Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

કાશ્મીરમાં આ વર્ષે ૧૦૦ આતંકીઓનો સફાયો

આતંકવાદનો માર્ગ પકડનાર સ્થાનીક યુવાઓના આંકડાઓમાં પણ ચિંતાજનક વધારો

નવી દિલ્હી તા. ૧૧ : સુરક્ષા દળોએ આ વર્ષે જમ્મુ કાશ્મીર અને નિયંત્રણ રેખા પર ૨૭ વિદેશી આતંકીઓ સહિત ૧૦૦થી વધારે આતંકીઓને મારી પાડ્યા છે. સંરક્ષણ સૂત્રો અનુસાર સેના, કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ અને જમ્મુ કાશ્મીર પોલીસે આ વર્ષે અત્યાર સુધીમાં ઘાટીમાં સક્રિય ૭૩ આતંકવાદીઓને ઠાર કર્યા છે. મંગળવારે શોપિયામાં બે આતંકવાદીઓને ઠાર કરવાની સાથે જ આ આંકડો ૧૦૦ને પાર કરીને ૧૦૧ પર પહોંચી ગયો છે.

સુરક્ષા દળોના અભિયાનમાં આ વર્ષે હિઝબૂલ મુઝાહિદ્દીનનો શીર્ષ કમાન્ડર સમીર ટાઈગર, પાકિસ્તાનમાં રહેનાર જૈશ એ મોહમ્મદનો આતંકવાદી મુફતી વકાસ અને લશ્કર આતંકવાદી અબૂ હમાસ પણ માર્યો ગયો છે. આતંકવાદીઓને મોટી સંખ્યામાં ઠાર કરવાની સાથે ઘાટીમાં આતંકવાદનો માર્ગ પકડનાર સ્થાનીક યુવાઓના આંકડાઓમાં પણ ચિંતાજનક વધારો થયો છે. આ વર્ષે અત્યાર સુધી ૮૨ યુવાનો આતંકવાદી સંગઠનોમાં જોડાઈ ચૂકયા છે. એપ્રિલમાં આ આંકડો સૌથી વધારે રહ્યો છે. એપ્રિલમાં ૨૫, મે મહિનામાં ૧૨ અને જૂનમાં ૨૦ યુવાનો આતંકવાદી સંગઠનોમાં જોડાઈ ચૂકયાં છે.

જમ્મુ કાશ્મીરની મુખ્યમંત્રી રહેલ મહેબૂબા મુફતીએ આ વર્ષના શરૂમાં વિધાનસભામાં એક પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે, ૨૦૧૫માં ૬૬, ૨૦૧૬માં ૮૮ અને ૨૦૧૭માં ૧૨૬ યુવાનો આતંકવાદી સંગઠનમાં જોડાયા હતા. એવું માનવામાં આવી રહ્યું છે કે, હિઝબૂલ કમાન્ડર બુરહાન વાની એટલે વર્ષ ૨૦૧૬માં સેના સાથેની અથડામણમાં માર્યા ગયા પછી સ્થાનીક યુવાનોમાં આતંકવાદી સંગઠનો પ્રત્યે આત્મિયતા વધી હતી.(૨૧.૪)

(10:23 am IST)