Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

ઉત્તરાખંડમાં ભારે વરસાદથી પૂરઃ ૭ના મોતઃ અનેક પૂલ તૂટયા

હજુ ૩ દિવસ ભારે વરસાદની આગાહીઃ શાળા-કોલેજો બંધઃ રાજ્યમાં એલર્ટ જાહેર

દેહરાદુન, તા. ૧૧ :. ઉત્તરાખંડમાં મેઘરાજાએ સટાસટી બોલાવતા પૂરપ્રકોપની સ્થિતિ સર્જાઈ છે. વિવિધ ઘટનાઓમાં ૭ લોકોના મોત થયા છે. શાળા-કોલેજોને બંધ કરી દેવામાં આવી છે. છેલ્લા ૨ દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. નદીઓ બેકાંઠે વહી રહી છે અને અનેક પૂલો ધોવાઈ ગયા છે. હજી ૩ દિવસ ભારે વરસાદની આગાહી છે.

દેહરાદૂનના સીમાદ્વાર વિસ્તારમાં ધસી પડવાથી ૪ લોકોના મોત થયા છે. જ્યારે બીજા ૩ લોકોના મોત તણાઈ જવાને કારણે થયા છે. દક્ષિણ હિમાચલ પ્રદેશ અને ઉતરાખંડના મોટા ભાગના વિસ્તારોમાં બે ત્રણથી ભારે વરસાદ પડતા અનેક વિસ્તારો જળબંબાકાર થઈ ગયા છે. ચમોલી, પાવરી અને રૂદ્રપ્રયાગ જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. અધિકારીઓની રજા કેન્સલ કરી દેવામાં આવી છે.

રાજ્યની અનેક નદીઓ ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. રાજ્યમાં ૨૦૧૩ જેવા પૂરની આશંકા વ્યકત થઈ રહી છે. ભેખડો ધસી પડતા અને બ્રીજ તૂટી પડતા ૧ લાખથી વધુ યાત્રિકો ફસાયા છે. હવાઈ દળ, નૌકાદળ અને આર્મી રાહત અને બચાવ કાર્યમાં લાગ્યા છે.(૨-૫)

(10:32 am IST)