Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

હવે બળાત્કાર - હત્યાના કેસ ફાસ્ટ ટ્રેક અદાલતોમાં ચાલશે : કાયદા મંત્રાલયે ડ્રાફટ રજૂ કર્યો

કાયદા અને ગૃહ ખાતાએ ઊંડો ચર્ચાવિમર્શ કરીને ડ્રાફટ તૈયાર કર્યો : દેશભરમાં ફાસ્ટટ્રેક અદાલતો સ્થાપીને જરૂરી નિમણૂકો કરવા તેમજ વૈજ્ઞાનિક તપાસ અધિકારીઓ તૈયાર કરવા : બળાત્કારના કેસોની તપાસ કરવા પોલીસ મથકો અને હોસ્પિટલોને તાત્કાલિક ફોરેન્સિક કિટ પહોંચાડવામાં આવશે

નવી દિલ્હી તા. ૧૧ : મંગળવાર દેશભરમાં ચકચાર જગાવનારા દિલ્હીના નિર્ભયા બળાત્કાર અને હત્યા કેસ પછી અનેક સ્તરે કાયદાકીય સુધારા થઇ રહ્યા છે. હવે કાયદા મંત્રાલયે બળાત્કારના કેસમાં ખાસ ફાસ્ટટ્રેક અદાલતો શરૂ કરવા કેન્દ્ર સમક્ષ ડ્રાફટ રજૂ કર્યો છે. આ ડ્રાફટના અમલીકરણથી આ પ્રકારના કેસોમાં ઝડપી ન્યાયની આશા ઊભી થઇ છે.

કાયદા મંત્રાલયના અંતર્ગત કાર્યરત ન્યાય વિભાગે ગૃહ સચિવ સાથે ઊંડી ચર્ચાવિમર્શ કરીને આ ડ્રાફટ તૈયાર કર્યો છે. ૧૪મી જૂને કાયદા મંત્રાલયે કેબિનેટ સેક્રેટરીને જાણ કરી હતી કે, બળાત્કારોના કેસમાં ફાસ્ટટ્રેક અદાલતો સ્થાપીને પીડિતાઓને ઝડપી ન્યાય અપાવવાનો ડ્રાફટ તૈયાર છે. હાલમાં જ આ દિશામાં કરાઈ રહેલા સુધારા અંતર્ગત ૧૨ વર્ષથી નીચેના બાળકો પર બળાત્કાર કરનારાને મૃત્યુદંડ આપવાની જોગવાઈ કરાઈ હતી.

 આ કાયદો બનાવાયો ત્યારે જ સરકારે બળાત્કારના મામલામાં ઝડપી ન્યાય અપાવવા યોગ્ય સંખ્યામાં ફાસ્ટટ્રેક અદાલતો સ્થાપવાની તૈયારી દર્શાવી હતી. કાયદા મંત્રાલયે તૈયાર કરેલા ડ્રાફટમાં અદાલતો અને કાયદાકીય કાર્યવાહી માટેની વિવિધ માળખાગત સુવિધા, ઉપલી અને નીચલી અદાલતોમાં જરૂરી નિમણૂકો, વૈજ્ઞાાનિક તપાસ કરી શકે એવા અધિકારીઓ અને ખાસ ફોરેન્સિક કિટ્સ તૈયાર કરવા જેવી અનેક બાબતોનો ઉલ્લેખ છે.

સૂત્રોના જણાવ્યાનુસાર, ટૂંક જ સમયમાં આ ડ્રાફટ મંત્રીમંડળ સમક્ષ રજૂ કરાશે. આ ડ્રાફટનો અમલ થતાં જ કાયદાકીય પ્રક્રિયા હેઠળ બળાત્કારના કેસ ફાસ્ટટ્રેક અદાલતોમાંચાલશે, જયારે પોલીસ મથકો અને હોસ્પિટલોને ફોરેન્સિક કિટ્સ અપાશે. નોંધનીય છે કે, દિલ્હીના નિર્ભયા કેસ પછી સુરત, ઉનાવ અને કઠુઆ બળાત્કાર જેવા કિસ્સા પછી દેશભરમાં બળાત્કારીઓ વિરૂદ્ઘ આક્રોશની લાગણી હતી. આ દરમિયાન સરકારે બળાત્કારને લગતા વિવિધ કાયદા અને જોગવાઈઓમાં સુધારો કરવાની ફરજ પડી હતી.

(11:42 am IST)