Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

GST બાદ સોનાનાં ગેરકાયદે વેપારમાં વધારો

વિક્રેતા જૂના ઘરેણા બતાવી ગેરકાયદેસર રીતે પીળી ધાતુ ખરીદી રહ્યા છેઃ જીએસટી બાદ આયાતમાં ઘટાડો અને મોટા ટેક્ષ સ્લેબને કારણે ગેરકાયદે વેપારમાં વૃદ્ધિ થયાની શંકા

નવી દિલ્હી, તા. ૧૧ :. સૌથી મોટા કર સુધાર રૂપે જીએસટી લાગુ થયા પછી સોનાનુ ગેરકાનૂની વેચાણ સતત વધી રહ્યુ છે. જાણકારોનું કહેવુ છે કે સોનાની આયાતમાં ઘટાડો અને ઉંચા ટેક્ષ સ્લેબના કારણે આમા ગેરકાયદે વેચાણ થતુ હોવાની પુરેપુરી આશંકા છે.

કેયર રેટીંગ એજન્સીના અર્થશાસ્ત્રી મદન સબનવીસનું કહેવું છે કે ભારત દુનિયાનું બીજા નંબરનું સોનાની આયાત કરતુ રાષ્ટ્ર છે પણ છેલ્લા કેટલાક મહિનાઓથી આયાતમાં મંદી આવી છે. જે ચોખ્ખો સંકેત છે કે આમાં લેવડદેવડ ખાનગી રીતે થઈ રહી છે. તેમણે કહ્યુ કે ગયા વર્ષે જીએસટી લાગુ થતા પહેલા સોનાના વેપારીઓને ભય હતો કે સોના પર વધારે ટેક્ષ રેટના લીધે તેની દાણચોરીમાં વધારો થશે કેમ કે વેપારીઓ ટેક્ષ બચાવવા માટે ગતકડા કરશે. આંકડામાં જોવા જઈએ તો તેમનો ભય સાચો સાબિત થયો હોય તેવુ જણાય રહ્યુ છે. બીજી બાજુ સરકારને એવી આશા હતી કે જીએસટીના લીધે સોનાનો વેપાર વધારે પારદર્શક બનશે જેના લીધે તેની બજાર વધારે સંગઠીત બનશે.

કેપીએમજીમાં પ્રમુખ સચીન મેનને કહ્યુ કે, મુખ્ય હવાઈ મથકો પર અધિકારીઓ પકડવામાં આવતુ દાણચોરીનું સોનુ એ સાબિત કરે છે કે, સોનાનો ગેરકાયદે વેપાર ઝડપથી વધી રહ્યો છે.

આમા દક્ષિણ ભારતની સાથે ઉત્તર ભારતના કેટલાક રાજ્યો પણ સામેલ છે. હમણાના જ એક મીડીયા રીપોર્ટમાં કહેવાયુ છે કે સોેનાની ગેરકાયદેસર આયાતના કારણે આંધ્ર પ્રદેશ અને તેલંગણાની સરકારી આવક ઘટી છે. બન્ને રાજ્યોને ૫૦૦થી ૮૦૦ કરોડનો ધુંબો લાગ્યો છે. એટલું જ નહી પરંતુ છેલ્લા થોડા દિવસોમાં ૩૨ કિલો સોનુ એટલે લગભગ ૧૦ કરોડ રૂપિયાનું સોનુ દાણચોરીમાં જપ્ત કરાયુ છે.

ઘરેણાના વેપારીઓ શું ખેલ કરે છે ?

હાલમાં સોનાના જૂના દાગીનાની ખરીદી પર કોઈ જીએસટી નથી લાગતો એટલે નિયમોની છૂટનો લાભ ઉઠાવીને વેપારીઓ ગેરકાયદે સોનુ ખરીદીને તેને જૂના ઘરેણા રૂપે બતાવીને ટેક્ષમાં રાહત મેળવી લે છે. ગેરકાયદે ધંધાનો આ ખેલ મોટાભાગે ૨ લાખ રૂપિયાથી ઓછી કિંમતના ઘરેણામાં થાય છે જેમા પાન નંબર આપવાની જરૂર નથી પડતી.(૨-૪)

(11:45 am IST)