Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

મુંબઇમાં ભારે વરસાદ વચ્ચે બધા લોકો હજુ પણ પરેશાન

લોકલ ટ્રેન સેવા ખોરવાઇ, લોકો સવારે અટવાયાઃ નીચાણવાળા વિસ્તારો હજુ પાણીમાં ગરકાવ : વરસાદ જારી રહેતા બચાવ કામગીરીમાં અડચણો આવી રહી છે

મુંબઇ,તા. ૧૧: મુંબઇમાં ભારે વરસાદનો દોર જારી રહ્યો છે. જેના કારણે લોકો હજુ પરેશાન થયેલા છે. લોકોને હાલમાં રાહત મળે તેવી શક્યતા ઓછી છે. કારણ કે હવામાન વિભાગે ભારે વરસાદ  જારી રહેવાની ચેતવણી જારી કરી દીધી છે. બીજી બાજુ રેકોર્ડ વરસાદ તરફ મુંબઇ વધી રહ્યુ છે. જુલાઇ મહિનામાં સૌથી વધારે વરસાદનો આંકડો થઇ શકે છે. આજે સવારે   પણ લોકો જુદી જુદી જગ્યાએ વરસાદના કારણે અટવાયા હતા.  છેલ્લા કેટલાક દિવસથી પડી રહેલા વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારો હજુ જળબંબાકાર થયેલા છે. હવે રોગચાળાનો ખતરો પણ છે.ભારે વરસાદના કારણે તમામ ટ્રેનો ધીમીગતિએ દોડી રહી છે. પશ્ચિમ રેલવેએ કહ્યું છે કે, નાલાસોપારામાં ટ્રેક ઉપર ૧૮૦ મિલીમીટર સુધી પાણી હોવાના કારણે આ ટ્રેક ઉપર ટ્રેનોને રોકી દેવામાં આવી છે. ઉપનગરીય લાઇન ઉપર પણ ટ્રેનો રોકવામાં આવી છે. બાકી લાઈનો ઉપર ટ્રેન ધીમીગતિએ ચાલી રહી છે. સેન્ટ્રલ રેલવેને હજુ સુધી કોઇ અસર થઇ નથી પરંતુ થાણે અને કલવા વચ્ચે ટ્રેનના ટ્રેક ઉપર ભારે પાણી ભરાઈ ગયા છે જેથી ટ્રેન સેવા રોકી દેવામાં આવી છે. પશ્ચિમ રેલવેએ દાદર, માટુંગા, ગોરેગાંવ અને બીજા સ્ટેસનો પર ટ્રેક પરથી પાણીને દૂર કરવા હેવી ડ્યુટી પંપ લગાવવામાં આવ્યા છે. બીએમસી દ્વારા મોનસુન સિઝન પહેલા દાવો કરવામાં આવ્યો હતો કે, વરસાદમાં આ વખતે કોઇપણ જગ્યાએ પાણી ભરાશે નહીં પરંતુ ટુંકાગાળાની અંદર જ બીએમસીની પોલ ખુલી ગઈ છે. રસ્તા પર પડી ગયેલા ગાબડા અને સાથે સાથે મોટા ભુવા જીવલેણ સાબિત થઇ રહ્યા છે. આગામી પાંચ દિવસ દરમિયાન અતિભારે વરસાદની ચેતવણી તંત્ર દ્વારા જારી કરવામાં આવી છે. આજે ભારે વરસાદના કારણે અનેક જગ્યાઓએ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ હતી. મુંબઈ ઉપરાંત મહારાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ ભારે વરસાદ થઇ રહ્યો છે. વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે અને અન્ય જગ્યા પર લોકો અટવાયા હતા. જો કે, બચાવ અને રાહત કામગીરી ઘણા વિસ્તારમાં હાથ ધરવામાં આવી છે. એનડીઆરએફની ટીમ પણ તૈનાત કરવામાં આવી છે. મુંબઈમાં તમામ નિચાણવાલા વિસ્તારો જળબંબાકાર રહ્યા હતા. ઉપનગરીય ટ્રેન સેવાને પણ અસર થઇ હતી. હવામાન વિભાગની ચેતવણી બાદ બીએમસી દ્વારા સાવચેતીના તમામ પગલા લેવામાં આવી રહ્યા છે. બસ સેવાને પણ માઠી અસર થઇ છે. સાથે સાથે મુંબઈની લાઇફલાઈન સમાન ગણાતા લોકલ ટ્રેન સેવાને પણ અસર થઇ છે.

(9:42 pm IST)