Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

શાળાઓ બે સપ્તાહમાં ફીનો પ્રસ્તાવ રજૂ કરે : સુપ્રીમ કોર્ટનો આદેશ

ફી નિયમન મુદ્દે શાળા સંચાલકોને સુપ્રીમકોર્ટનો ૪૪૦ વોલ્ટનો મહાઝટકોઃ વાલીઓ-વિદ્યાર્થીઓને રાહતઃ ૧૬ હજાર પૈકી ૧૮૬૩ સ્કુલોએ ફીનો પ્રસ્તાવ આપ્યો જ નથી : પ્રસ્તાવ બાદ ગુજરાત સરકાર શાળાઓને માહિતી આપશે : પ્રસ્તાવ નહિં આપે તો પગલા લેવાશે : જરૂરી અને બિનજરૂરી ફી અંગે રાજય સરકાર જણાવશે : વિદ્યાર્થીઓ - વાલીઓને રાહત: ઘોડેસવારી, સ્વીમીંગ, ટ્રાન્સપોર્ટેશન ફી પણ જરૂરી નથી : ઈતર પ્રવૃતિઓની ફી અંગે દબાણ ન કરી શકાય : વધુ સુનાવણી એક મહિના બાદ હાથ ધરાશે

રાજકોટ, તા. ૧૧ : ફી નિયમન મુદ્દે દેશની સર્વોચ્ચ અદાલતે આજે રાજ્યની ખાનગી શાળાઓના સંચાલકોને જોરદાર આંચકો આપ્યો છે અને વાલીઓ તથા વિદ્યાર્થીઓની તરફેણમાં આદેશ આપવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. મળતી માહિતી મુજબ ફી નિયમન મામલે સુપ્રિમ કોર્ટે ૨ સપ્તાહમાં ફીનો પ્રસ્તાવ રજૂ કરવા આદેશ આપ્યો છે. કોર્ટે ૧૮૬૩ શાળાઓએ ફીનો પ્રસ્તાવ ન આપ્યો હોવાથી આ આદેશ આપ્યો છે. જો પ્રસ્તાવ નહિં આપે તો તેના પર પગલા પણ લઈ શકાશે. રાજયની ૧૬૦૦૦ સ્કુલ પૈકી ૧૮૬૩ સ્કુલે ફીનો પ્રસ્તાવ આપ્યો નથી. ગુજરાત સરકાર દ્વારા પત્ર લખી શાળાઓને જાણ કરવામાં આવશે. તેમજ જરૂરી અને બિનજરૂરી ફી અંગે રાજય સરકાર જણાવશે. આમ સુપ્રિમ કોર્ટે ફી નિયમન મામલે શાળા સંચાલકોને મહાઝાટકો આપ્યો છે. ફી નિયમન મામલે સુપ્રિમ કોર્ટે આદેશ આપ્યો છે કે બે અઠવાડીયામાં શાળાઓ ફીનો પ્રસ્તાવ રજૂ કરે. જો કે ૧૬ હજાર પૈકી ૧૮૬૩ સ્કુલોએ હજુ સુધી ફીનો પ્રસ્તાવ આપ્યો નથી. પ્રસ્તાવ બાદ ગુજરાત સરકાર શાળાઓને માહિતી આપશે.

જો શાળાઓ પ્રસ્તાવ નહિં આપે તો પગલા લેવામાં આવશે. સરકાર દ્વારા ચિઠ્ઠી લખી શાળાઓને જાણ કરવામાં આવશે. જરૂરી અને બિનજરૂરી ફી અંગે રાજય સરકાર દ્વારા જણાવવામાં આવશે.

ઘોડેસવારી, સ્વીમીંગની ફી પણ જરૂરી નથી. ટ્રાન્સપોર્ટેશનની ફી પણ જરૂરી નથી. ઈત્તર ફીનું લીસ્ટ સરકાર આપશે. ઈતર ફી અંગે વાલીઓ ઉપર દબાણ લાદી ન શકાય.

સુપ્રિમ કોર્ટે વધુમાં કહ્યું કે કેટલીયે શાળાઓ હજુ ફી નિયમન સમિતિ (એફ.આર.સી.)માં જોડાયા નથી. બે સપ્તાહનો સમય આપવામાં આવ્યો છે. જો જોડાશે નહિં તો કાર્યવાહી કરવામાં આવશે. ૨૦૧૭-૧૮ એમ બે વર્ષનું એફ.આર.સી.માં મુદત આપવી પડશે એફીડેવિટ પણ આપવી પડશે.

સુપ્રિમ કોર્ટના અગાઉના ચુકાદા મુજબ તથા તેના ઉપરથી ગુજરાત સરકારે બહાર પાડેલ નોટીફીકેશન મુજબ રાજકોટની અનેક અગ્રણી સ્કુલોથી રહેલ ન હોય અને સુપ્રિમ કોર્ટના ચુકાદાનું ઉલ્લંઘન કરી રહેલ હોય જેથી રાજકોટના યુવાન એડવોકેટ સંજયભાઈ પંડ્યાએ ગઈકાલે નામદાર સુપ્રિમ કોર્ટમાં રાજકોટની પી.વી.મોદી સ્કુલના ટ્રસ્ટી રશ્મીકાંતભાઈ મોદી, પ્રિન્સીપાલ નિલેશ સેજલીયા, ધોળકીયાના ટ્રસ્ટી કૃષ્ણકાંત ધોળકીયા, જીતુભાઈ ધોળકીયા, એસ.એન.કે. સ્કુલના ટ્રસ્ટી કિરણભાઈ પટેલ, શકિત સ્કુલના ટ્રસ્ટી સુધીરભાઈ મહેતા, ક્રિષ્ના સ્કુલના ટ્રસ્ટી સુમનભાઈ પાઠક, નેસ્ટ સ્કુલના ટ્રસ્ટી અજયભાઈ પટેલ સહિતનાઓ સામે કન્ટેમ્પટ ઉપર આવતા નામદાર સર્વોચ્ચ અદાલતે તા.૨ સપ્ટેમ્બર સુધીમાં તમામ સ્કુલોને ગુજરાત સરકારના નોટીફીકેશન અદાલતના ચુકાદા મુજબ તાત્કાલીક અમલવારી કરવાનો હુકમ ફરમાવેલ છે.

એડવોકેટ સંજય પંડ્યાને આ કાનુની લડાઈમાં સહકાર આપવા માટે રાજકોટના યુવા કોંગી અગ્રણી રાજદીપસિંહ જાડેજા, શિક્ષણ સમિતિના સભ્ય મુકેશભાઈ ચાવડા તથા નીતિનભાઈ ભંડેરી, એડવોકેટ સંજય પંડ્યા સાથે દિલ્હી દોડી ગયેલ હતા.

આ મામલે કાનુની કાર્યવાહી માટે સંપૂર્ણ કાયદાકીય માર્ગદર્શન પ્રખ્યાત ધારાશાસ્ત્રી શ્રી શ્યામલભાઈ સોનપાલ આપી રહ્યા છે

(3:37 pm IST)