Gujarati News

Gujarati News

News of Thursday, 8th November 2018

અનિલ અંબાણીની કંપનીના બેંક ખાતામાં માત્ર ૧૯ કરોડ

તમામ ૧૪૪ બેંક ખાતામાં નજીવી રકમ રહી છે : એક પછી એક કારોબાર બંધ કરવાની ફરજ પડી રહી છે

કોલકાતા, તા. ૭ : રિલાયન્સ ટેલિકોમ  અને તેની યુનિટ રિલાયન્સ કોમ્યુનિકેશન લિમિટેડના તમામ ૧૪૪ બેંક ખાતામાં મળીને કુલ ૧૯.૩૪ કરોડ રૂપિયા બચ્યા છે. અમેરિકન ટાવર કોર્પ તરફથી દાખલ કરવામાં આવેલા કેસના સંદર્ભમાં દિલ્હી હાઈકોર્ટને અપાયેલી એફિડેવિટમાં બંને કંપનીઓએ આ મુજબની વાત કરી છે. બોસ્ટનની કંપની અમેરિકન ટાવર કોર્પે આર કોમ ઉપર આશરે ૨૩૦ કરોડ રૂપિયા બાકી હોવાનો દાવો કર્યો છે.  ૪૬૦૦૦ કરોડ રૂપિયાના દેવા હેઠળ ડુબેલી અનિલ અંબાણીની આ કંપનીએ ગયા વર્ષે પોતાના વાયરલેસ કારોબારને બંધ કરી દીધો હતો. કારણ કે, રેવન્યુમાં સતત ઘટાડો થઇ રહ્યો હતો જ્યારે નુકસાનમાં વધારો થઇ રહ્યો હતો. આરા કામને આ વર્ષે મુશ્કેલીનો સામનો કર્યો છે. અનેક મુશ્કેલીઓમાંથી બહાર નિકળી છે. કાયદાકીય સકંજો પણ જમાવવામાં આવ્યો છે. આર કોમને કેટલીક નોટિસો પણ મળી છે. આ કંપનીએ દિલ્હી હાઈકોર્ટને કહ્યું છે કે, ૧૧૯ બેંક ખાતામાં તેના ૧૭.૮૬ કરોડ રૂપિયા છે જ્યારે તેની ગૌણ કંપની આરટીએલે કહ્યું છે કે, તેના ૨૫ બેંક ખાતામાં ૧.૪૮ કરોડ રૂપિયા જમા છે. બંને કંપનીઓએ ઓક્ટોબર મહિનામાં પોતપોતાની એફિડેવિટ રજૂ કરીને બેંક સ્ટેટમેન્ટ રજૂ કરવા માટે કોર્ટ પાસેથી મહેતલ માંગી હતી. આ સમગ્ર મામલામાં વધુ સુનાવણી ૧૩મી ડિસેમ્બરના દિવસે હાથ ધરવામાં આવશે. મામલા સાથે જોડાયેલા લોકોનું કહેવું છે કે, ટાવર કંપનીએ આર કોમ અને આરટીએલ ઉપર એક્ઝિટ ફી અને સર્વિસ ચાર્જ તરીકે ૨૩૦ કરોડ રૂપિયાનો દાવો કર્યો છે. તેના કહેવા મુજબ આર કોમે ડિસેમ્બર મહિનામાં વાયરલેસ સર્વિસ રોકી દીધી હતી જેથી તેને ટાવર લીઝ એગ્રિમેન્ટથી હટવા માટે પેમેન્ટ આપવા કહ્યું હતું. અનિલ અંબાણીની મુશ્કેલીઓમાં સતત વધારો થઇ રહ્યો છે. તેમની હાલત આર્થિક રીતે સતત ખરાબ થઇ રહી છે.

(12:00 am IST)