Gujarati News

Gujarati News

News of Wednesday, 13th June 2018

પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના સ્વાસ્થ્યમાં સુધારો - ઈન્ફેક્શનમાં થયો ઘટાડો : AIIMSએ રજુ કરી મેડિકલ બુલેટિન : 18 ડોક્ટરોની ટીમ કરી રહી છે તેમની દેખરેખ : શ્રી વાજપેયીને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા : સોશ્યલ મીડિયામાં ફેલાઈ તેમના મૃત્યુની ખોટી અફવા

નવી દિલ્હીઃ એમ્સમાં દાખલ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના સ્વાસ્થ્યમાં સુધારો થઈ રહ્યો છે. એમ્સે બુધવારે જારી મેડિકલ બુલેટિનમાં કહ્યું કે, છેલ્લા 48 કલાકમાં તેમના સ્વાસ્થ્યમાં સુધારો થયો છે. તેમનું બ્લડ પ્રેશર સામાન્ય છે અને કિડની પણ યોગ્ય રીતે કામ કરી રહી છે. આશા છે કે થોડા દિવસમાં તેઓ સ્વસ્થ થઈ જશે. યૂરિન ઈન્ફેક્શનને કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ઈન્ફેક્શન પર દવાઓથી નિયંત્રણ થયું છે. 

AIIMSએ આજે જારી કરેલ આ બુલેટીન બાદ શ્રી વાજપેયીના પ્રશન્શકોએ રાહતનો શ્વાસ લીધો હતો, કેમકે છેલ્લા ઘણા સમયથી સોશ્યલ મીડિયામાં શ્રી વાજપેયીના મૃત્યુના ખોટા સમાચારો ખુબજ વાયરલ થયા છે.

અટલજીના અસ્વસ્થ હોવાના સમાચાર બાદ તેમની તબિયત જાણવા માટે ભાજપના નેતાઓ એમ્સ પહોંચી રહ્યાં છે. વડાપ્રધાન મોદી એમ્સમાં જઈને શ્રી વાજપેયીના પરિવારજનોને મળ્યા હતા. પીએમ મોદી આશરે 55 મિનિટ સુધી ત્યાં રહ્યાં હતા. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડા હોસ્પિટલમાં જ છે. પીએમ મોદી બાદ ભાજપના વરિષ્ઠ નેતા અડવાણી અને મુરલી મનોહર જોશી પણ અટલજીના સ્વાસ્થ્યને જાણવા માટે એમ્સ ગયા હતા. 

એમ્સના સૂત્રોએ જણાવ્યું હતું કે, વાજપેયીને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે અને શરૂઆતમાં તેમના અંગ યોગ્ય રીતે કામ કરી શકતા ન હતા. પરંતુ હવે સ્થિતિમાં સુધારો થયો છે. 18 ડોક્ટરોની ટીમ તેમની દેખરેખ કરી રહી છે. વાજપેયીને બીજા ફ્લોર સ્થિત ક્રિટિકલ કેયર યૂનિટમાં દાખલ કરવામાં આવ્યા છે. 

 

(5:26 pm IST)