Gujarati News

Gujarati News

News of Thursday, 11th October 2018

રાહુલે રાફેલ ડીલ મુદ્દે પીએમ મોદીને પ્રથમવાર 'ભ્રષ્ટ' કહ્યા

સિતારામના ફ્રાન્સ પ્રવાસ પર ઉઠાવ્યા સવાલ : પીએમ મોદીએ દેવામાં ડૂબેલા અનિલ અંબાણીના ખીસ્સામાં ૩૦,૦૦૦ કરોડ મૂકયા : રાહુલ ગાંધી

નવી દિલ્હી તા. ૧૧ : રાફેલ સોદા મુદ્દે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ફરી એક વખત કેન્દ્રની મોદી સરકાર અને વડાપ્રધાનને આડેહાથ લીધા છે. ૫૯,૦૦૦ કરોડમાં ૩૬ યુદ્ઘ વિમાન ખરીદવા માટે ભારતીય ભાગીદાર કંપની રિલાયન્સને પસંદ કરવા બાબતે રાહુલે મોદી પર જોરદાર પ્રહારો કર્યા હતા. રાહુલ ગાંધીએ મીડિયાને પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે આ સ્પષ્ટપણે ભ્રષ્ટાચારનો કેસ છે અને વડાપ્રધાન મોદી 'ભ્રષ્ટ' છે.

રાફેલ ડીલ પર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ફરી એકવાર મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ મીડિયા સાથે વાતચીત કરીને રક્ષામંત્રી નિર્મલા સીતારમનના ફ્રાન્સના પ્રવાસ અંગે સવાલો ઉઠાવ્યા હતા. રાહુલે જણાવ્યું કે, ખબર નથી કઇ કટોકટી આવી ગઇ છે કે, રક્ષામંત્રી નિર્મલા સીતારમને તાત્કાલિક ફ્રાન્સ માટે રવાના થવા પડ્યું . તેઓ દસોલ્ટ કંપનીનો પ્રવાસ કરવા જઇ રહ્યા છે તેમ રાહુલે ઉમેર્યું હતું.રાહુલ ગાંધીએ પીએમ મોદી પર રાફેલ ડીલ અંગે ચારેબાજુથી હુમલો કર્યો છે. રાહુલે જણાવ્યું કે , રાફેલ ડીલ એક વળતર છે અને દસોલ્ટ એવિએશનના અધિકારીએ કેટલીક બાબતોના ખુલાસા કર્યા છે. તેમણે વધુમાં જણાવ્યું કે, પીએમ મોદીએ અનિલ અંબાણીને ૩૦ હજાર કરોડનું વળતર ચૂકવ્યું છે. પીએમ મોદીએ અનિલ અંબાણીને સખાવતમાં ૩૦ હજાર કરોડ રૂપિયા આપી દીધા છે. સાથે રાહુલ ગાંધીએ આક્ષેપ કર્યો છે કે, પીએમ મોદી ભ્રષ્ટ છે. રાહુલે વધુમાં મીડિયા સમક્ષ જણાવ્યું કે, અનિલ અંબાણી પર ૪૦૦૦૦ કરોડનું દેવું છે જેથી તેમના મિત્રને મદદ કરવા પીએમએ તેમના ખીસ્સામાં ૩૦૦૦૦  કરોડ રૂપિયા મુકયા છે.(૨૧.૨૩)

(3:58 pm IST)