Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

વોટ્સએપમાં અફવાઓને વધારે બળ મળી રહ્યું હોવાની બાબતે સરકાર દ્વારા કડક પગલા લેવાના નિર્દેશો

નવી દિલ્હીઃ સરકારે વોટ્સએપ પર ફેલાવવામાં આવી રહેલી અફવા બાદ વોટ્સએપને આદેશ આપ્યા અને ગુનેગારો ગંભીર પગલા ભરવાની દિશામાં કામ શરુ કર્યું છે. ત્યારે એક એવી માહિતી ફરતી થઈ છે કે સરકાર તમારા વોટ્સએપ મેસેજ વાંચે છે અને તેના પછી ડબલ બ્લુ ટીક સિવાય વધારાની રેડ ટીક થાય છે.

વાઈરલ થઈ રહેલા આ મેસેજમાં કહેવામાં આવી રહ્યું છે કે, વોટ્સએપમાં એવું ફીચર આપવામાં આવ્યું છે કે, તમારો વોટ્સએપ મેસેજ કોઈ વાંચે તો તો તેની તેમને જાણ થાય છે આજ રીતે હવે તેમાં લાલ ટીકની વાત અંગેની અફવા ફેલાવવામાં આવી રહી છે. જેમાં કહેવામાં આવી રહ્યું છે કે, તમારા મેસેજ પર ત્રણ બ્લુ ટીક થશે તેનો મતલબ છે કે સરકારે મેસેજ વાંચ્યો છે અને લાલ ટીકનો મતલબ એવો થાય છે કે તમારો મેસેજ વાંધાજનક છે અને પોલીસ તમારી જલદી ધરપકડ કરશે. જોકે, આ બાબતો ખોટી છે.

અહીં એક મહત્વની વાત એ છે કે, વોટ્સએપમાં રેડ ટીકનું કોઈ ફીચર છે જ નહીં, અને આવું કોઈ ફીચર આવે તેવી શક્યતાઓ પણ નથી. યુઝર્સના મેસેજ, ફોટો, વીડિયો, ચેટ અન્ય યુઝર સુધી પહોંચે ત્યાર પછી તે સર્વરમાંથી આપોઆપ ડિલિટ થઈ જાય છે. એટલે કે યુઝરે પોતાના ચેટ, વીડિયો, ફોટો વગેરે પોતાના ડિવાઈસમાં જ સંભાળવું પડે છે, તે અન્ય કોઈ સર્વર પર સેવ નથી થતા. તમામ મેસેજ ઈનક્રિપ્ટેડ હોય છે માટે તે અન્ય વ્યક્તિ વાંચી શકતી નથી.

જણાવી દઈએ કે તમારો કોઈ મેસેજ તાત્કાલિક ડિલિવર ના થાય તો તે 30 દિવસ સુધી ઈનક્રિપ્ટ મોડમાં રહે છે. વોટ્સએપ તેને 30 દિવસ સુધીમાં મોકલવાના પ્રયાસ કરે છે અને આ પછી તે સર્વર પરથી ડિલિટ થઈ જાય છે.

વર્ષ 2016ની 2 એપ્રિલ પછી વોટ્સએપ પર એન્ડ ટુ એન્ડ ઈનક્રિપ્શનની પ્રાઈવેસી પોલિસી લાગુ કરવામાં આવી હતી. એટલે કે જેણે મેસેજ મોકલ્યો છે તે વ્યક્તિ અને જેને મેસેજ મોકલવામાં આવ્યો છે તે વ્યક્તિ સિવાય અન્ય ત્રીજી વ્યક્તિ તે મેસેજને વાંચી શકતી નથી.

(5:53 pm IST)