરવાના કૌભાંડમાં સંડોવાયેલી હોઇ તેવી શકયતા નકારી શકાય તેમ નથી. દિલ્હીની ગેંગ એટલી બધી શાતીર અને હોશિયાર છે કે, પેપર લીક સુધીની ચેઇનમાં કયાંય ચૂક કે ક્ષતિ ના રહી જાય અને આખી મોડેસઓપરેન્ડીમાં કોઇ ટ્રેસ કરે તો પણ તેમની ભાળ ના મળે તેવી ફુલપ્રુફ સીસ્ટમ ગોઠવી હતી જો કે, યશપાલસિંહ આન્સરશીટ લાવવામાં સફળ થતાં દિલ્હી ગેંગની ફુલપ્રુફ સીસ્ટમમાં સેંધ વાગી હતી અને પોલીસ ગેંગ સુધી પહોંચવામાં સફળ રહી હતી. હવે પોલીસ આગામી દિવસોમાં દિલ્હીની ગેંગના સભ્યોન

ઉઠાવશે તેવો સ્પષ્ટ સંકેત પણ પોલીસે આજે આપ્યો હતો.

દિલ્હી, રાજસ્થાન, મહારાષ્ટ્ર સહિતના રાજયોમાં તપાસ

   લોકરક્ષક પેપર લીક કૌભાંડની તપાસ અને દિલ્હી સ્થિત ગેંગની ભાળ અને કડીઓ મેળવવા ગુજરાત પોલીસની એટીએસ, ક્રાઇમબ્રાંચ અને ગાંધીનગર પોલીસની જુદી જુદી ટીમો આરોપી અજય પરમાર, પ્રીતેશ પટેલ સહિતના આરોપીઓને લઇ દિલ્હી સહિતના રાજયોમાં રવાના થઇ છે. પોલીસ દ્વારા ગુજરાત બહાર દિલ્હી, રાજસ્થાન, ગુડગાંવ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ સહિતના રાજયોમાં તપાસનો દોર આગળ ધપાવાયો છે. અન્ય રાજયોમાં આરોપીઓને સાથે રાખી દિલ્હી સ્થિત ગેંગ અને તેમની સંકળાયેલા લોકોની ચેઇનની લીંક પ્રસ્થાપિત કરવા પોલીસ પ્રયાસ કરશે અને નક્કર પુરાવા બાદ તેનો પર્દાફાશ કરશે. પોલીસ આ આરોપીઓ મારફતે દિલ્હી સુધીના રૂટમાં રોકાણ કર્યું તે હોટલો, કાર-વાહનો, પેપર-આન્સરશીટ બતાવાયા તે સ્થળો અને ગુનેગારોના લોકેશન સહિતના મુદ્દે ઝીણવટભરી તપાસ હાથ ધરશે.

પોલીસ પ્રિન્ટીંગ એજન્સીની લીંક પણ તપાસી રહી છે

   પોલીસ પેપર લીક કૌભાંડમાં હવે દક્ષિણ ભારતના જે પ્રિન્ટીંગ પ્રેસમાંથી પેપર લીક થયું હોવાની વાત સામે આવી રહી છે તેને જોતાં પોલીસે જે પ્રિન્ટીંગ એજન્સીને કામ અપાયું હતું અને તેના મારફતે દિલ્હીની ગેંગ સુધી આ પેપર પહોંચ્યું તે આખી ચેઇનની લીંકની તપાસ વેગવંતી બનાવી છે. કારણ કે, લોકરક્ષક દળની પરીક્ષાનું પેપર પ્રિન્ટીંગ એજન્સી મારફતે દિલ્હીની ગેંગને પહોંચાડાયું અને ત્યાંથી ગુજરાતના ઉમેદવારોનો સંપર્ક કરી પેપર લીક કરાયું. આમ સમગ્ર કડી જોડવી ખૂબ મહત્વની હોઇ પોલીસે પ્રિન્ટીંગ એજન્સી, પ્રિન્ટીંગ પ્રેસ અને તેના માણસો સુધી તપાસનો દોર લંબાવ્યો છે અને આ તમામ લોકોની પૂછપરછ અને તપાસ કરી સમગ્ર કૌભાંડની મહત્વની કડીઓ જોડવામાં આવશે.

 

(8:16 pm IST)