Gujarati News

Gujarati News

News of Thursday, 11th October 2018

ઓડિશામાં 'તિતલી'નું તાંડવઃ ભારે ખાનાખરાબીઃ આંધ્રમાં બેના મોત

આજે વહેલી સવારે ઓડિશાના ગોપાલપુરમાં રૌદ્ર સ્વરૂપે ત્રાટકયું: ૧૪૦ થી ૧૫૦ કિ.મી.ની ઝડપે કાતિલ પવન ફુંકાયોઃ વૃક્ષો, થાંભલાઓ, કાચા મકાનોનો સોથ બોલી ગયો : ઓડિશાના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદઃ પૂરની ચેતવણીઃ શાળા-કોલેજોમાં રજાઃ ટ્રેનો રદ્દ કરાઈ અથવા ડાયવર્ટ કરાઈઃ વિમાન સેવા બંધ કરાઈ : આંધ્રમાં 'તિતલી'એ બે વ્યકિતનો ભોગ લીધોઃ નાયડુ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે

નવી દિલ્હી, તા. ૧૧ :. બંગાળના અખાતમાં બનેલા દબાણના કારણે આવેલુ ચક્રવાતી વાવાઝોડુ 'તિતલી' હવે વધુ ખતરનાક બની ગયુ છે. આ વાવાઝોડાએ ઓડિસામાં પ્રવેશ કર્યો છે. આજે સવારે ઓડીસાના કિનારાના વિસ્તાર ગોપાલપુરમાં આ વાવાઝોડાની તબાહી જોવા મળી હતી. ભયાનક પવનો સાથે ભારે વરસાદ પણ પડી રહ્યો છે. પવનની ઝડપ ૧૪૦ થી ૧૫૦ કિ.મી. પ્રતિ કલાક જોવા મળી રહી છે. જેને કારણે વૃક્ષો અને થાંભલાઓનો સોથ વળી ગયો છે. કાચા ઘરો ઉપર આફત આવી પડી છે. ફલાઈટ અને ટ્રેનો કેન્સલ કરવામાં આવી છે. આંધ્રમાં પણ વાવાઝોડાનુ અસર જોવા મળી રહી છે. ૩ લાખથી વધુ લોકોને સુરક્ષિત સ્થળે મોકલવામાં આવ્યા છે. આંધ્રમાં વાવાઝોડાએ બેનો ભોગ લીધો છે. ચક્રવાતી વાવાઝોડુ 'તિતલી' હવે ભયાનક બની ગયુ છે. ૧૮ જિલ્લામાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યો છે. આજે સવારે આ વાવાઝોડુ સવારે ૫ વાગ્યે ટકરાયું. જેને કારણે ભારે વરસાદ અને ભારે પવન ફુંકાઈ રહ્યો છે. ભયાનક પવન ફુંકાવાને કારણે કાચા મકાનો, વૃક્ષો, વિજળીના થાંભલાઓને ભારે નુકશાન થયુ છે. કેટલાક વિસ્તારોનો સંપર્ક પણ તૂટી ગયો છે. દક્ષિણ-પશ્ચિમ રેલ્વેએ તિતલી વાવાઝોડાને કારણે અનેક ટ્રેનો કેન્સલ કરી છે અથવા તો ડાયવર્ટ કરી છે.

ઓડિસાના કિનારાના વિસ્તારોમાં ભારે પવન ફુંકાય રહ્યો છે. નિચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સલામતી સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. ઓડિસામાં શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. વાવાઝોડાને કારણે અનેક સ્થળે ભેખડો ધસી પડી હોવાનું પણ જાણ વા મળે છે. હવામાન ખાતાના કહેવા મુજબ પવનની ઝડપ ૧૬૫ કિ.મી. પહોંચશે. ઓડિસા સરકારે વાવાઝોડાને જોતા કેટલાક વિસ્તારોમાં પૂરની પણ ચેતવણી આપી છે. કિનારાના વિસ્તારોમાં હાઈએલર્ટ જાહેર કરવામાં આવેલ છે.

આંધ્રમાં પણ ભારે પવન અને વરસાદ પડી રહ્યો છે. કિનારાના વિસ્તારોમાં તિતલીનો કહેર ચાલુ છે. શ્રીકાકુલમ જિલ્લામાં ભારે વરસાદ પડી રહ્યો છે અને પવન ફુંકાઈ રહ્યો છે.(૨-૧૭)

''તિતલી'' વાવાઝોડાના કારણે ઉત્તરાખંડમાં ભારે બરફવર્ષાની ચેતવણી

નવી દિલ્હી : વાવાઝોડા તિતલી ઓડીશા પહોંચી ચુકયું છે ત્યાં બંગાળમાં તેની અસર દેખાઇ રહી છે. હવામાન ખાતાએ બંગાળમાં ભારે વરસાદની ચેતવણી આપી છે. સાથો સાથ ઉત્તરાખંડમાં પણ ભારે બરફ વર્ષાની શકયતા છે.

હવામાન ખાતાના દહેરાદૂન કેન્દ્ર દ્વારા જાહેર કરાયેલ ચેતણવી અનુસાર ૩પ૦૦ ફૂટથી ઉપરના વિસ્તારોમાં ભારે બરફવર્ષા થશે. આ સિવાય કેટલીય જગ્યાએ વાદળ છવાયેલ રહેશે અને અમુક જગ્યાએ વરસાદ અને બરફ વર્ષાની શકયતા છે એક સમાચાર એજન્સી મુજબ ચમોલી, રૂદ્રપ્રયાગ, ઉત્તરકાશી, પિથૌરગઢ અને દહેરાદૂનમાં આગામી ર૪ કલાકમાં ભારે વરસાદ થઇ શકે છે.

(3:27 pm IST)