Gujarati News

Gujarati News

News of Thursday, 11th October 2018

હત્યાના બે કેસમાં રામપાલ સહિત બધા દોષિત : ૧૬ - ૧૭મીએ સજા

હિસારની નવેમ્બર ૨૦૧૪ની ઘટના : બરવાલાના સતલોક આશ્રમમાં ભડકેલી હિંસામાં ૭ના મોત થયા હતા : કોર્ટના ફેંસલા બાદ હિસારમાં લોખંડી સુરક્ષા તૈનાત : ૧૪૪મી કલમ લાગુ

હિસાર તા. ૧૧ : સતલોક આશ્રમ પ્રકરણમાં વિવાદિત સંત રામપાલને હત્યાના મામલે કોર્ટે દોષિત જાહેર કર્યા છે. આ દરમિયાન સેન્ટ્રલ જેલમાં જ કોર્ટ બનાવામાં આવી અને અતિરિકત જિલ્લા અને સત્ર ન્યાયાધીશ ડી.આર.ચાલિયા મામલાની સુનાવણી કરી છે. રામપાલના સમર્થકો દ્વારા ઉપદ્રવ હોવાની આશંકાના લીધે જેલની અંદર જ વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા રામપાલને રજૂ કરવામાં આવ્યો. આ મામલો ૨૦૧૪નો છે. જ્યારે રામપાલના આશ્રમમાં ભડકેલી હિંસામાં ૭ લોકોના મોત થયા હતા. જેમાં ૫ મહિલાઓ અને ૧ બાળક પણ સામેલ હતું.

આ નિર્ણયને ધ્યાનમાં રાખીને સંપૂર્ણ હિસારમાં કડક સુરક્ષા બંદોબસ્ત કરવામાં આવ્યો. ગઇકાલે જ જિલ્લામાં ધારા-૧૪૪ લાગુ કરવામાં આવી. સાથે જ ત્યાંની દરેક સીમાઓ સીલ કરી દેવામાં આવી હતી. અંદાજે ૨૦૦૦ સુરક્ષા બળોની નિયુકિત કરવામાં આવી. કાયદા વ્યવસ્થાની સ્થિતિ બનાવી રાખવા અને રામપાલના સમર્થકોની ભીડ હિસાર શહેરમાં પ્રવેશ રોકવા માટે ૪૮ પોલીસે નાકાબંધી કરવામાં આવી. શહેરમાં અનેક જગ્યાએ રૂટ ડાયવર્જન પર કરવામાં આવ્યું.

પ્રશાસને નિર્ણય અંગે સુરક્ષાના કડક બંદોબસ્ત કરવામાં આવ્યા. બરવાલાના સતલોક આશ્રમ પ્રકરણમાં હત્યાના બે કેસોની સુનાવણી અતિરિકત જિલ્લા તેમજ સત્ર ન્યાયાધીશ અજય પરાશર સેન્ટ્રલ જેલ વનમાં કરી રહ્યા હતા.

સુનાવણી દરમિયાન ૧૦ થી ૨૦ હજાર શ્રધ્ધાળુ કોર્ટ પરિસર, સેન્ટ્રલ જેલ, લઘુ સચિવાલય, ટાઉન પાર્ક અને રેલવે જેવા સ્થળો પર એકત્રીત થવાની આશંકા છે. એવામાં તે સમર્થક કોઇ પણ પ્રકારની કાયદો વ્યવસ્થા કથળે નહિ તેના માટે તૈયારીઓ કરી લેવામાં આવી છે. આ ઉપરાંત અન્ય જિલ્લાના એસપી અને ડિએસપીની ડ્યુટી પણ હિસાર લગાવામાં આવી છે. આ ઉપરાંત આરએએફની પાંચ કંપનીઓને હિસાર બોલાવવામાં આવી છે.(૨૧.૨૪)

(3:58 pm IST)