Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

દિલ્હીની શરમજનક ઘટના

સ્કૂલે ૫ કલાક સુધી માસૂમ છોકરીઓને બેઝમેન્ટમાં બંધક બનાવીને રાખી !

નવી દિલ્હી તા. ૧૧ : દેશની રાજધાની દિલ્હીના બલ્લીમારાન સ્થિત રાબિયા ગર્લ્સ પબ્લિક સ્કૂલમાં કથિત રીતે ફી ન ભરવાને કારણે બાળકીઓને કલાકો સુધી બેઝમેન્ટમાં બંધક બનાવીને રાખવામાં આવી હતી. પેરેન્ટ્સનું કહેવું છે ફી બાકી હોવા જેવી સામાન્ય વાતને કારણે બાળકોને બંધક બનાવીને ૫ કલાક સુધી બેઝમેન્ટમાં પુરી રાખવા કેટલું યોગ્ય છે? ૪૦ ડિગ્રી તાપમાનમાં ભૂખી-તરસી દીકરીઓ બપોર થવાની રાહ જોતી હતી, જેથી તેમના માતા-પિતા આવીને તેમને ત્યાંથી લઈ જાય.આ વિદ્યાર્થિનીઓના વાલીઓનો આરોપ છે કે, બેઝમેન્ટમાં રુમની બહાર સાંકળ લગાવાવમાં આવી હતી. તે જયારે છોકરીઓને લેવા સ્કૂલ પહોંચ્યા તો સ્ટાફ પણ સંતોષકારક જવાબ નહોતો આપી શકયો. ગરમીમાં ભૂખ અને તરસને કારણે છોકરીઓની હાલત ખરાબ થઈ ગઈ હતી.

પોતાની છોકરીઓની આ હાલત જોઈને વાલીઓએ સ્કૂલની બહાર હોબાળો કર્યો. પોલીસે જૂવેનાઈલ જસ્ટિસ એકટની કલમ ૭૫ અંતર્ગત કેસ દાખલ કરીને તપાસ શરુ કરી છે. જયારે આ ઘટનાનો વીડિયો અને ફોટો સામે આવ્યા ત્યારે લોકોએ પણ સ્કૂલની આકરી ટીકા કરી છે.સ્કૂલ પર આરોપ છે કે, બેઝમેન્ટમાં પંખા પણ નહોતા. પેરેન્ટ્સનો દાવો છે કે, તેમણે જયારે બેઝમેન્ટનો દરવાજો ખોલ્યો તો છોકરીઓ જમીન પર બેઠેલી હતી. પોતાના પરિવારના લોકોને જોઈને તે રડવા લાગી. આ રીતે છોકરીઓને બેઝમેન્ટમાં પૂરવા પાછળ સ્કૂલનો તર્ક એ હતો કે જૂન મહિનાની ફી હજી સુધી ભરવામાં નથી આવી.

વાલીઓએ સ્કૂલના આરોપને ફગાવતાં ફી સમયસર ભરવાનો પુરાવો એટલે કે ફીની રીસિપ્ટ પોલીસને બતાવી હતી. ૪૦ ડિગ્રી તાપમાનમાં ૫ કલાકથી ભૂખી-તરસી બાળકીઓના માતા-પિતાએ હેડ મિસ્ટ્રેસ ફરહા ડીબા ખાન સાથે વાત કરી તો તેમણે અપમાનજનક ભાષામાં વાત કરી અને સ્કૂલમાંથી બહાર નીકાળી દેવાની ધમકી પણ આપી.(૨૧.૨૩)

 

(3:46 pm IST)