Gujarati News

Gujarati News

News of Wednesday, 13th June 2018

પ્રધાનમંત્રી આવાસ યોજના : સબસીડીવાળા ઘરોના કાર્પેટ એરિયામાં વધારો

૨૧૦૦ વર્ગ ફુટના ઘર માટે પણ સબસીડી આપશે મોદી સરકારઃ MIG-1ના ઘરો માટે કાર્પેટ એરિયા વધારી ૧૬૦ વર્ગ મીટર અને MIG-2 શ્રેણી માટે ૨૦૦ વર્ગ મીટર કરી દેવાયો

નવી દિલ્હી તા. ૧૩ : જો તમારી વાર્ષિક આવક રુ. ૧૮ લાખ સુધી હોય અને તમને ત્રણ અથવા ચાર બેડરૂમવાળો ૨૧૦૦ ચો.ફૂ.નો ફલેટ અથવા ઘર ખરીદવા માગો છો તો હવે તમને પણ રૂ. ૨.૩૦ લાખની વ્યાજ સબ્સિડી મળશે. મોદી સરકારે હવે નવું ઘર ખરીદતા લોકો માટે મોટા ઘરનો વિકલ્પ પણ ખોલી નાખ્યો છે.

મંગળવારે આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા મધ્યમ આવક સમૂહ(MIG) માટે વડાપ્રધાન આવાસ યોજના(PMY) અંતર્ગત વ્યાજ સબસિડીનો લાભ મેળવવાપાત્ર ઘરોના કાર્પેટ એરિયામાં ૩૩% જેટલો વધારો કર્યો છે.

કેન્દ્ર સરકારે ક્રેડિટ લિંક સબસિડી યોજનાના(CLSS) ક્ષેત્રમાં આવતા મધ્યમ આવક સમૂહની પહેલી કેટેગરી MIG-1 ઘરનો કાર્પેટ એરિયા વધારીને ૧૬૦ ચો.મી. અને MIG-2 કેટેગરીના ઘરનો કાર્પેટ એરિયા વધારીને ૨૦૦ ચો.મી. કરી દીધો છે. તમને જણાવી દઈએ કે અત્યાર સુધી MIG-1 કેટેગરીના ઘરમાં ૧૨૦ ચો.ફૂટ કાર્પેટ એરિયા અને MIG-2 કેટેગરીના ઘરમાં ૧૫૦ ચો. ફૂટ કાર્પેટ એરિયા નક્કી કરવામાં આવ્યો હતો.

મોદી સરકારની ક્રેડિટ લિંક સબસિડી યોજના અંતર્ગત MIG-1 કેટેગરીના ખરીદદારોને ૨.૩૫ લાખ રુપિયા અને MIG-2 કેટેગરીના ઘર ખરીદદદારોને ૨.૩૦ લાખ રૂપિયા સબસિડીનો સીધો ફાયદો મળે છે.

હકીકતમાં સરકારે ગત વર્ષે જાન્યુઆરીમાં વડાપ્રધાન આવસ યોજના એવા લોકો માટે લાગૂ કરી હતી જેમની વાર્ષિક આવક ૬-૧૨ લાખ રૂપિયા હોય અને બીજી શ્રેણીમાં ૧૨-૧૮ લાખ રૂપિયા વાર્ષિક આવક હોય. જે પૈકી ૬-૧૨ લાખ વાર્ષિક આવક ધાવતા લોકોને સરકારે MIG-1 કેટેગરીમાં રાખ્યા હતા. આ લોકો માટે સ્કીમ એ રીતે હતી કે જો આ કેટેગરીમાં આવતા લોકો લોન દ્વારા ઘર ખરીદે છે તો તેમની લોનની કુલ રકમના ૯ લાખ રૂપિયા પર જે પણ વ્યાજ લાગશે તે પૈકી ૪% વ્યાજ સરકાર સબસિડીના રૂપમાં આપશે.

આ જ રીતે બીજી શ્રેણીના લોકો માટે એ નક્કી કરવામાં આવ્યું હતું કે જો તેઓ લોન લઈને મકાન ખરીદે છે તો ૧૨ લાખ રૂપિયા સુધીની રકમના વ્યાજ પર ૩% વ્યાજ સબસિડી રૂપે સરકાર ચૂકવશે. હવે નવા નિયમ મુજબ વાર્ષિક ૬-૧૨ લાખ આવક ધરાવતા MIG-1 કેટેગરીના લોકો ૧૬૦ ચો.મીટર(૧૭૨૨ ચો.ફૂ.)નો ફલેટ કે ઘર ખરીદી પર આ સબસિડી મેળવી શકશે. જયારે ૧૨-૧૮ લાખ સુધીની આવક ધરાવતા MIG-2 કેટેગરીના લોકો હવે ૨૦૦ ચો.મીટર(૨૧૫૩ ચો.ફૂ.)નો ફલેટ ખરીદીને પણ આ યોજનાનો લાભ લઈ શકશે.(૨૧.૫)

(12:40 pm IST)