Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

આનંદીબેન પટેલની હાજરીમાં વિરાટ મહિલા સંમેલનનો પ્રારંભ

વજુભાઈની ઉપસ્થિતિમાં સાંસ્કૃતિક કાર્યક્રમ : ડો.કથીરીયા દ્વારા ૧૨૬મી વખત રકતદાન : વિડીયો શો નૃત્ય

રાજકોટ, તા. ૬ : વિશ્વ વંદનીય સંતવિભૂતિ પરમ પૂજય પ્રમુખસ્વામી મહારાજનો ૯૮મો જન્મજયંતી મહોત્સવનો માધાપર-મોરબી બાયપાસ રોડ, રાજકોટ ખાતે વિશાળ સ્વામિનારાયણ નગરમાં ભવ્યતા અને દિવ્યતા સાથે પ્રારંભ થયો છે.

મહોત્સવના પ્રથમ દિનના સાંસ્કૃતિક કાર્યક્રમને શોભવવા માટે કર્ણાટક રાજયના રાજયપાલ શ્રીવજુભાઈ વાળા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સ્વામિનારાયણ નગરના આકર્ષણ સમો 'મંદિર'થીમ પર આધારિત લાઈટ એન્ડ સાઉન્ડ શો નિહાળી અભિભૂત થયા હતા. સાંસ્કૃતિક કાર્યક્રમમાં રાજકોટ લોકસભાના સાંસદ શ્રીમોહનભાઈ કુંડારિયા, રાજયના શિક્ષણમંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન શ્રીધનસુખભાઈ ભંડેરી, રાજકોટ શહેર ભાજપના પ્રમુખ શ્રીકમલેશભાઈ મીરાણી પણ ઉપસ્થિત રહ્યા હતા.

તદુપરાંત રાજકોટ શહેરના પ્રતિષ્ઠિત મહાનુભાવો એવા મારવાડી ગ્રુપના ચેરમેન શ્રીકેતનભાઈ મારવાડી, શિક્ષણવિદ્ અને ગેલેકસી ગ્રુપના ચેરમેન શ્રીકિરણભાઈ પટેલ, રાજકોટના પ્રખ્યાત સરગમ કલબના ચેરમેન શ્રીગુણવંતભાઈ ડેલાવાળા તથા ઉદ્યોગપતિ શ્રીજયંતીભાઈ ચાંદ્રાએ ઉપસ્થિત રહીને સાંસ્કૃતિક કાર્યક્રમોનો લાભ માણ્યો હતો.આ મહોત્સવ નિમિતે રાજકોટના અગ્રણી ડો. વલ્લભભાઇ કથીરિયાએ સ્વામિનારાયણ નગરમાં આયોજિત બ્લડ ડોનેશન કેમ્પમાં ૧૨૬મી વખત રકતદાન કર્યું હતું.

બી.એ.પી.એસ. સંસ્થાના વિદ્વાન વકતા પૂજય આદર્શજીવન સ્વામીએ આ અવસરે પ્રસંગોચિત વકતવ્યનો લાભ આપ્યો હતો. પદ્મશ્રી અને લોકસાહિત્યના કલાકાર શ્રીભીખુદાનભાઈ  ગઢવીએ પોતાની રસાળ શૈલીમાં લોકસાહિત્યની રમઝટ બોલાવી હતી.

સાંસ્કૃતિક કાર્યક્રમના અંતિમચરણમાં પ. પૂ. મહંતસ્વામી મહારાજે આશીર્વાદ વરસાવી ભકતો-ભાવિકોને કૃતાર્થ કર્યા હતા.

પ્રમુખસ્વામી મહારાજના ૯૮મા  જન્મોત્સવ અંતર્ગત આજે આ લખાય છે ત્યારે પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલની ઉપસ્થિતિમાં મહાસંમેલનનો પ્રારંભ થયો છે. સાંજના વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા છે.

પ્રમુખસ્વામી મહારાજના આ ૯૮મા જન્મોત્સવની તૈયારીઓમાં એક મોટો ફાળો મહિલાઓની સેવાનો છે. આ જન્મોત્સવ ઉપક્રમે દ્રિતીય દિને આયોજીત થયેલ મહિલા સંમેલનના કાર્યક્રમો ખુબ જ રસપ્રદ રહેશે. જેમાં પ્રમુખસ્વામી મહારાજે વરસાવેલી કરુણાના મધ્યવર્તી વિચાર હેઠળ પ્રેરણાત્મક વિડિયો શો , રસપ્રદ વકતવ્ય, હૃદય સ્પર્શી સંવાદો અને ભકિત સભર નૃત્યની રજૂઆત થશે .

આ વિરાટ મહિલા સમેલનમાં ભાગ લેનાર કુલ ૫૫૦ જેટલા મહિલાઓ, યુવતીઓ અને બાલિકાઓ દ્વારા મહિલા દિનની ઉજવણી અંતર્ગત ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને મધ્યપ્રદેશ ના ગવર્નર શ્રી આનંદીબેન પટેલ મુખ્ય મહેમાન તરીકે તેમજ રાજયના અનેક મહિલા અગ્રણીઓ પણ હાજર રહેશે. આનંદીબેન રાજયપાલ બન્યા બાદ પ્રથમ વખત રાજકોટ આવી રહ્યા છે

(3:37 pm IST)