Gujarati News

Gujarati News

News of Monday, 4th June 2018

કપિલ મિશ્રા માટે ભાજપના રસ્તા ખુલ્લા : વિજય ગોયેલ

સંપર્ક ફોર સમર્થન હેઠળ મિશ્રાને મળ્યા : મોદીની સિદ્ધિઓથી ભયભીત થયેલા વિરોધીઓ હવે એક સાથે આવી રહ્યા છે : કોંગ્રેસ આમ આદમી પાર્ટી સાથે છે

નવી દિલ્હી,તા. ૪ : બળવાખોર વલણના કારણે ચર્ચામાં રહેલા આમ આદમી પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવેલા નેતા કપિલ મિશ્રા માટે ભાજપના દરવાજા ખુલી ગયા છે. કેન્દ્રીયમંત્રી વિજય ગોયેલે ભારપૂર્વક કહ્યું છે કે, કપિલ મિશ્રા માટે બારણા ખુલ્લા છે. સંપર્ક ફોર સમર્થન અભિયાન હેઠળ વિજય ગોયેલ કપિલ મિશ્રાના આવાસ ઉપર પહોંચ્યા હતા. ત્યારબાદ કહ્યું હતું કે, સારા લોકોને પાર્ટીને ટેકો આપવા માટે અપીલ કરવામાં આવી રહી છે. કપિલ મિશ્રાને મળ્યા બાદ વિજય ગોયેલે કહ્યું હતું કે, એવા તમામ લોકો માટે ભાજપના રસ્તા ખુલ્લા છે જે પ્રજા માટે કામ કરવા ઇચ્છુક છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, આ બાબત કપિલ મિશ્રા ઉપર આધારિત છે કે તેઓ ભાજપનું સમર્થન કરવા માંગે છે કે કેમ. તેમણે એમ પણ કહ્યું હતું કે, આમ આદમી પાર્ટીના નેતા તરીકે કપિલ મિશ્રા હવે રહ્યા નથી. તેઓ એક સારી વ્યક્તિ તરીકે રહ્યા છે. જે વાસ્તવિકતા માટે લડવા માંગે છે. ભાજપના નેતાએ એમ પણ કહ્યું હતું કે, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ હાથ મિલાવી લીધા છે. કારણ કે, તેઓ સરકારની સિદ્ધિઓથી ભયભીત છે. તેમણે ઉમેર્યું હતું કે, હજુ સુધી એકબીજાની વિરુદ્ધમાં રહેલા કોંગ્રેસ અને આમ આદમીના લોકો હવે એક સાથે આવી ગયા છે પરંતુ મોદીની સિદ્ધિઓના કારણે તેમના ગઠબંધનની વાત થઇ રહી છે. કારણ કે આ તમામ લોકો ભયભીતછે. ૩૦મી મેના દિવસે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ દ્વારા ઝુંબેશની શરૂઆત કરવામાં આવી હતી જે હેઠળ દેશની પ્રજાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકારની ચાર વર્ષની સિદ્ધિથી વાકેફ કરવામાં આવી રહ્યા છે. આમ આદમી પાર્ટીની સરકારમાં કપિલ મિશ્રા જળ સંશાધન મંત્રી રહી ચુક્યા છે.

 

(7:16 pm IST)