Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018

ઈન્કમટેક્ષ દરોડામાં નિમિત બની રોકડ રૂપિયાની રમત

ચેક, ડ્રાફટ કે અન્ય નાણાકીય વહીવટને બદલે : મોટી રકમની લેતી-દેતી અને તેમાં લોન કરી બીજા પ્રોજેકટમાં નાણા ફેરવતા હોવાની ચેનલ ઉપર આયકર અધિકારીઓની હતી નજર : ફુલપ્રૂફ પ્લાનિંગ કરીને આયકર વિભાગે પાડ્યા વ્યાપક દરોડા

રાજકોટ, તા.૨૬ : ગુજરાત આયકર વિભાગની સીધી સુચનાથી આજ વ્હેલી સવારથી રાજકોટમાં ટોચના ત્રણ બિલ્ડર અને ફાયનાન્સર ઉપર મોટેપાયે દરોડા પડતા સમગ્ર સૌરાષ્ટ્રની રિયલ એસ્ટેટમાં ખળભળાટ મચી જવા પામેલ છે.

રાજકોટમાં એકી સાથે બિલ્ડર અને ફાયનાન્સર અને તેમના સહયોગીની ૨૬ પ્રતિક નિવાસસ્થાન અને ૧૮ ઓફીસ અને સાઈટ મળી કુલ ૪૪ સ્થળોએ પોલીસ જવાનો અને એસઆરપીના વ્યાપક બંદોબસ્ત હેઠળ ૨૨૫થી વધુ અધિકારીઓએ ઈન્કમટેક્ષની ઈન્વેસ્ટીગેશન વીંગના જોઈન્ટ ડાયરેકટર શ્રી રાજેશ મહાજન, આસિસ્ટન્ટ ડાયરેકટર પ્રદિપ સદાવત અને કે. આર. ડૈયા અને વી. એમ. ડાંગરના માર્ગદર્શન તળે ૨૨૫થી વધુ અધિકારીઓએ મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યુ છે.

રાજકોટ આયકર વિભાગે ડેકોરા બિલ્ડર્સ, ઓમ બિલ્ડર્સ અને પટેલ ડેવલોપર્સ અને ફાયનાન્સર સ્વસ્તિક ફાયનાન્સ અને કિશાન ફાયનાન્સ, વિનાયક ફાયનાન્સની સહયોગી પેઢી અને ભાગીદારો ઉપર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

આયકર વિભાગના ટોચના સૂત્રોએ જણાવ્યું હતું કે, એકી સાથે આટલુ મોટું મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવા પાછળ છેલ્લા દોઢ માસની અથાક મહેનત અને રગેરગની માહિતી એકઠી કરીને ફુલપ્રૂફ પ્લાનીંગ કરીને દરોડા પાડ્યા હતા.

આયકર વિભાગના ટોચના સૂત્રોએ વધુમાં જણાવેલ કે દરોડા પાડવામાં સૌથી વધુ અસરકારક પરિબળ આવડા મોટા બિલ્ડર્સ અને ફાયનાન્સર દ્વારા થતી રોકડ રૂપિયાની રમત જવાબદાર બની છે.

આયકર વર્તુળોએ વધુમાં જણાવેલ કે, બિલ્ડર્સ અને ફાયનાન્સ પેઢીમાં ચેક કે ડ્રાફટને બદલે રોકડ રકમની મોટેપાયે લેતી-દેતી થતી હતી. ઓફીસ અને ફલેટના રોકાણમાં મોટી રકમ કેશલોનના સ્વરૂપમાં ફેરવાતી હોય બાદમાં રોકડ રકમ અન્ય જગ્યાએ રોકાતી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.  રોકડ રકમની મોટેપાયે થતી લેવડ-દેવડ અને રોકડથી રૂપિયાની મૂલ્ય વધારવાની પ્રવૃતિ ઈન્કમટેક્ષ દરોડામાં નિમિત બની હોવાનું જાણકાર વર્તુળો જણાવે છે.

રીયલ એસ્ટેટ વર્તુળોમાં ચર્ચાતી વિગતો મુજબ સામાન્ય રીતે બિલ્ડીંગમાં કોઈપણ ફલેટ કે ઓફીસ ખરીદી વખતે વ્હાઈટનું પેમેન્ટ કરતાં બ્લેકનું પેમેન્ટ ડબલથી ત્રણ ગણુ હોય છે. પરંતુ આ મિલકતની ઓફીસ કે ફલેટ ખરીદતી વખતે ખરીદનાર લોકો અને બિલ્ડર વચ્ચેની સમજૂતીનો ભાગ હોય છે. રોકડ રકમની પહોંચ પણ અનેક સંસ્થાના નામે ફાળા પેટે આપીને એક અલગ ડાયરીમાં નોંધ રાખવામાં આવતી હોય છે. જેમાં એક ડાયરી બિલ્ડર પાસે અને બીજી ડાયરી મિલ્કત ખરીદનાર વ્યકિતઓ પાસે હોય છે.

રીયલ એસ્ટેટમાં રોકડ રકમની બોલબાલા હોવાથી મૂળ વાસ્તવિક રકમ કરતાં ફલેટ કે ઓફીસની ઉંચી આકારણી અને ભાવ હોય છે. કેન્દ્ર સરકાર હવે રોકડ નાણાકીય વ્યવહાર અંકુશમાં રાખવા અનેક યોજનાઓ અમલી બનાવી છે.

(4:13 pm IST)