Gujarati News

Gujarati News

News of Thursday, 11th October 2018

એર ઇન્ડિયા માટે પેકેજની ટૂંકમાં જ જાહેરાત થઇ શકે

માઇક્રો આર્થિક સ્થિતિ હાલ સારી દેખાતી નથી : માર્કેટની સ્થિતિ સુધારા થયા બાદ ડિસઇન્વેસ્ટમેન્ટ શક્ય

નવીદિલ્હી, તા. ૧૦ : કટોકટીનો સામનો કરી રહેલા એર ઇન્ડિયામાં નવા પ્રાણ ફૂંકવા માટે ટૂંક સમયમાં જ સરકાર એક પેકેજની જાહેરાત કરી શકે છે. એર ઇન્ડિયા માટે પેકેજ તૈયાર કરવાની પ્રક્રિયા હાલમાં ચાલી રહી છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયના એક ટોચના અધિકારીએ આજે આ મુજબની માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે, દેવામાં ડુબેલા એર ઇન્ડિયાને મદદ કરવાના હેતુસર આ પેકેજ આપવામાં આવનાર છે. નાગરિક ઉડ્ડયન સચિવ આરએન ચૌબેએ કહ્યું છે કે, સેફ્ટી ઓડિટ જે ડિરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન દ્વારા આદેશ કરે છે તેમાં ઘણી બધી બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કોઇપણ પ્રકારના સુરક્ષા પાસાઓને ધ્યાનમાં લીધા વગર મંજુરી આપવામાં આવશે નહીં. પત્રકારો સાથે વાતચીત કરતા ચૌબેએ કહ્યું હતું કે, એર ઇન્ડિયાની અસરકારકતા અને સ્પર્ધા સાથે કોઇ બાંધછોડ કરવામાં આવશે નહીં. પેકેજ તૈયાર કરવાની પ્રક્રિયામાં અંતિમ તબક્કામાં પહોંચી ચુકી છે. એર ઇન્ડિયા માટે પેકેજના સંદર્ભમાં પુછવામાં આવતા તેમણે આ મુજબની વાત કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે, એર ઇન્ડિયામાં

ડિસઇન્વેસ્ટમેન્ટની બાબત એ વખતે શક્ય બનશે જ્યારે માઇક્રો આર્થિક પરિસ્થિતિ અને માર્કેટની સ્થિતિ વધારે તરફેણીય બની જશે. એરલાઈન હાલમાં તેની અસરકારકતા અને પ્રોફેશનલ ક્ષમતાને સુધારશે. અધિકારીઓના કહેવા મુજબ ફ્યુઅલની વધતી જતી કિંમતો અને ડોલર સામે ઘટતા જતા રૂપિયાના લીધે હાલત કફોડી બનેલી છે. કટોકટીગ્રસ્ત જેટ એરવેઝના સંદર્ભમાં પુછવામાં આવતા તેમણે કહ્યું હતું કે, આ કેરિયરે કોઇપણ પ્રકારના ટેકા માટે સરકારનો સંપર્ક કર્યો નથી. જો કે, સરકાર તમામ પ્રકારની પરિસ્થિતિ ઉપર નજર રાખી રહી છે. એર ઇન્ડિયા પાંચ અબજ રૂપિયાની લોનને લઇને રાહ જોઈ રહી છેખર્ચમાં સતત વધારો થઇ રહ્યો છે.

(12:00 am IST)