Gujarati News

Gujarati News

News of Thursday, 11th October 2018

કેરોસીન - LPG સિલીન્ડરની સબસીડીનો ભાર સરકાર ONGC - IOLની કેડે લદાશે

ઓઇલ કંપનીઓએ ૧૨૦૦૦ કરોડની સબસીડી માંગી : સરકારે કહ્યું પૈસા નથીઃ પેટ્રોલિયમ મંત્રાલય - કંપનીઓ વચ્ચે મંત્રણા શરૂ

નવી દિલ્હી તા. ૧૧ : કેરોસીન અને એલપીજી સબસીડીનો બોજ સરકાર ONGC અને IOL પર નાખી શકે છે. આ બાબતની વાતચીત પેટ્રોલિયમ મંત્રાલય અને કંપનીઓ વચ્ચે શરૂ થઇ ચૂકી છે. સૂત્રો અનુસાર, ઇન્ડીયન ઓઇલ, એચપીસીએલ અને બીપીસીએલ સરકારને સ્પષ્ટ કહી દીધું છે કે, જે રીતે કેરોસીન અને એલપીજી પર સબસીડી વધી રહી છે અમને વધારે સબસીડી આપો ઓઇલ કંપનીઓએ લગભગ ૧૨૦૦૦ કરોડની સબસીડીની માંગણી કરી છે પણ સરકાર પાસે આટલી મોટી રકમ સબસીડી આપવા માટે નથી. એટલે સરકારે આનો બોજ ઉઠાવવા માટે ONGC અને IOL સાથે વાતચીત શરૂ કરી છે.

આ બાબતે બુધવારે બંને કંપનીઓ સાથે પેટ્રોલીયમ મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓની મીટીંગ થઇ હતી. અત્યારે કેરોસીન પર ૧૬ રૂપિયા પ્રતિ લીટર અને એલપીજી સીલીન્ડર પર લગભગ ૩૭૩ રૂપિયા સબસીડી અપાઇ રહી છે. સૂત્રો અનુસાર ઓઇલ કંપનીઓએ સરકારને ચોખ્ખું કહી દીધું છે કે જો સબસીડીના પુરા પૈસા ન મળે તો તે સબસીડીનો બોજ કેવી રીતે ઉપાડી શકે. આમ પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડવાના ચક્કરમાં સરકારે તેલ કંપનીઓ પર એક રૂપિયો પ્રતિ લીટરનો બોજ નાખ્યો જ છે. સરકારે પેટ્રોલ - ડીઝલ પર ૧.૫૦ પ્રતિ લીટર એકસાઇઝ ડયુટી ઘટાડીને એક રૂપિયાનો બોજ ઓઇલ કંપનીઓને ઉપાડવાનું કહ્યું હતું. આમ કરીને પેટ્રોલ ડીઝલની કિંમતોમાં ૨.૫૦ રૂપિયાનો ઘટાડો કરાયો હતો. પછી કેટલાય રાજ્યોએ પણ વેટમાં ૨.૫૦ રૂપિયાનો ઘટાડો કર્યો હતો.(૨૧.૯)

(11:47 am IST)