Gujarati News

Gujarati News

News of Monday, 4th June 2018

ટેકનીશ્યન-કારીગર બની સ્વનિર્ભર બનો - ઉદ્યોગમાં નોકરી માટેની કુશળતા કેળવો

ધોરણ ૧૦-૧૨ સુધી જ ભણેલા વિદ્યાર્થી યુવાનો નોકરી ન મળવાથી હતાશ થશો નહિ... રોજગારીના દ્વાર ખુલ્લા જ છે : ઇલેકટ્રોનીકસ ક્ષેત્રે સીસી ટીવી કેમેરા, ઇન્ટરનેટ ઇન્સ્ટ્રુમેન્ટસ મોબાઇલ, એલસીડી, ટીવી., ડીવીડી, એસી. વોશીંગ મશીન, ઘરઘંટી, કોમ્પ્યુટર તથા લેપટોપ રીપેરીંગ તેમજ સી.એન.સી. વી.એન.સી. કોર્ષ કરી રોજગારી માટે સક્ષમ બનો : આપ સૌ ટર્નર, ફિટર, શેપર, વેલ્ડર, ગેસ કટીંગ, પ્લમ્બીંગ, મોટર રીવાઇન્ડીંગ જેવા ટેકનીકલ કોર્ષ કરી આસાનીથી નોકરી મેળવી શકો છો : આ ઉપરાંત ઇલેકટ્રીશ્યન, દરજી સુથાર, કલર, કડીયા કામ, ફેબ્રીકેશન તથા પાલીસ કામમાં પણ માહિર બની શકો છો

રાજકોટ  : ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ ધોરણ ૧૦ તથા ૧૨ની તમામ પ્રવાહોની પરિક્ષાના પરિણામ આવવાની મોસમ ચાલુ થઇ ગયેલ છે. કેટલાક પરિણામો આવી પણ ગયા છે. તાજેતરમાં જાહેર થયેલ ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહ અને ધોરણ ૧૦ના પરિણામમાં ઘણા વિદ્યાર્થીઓને પોતે ધારેલા માર્કસ કરતા ઓછા માર્કસ આવ્યા હશે તો કેટલાક યુવાનો ધોરણ ૧૦ અથવા ૧૨ની પરિક્ષામાં એકથી વધુ વિષયમાં નાપાસ થતા તે વિષયની પરિક્ષા ફરી આપવાની નોબત આવી છે.

ઘણા યુવાનો બીજીવાર પરિક્ષા આપે છે પણ સફળ થતા નથી ટુંકમાં ધોરણ ૧૦ અને ૧૨ની પરિક્ષામાં ફેઇલ થતા માનસીક રીતે અપસેટ થઇ જતા પોતાની કારકિર્દી વિષે કોઇ વિચાર જ નથી કરી શકતા.

પરંતુ વિદ્યાર્થીમિત્રોએ માત્ર એટલુંજ વિચારવું જોઇએ કે આપણે માત્ર પરિક્ષામાં જ નાપાસ થયા છીએ. પરિક્ષામાં નાપાસ થવાથી ત્યાંજ તમારા જીવન પર પુર્ણ વિરામ નથી મુકાઇ જતું. તમે જીવનઘડતર માટેની પરિક્ષામાં ભલે નાપાસ થયા તમારૂ જીવન તો હજુ ઘણું બાકી છે તે બાકી જીવનને સુંદર રીતે માણવા માટે અભ્યાસમાં રૂચી ન પડવાને કારણે તમારી પ્રગતિના દરવાજા બંધ થઇ જતા નથી માટે અમારે ધોરણ ૧૦-૧૨માં નાપાસ થયેલા વિદ્યાર્થીઓને એટલું જ કહેવાનું કે આપ ધોરણ ૧૦-૧૨ સુધીજ અભ્યાસ કરી શકવા સક્ષમ હોવ તો ધોરણ ૧૨ પછી આગળ વધવા માટે ટેકનીકલ કોર્ષના ઢગલાબંધ અભ્યાસક્રમો અને તેમાં પણ નવી ટેકનોલોજી સાથે આવે છે અને હવે આપનું મગજ ટેકનીકલ અભ્યાસ તરફ દોડાવી ટેકનીકલક્ષેત્રે અભ્યાસ કરી આપના જીવનની પ્રગતિનો ગોલ કરી શકો છે.

આપ ટેકનીશ્યન-કારીગર બનીને સારી કંપની (ઉદ્યોગમાં નોકરી મેળવી શકો છો અને એક સમયે સરકારી નોકરી કરતા પણ વધુ આવક મેળવી શકો પરંતુ જરૂર છે તમારામાં પડેલી આવડતને ઓળખીને તેના તરફ ઢાળવાની ગુજરાતની આઇટીઆઇ અને ખાનગી ટેકનીકલ ઇન્સ્ટીટયુટમાં અસંખ્ય ટેકનીકલ લાઇનના કોર્ષ અને એ પણ માત્ર ૩ માસ ૬ માસ અથવા વધુમાં વધુ ૧ વર્ષથી બે વર્ષના ચાલે છે. માટે ધોરણ-૧૨માં ફેઇલ થયા હોયતો તમારા કોલેજના દરવાજા બંધ થઇ જતા હોય તો ડીપ્લોમાં અથવા ટેકનીકલ ક્ષેત્રમાં આપ આપની પસંદગીના અભ્યસાક્રમમાં જોડાઇને એકાદ વર્ષ માંજ આપ કુશળ કારીગર બની આગળવધી શકશો તેમાં શંકાને કોઇ સ્થાન નથી.

ઇલેકટ્રોનીક ક્ષેત્રે ભરપુર તકો છે

 જો આપ ટેકનીશ્યન કારીગર બનવા માગતા હોય તો ઇલેકટ્રોનીકક્ષેત્રે વિશાળ તકો છે. આપ આપની પસંદગી મુજબ ટ્રેનીંગ મેળવી આગળ વધી શકો છો. ઇલેકટ્રોનીકસ ક્ષેત્રમાં સીસીટીવી કેમેરા, ઇન્ટરનેટ, ઇન્સ્ટ્રુમેન્ટ, મોબાઇલ રીપેરીંગ, ટીવી, એલસીડી, હીટર, ડીવીડી, એસી, વોશીંગમશીન, ઘરઘંટી, કોમ્પ્યુટર- લેપટોપ રીપેરીંગના કોર્ષ કરી આપ રોજગારી મેળવી શકો છો. આ ઉપરાંત સી.એમ.સી.વી.એમ.સી.નો કોર્ષ કરી રોજગારી મેળવવા સક્ષમ બની શકો છો.

આ ઉપરાંત આપ ટર્નર, ફીટર, શેપર, વેલ્ડર, ગેસ કટીંગ, પ્લબીંગ, મોટર રીવાઇન્ડીંગ ફેબ્રીકેશન કામમાં પણ ૪ થી ૬ માસની ટ્રેનીંગ મેળવી માહિર બની શકો છો.

ઇલેકટ્રીશ્યનની પણ ભારે ડીમાન્ડ છે

આ ઉપરાંત ઇલેકટ્રીક વાયરીંગ ફીટીંગ, પંખા રીપેરીંગ, પાણીની મોટર રીપેરીંગ, એર કુલર, ગ્રાઇન્ડર, બ્લેન્ડર, ઓવન મશીન, મીકસર રીપેરીંગનો કોર્ષ કરશોતો આપને આસાનીથી કામ મળી જશે. આપ નવરાજ નહિ રહો મીનીમમ દરમહિને પાંચ આકડાની રકમ આપ કમાઇ શકશો.

એજ રીતે દરજીકામ, સુથારી કામ, કલરકામ, પોલીસ કામ, કડીયા, લાદી ચોડવાના કામ, પ્લમ્બીંગ કામ (નળની પાઇપલાઇન) ના કામમાં પણ ટ્રેનીંગ મેળવીને આપ રોજગાર મેળવવા સક્ષમ બની શકો છો.

ઓટોમોબાઇલ ક્ષેત્રે વિશાળ તક ટુ-થ્રી-ફોર વ્હીલર રીપેરર ડિઝલ મીકેનીક બની શકો

જો આપને વાહન રીપેરીંગ કરવામાં રૂચી હોય તો આપ આઇટીઆઇમાં જોડાઇને  ટુ-થ્રી-ફોર વ્હીલર રીપેરીંગનો ટુંકા ગાળાનો કોર્ષ કરી થોડા સમયમાં માહિર બની શકો ગુજરાતમાં હાલ જોઇએ તો દરેક વાહન રીપેરીંગના કારીગરોની ઘટ છે. કારીગરો ટેકનીશ્યનો મળતા નથી ત્યારે પણ વાહનોની સંખ્યા દિનપ્રતિદિન વધતી જાય છે માટે જો આપને વાહન રીપેરીંગમાં રૂચી હોય તો વાહનના ડોકટર બની શકો છો.

બોડીકામ કલરકામના કારીગરોની પણ ઘટ્ટ છે

ટુ વ્હીલરથી લઇને ફોર વ્હીલર વાહન એકસીડન્ટ બાદ તેને ફરીથી ઉભુ કરવાનું હોય ત્યારે વાહનના બોડી કામ અને બાદમાં કલરકામ કરવું પડે છે. વાહનોના બોડી કામ અને કલરકામના કારીગરોની ઘટ હોવાથી આવા કામના કારીગરોની ભારે ડીમાન્ડ છે માટે આ કામમાં પણ આપ જોડાઇ શકો છો.

શાળા સંચાલકોએ પણ પોતાની શાળામાં અભયાસ કરતા વિદ્યાર્થીઓમાં અભ્યાસની રૂચી અંગેની ક્ષમતા જોઇને ભવિષ્યમાં વિદ્યાર્થીઓને ટેકનીકલ લાઇનમાં પણ પોતાની કારકિર્દી બનાવી શકાય છે તે માટે માહિતગાર કરતા રહેવું જોઇએ.

કોૈશલ્યવર્ધન કેન્દ્રો યુવાનો માટે સ્કીલ ડેવલપમેન્ટ કરી રોજગારી માટેના શ્રેષ્ઠ માધ્યમો બન્યા

વડાપ્રધાનના સ્કીલ ઇન્ડીયા પ્રોજેકટ અંતર્ગત કાર્યરત

રાજકોટ : વડા પ્રધાનશ્રી એ દેશના યુવાનો માટેપોતાની રૂચી મુજબના અભ્યાસમાં જોડાઇને પોતાની સ્કીલ ડેવલપ કરી રોજગારી મેળવવા માટે દેશભરમાં આઇ.ટી.આઇ. તેમજ પ્રાઇવેટ પ્લેસમેન્ટ ધોરણે કોૈશલ્યવર્ધન કેન્દ્રો કાર્યરત કર્યા છે.

ધોરણ ૧૦ અથવા ૧૨ સુધી જ ભણેલા અસંખ્ય યુવાનોએ આ કોૈશલ્યવર્ધન કેન્દ્રોમાં જોડાઇને પોતાની રૂચી મુજબ ટેકનીકલ લાઇનનો અભ્યાસ કરી અનુભવ મેળવી આજે રોજગારી મેળવવા સક્ષમ બની ગયા છે. વડાપ્રધાનશ્રી ની યોજના મુજબ ચાલુ થયેલા આ  કોૈશલ્ય વર્ધન કેન્દ્રોમાં મીનીમમ ૩ માસ થી લઇ એક-બે વર્ષની ટેકનીકલ મીકેનીકલ તથા ઇલેકટ્રીક, ઇલેકટ્રોનીકસ કક્ષાએ તાલીમ મેળવવાની સુવિધા છે.

આવા ટેકનીકલ તાલીમ માટેના કોૈશલ્યવર્ધન કેન્દ્રો માં ઇલેકટ્રીક, ઇલેકટ્રોનીક ક્ષેત્રે તેમજ મોટર મીકેનીક, ડીઝલ મીકેનીક, ઓટોમોબાઇલ રીપેરર, મોટર રીવાઇન્ડીંગ,પ્લમ્બર, ફેબ્રીકેશન,ડીઝીટલ ક્ષેત્રમાં પણ વિશાળ રોજગારીની તકો ખુલ્વાની હોય સાઇબર સીકયોરીટી, કલાઉડ-ડેટા એનાલિટિકસ ક્ષેત્રે નોકરીની વિશાળ તકો ઉભી થશે. આ માટે નેટવર્ક, સીસ્ટમ એડમીનીસ્ટ્રેશન, ડેટાબેઝ આર્કીટેકટ, સીસ્ટમ એનાલીસ્ટ, વેબ ડેવલોપર, મોબાઇલએપ ડેવલોપર, ઇન્ટેલીજન્સ આર્કિટેકટ ડેવલપર જેવા કોર્સ કરીને માહીર બની શકો છો.

આ ઉપરાંત ઇલેકટ્રીક-ઇલેકટ્રોનીકલ તથા હોમ એપ્લાઇઝસીઝ ના ઉપકરણો રીપેરીંગ માટે તાલીમ મેળવવા ગુજરાત સહીત દેશ ભરની જીલ્લા તાલુકા કક્ષાએ સરકાર સંચાલીત આઇ.ટી.આઇ માં કુશળ ઇન્સ્ટ્રકટરોની  નિમણુંકો પણ કરવામાં આવી છે જયારે યુવાનોને વ્યવસ્થીત તાલીમ આપી શકાય તે માટે વિવિધ ઉપકરણો ઇન્સટ્રુમેન્ટોની પણ ખરીદી કરી છે જેથી યુવાનો આઇ.ટી.આઇ. અને પ્રાઇવેટ ધોરણે ચાલતા સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટરમાં જોડાઇને પ્રત્યક્ષ તાલીમ મેળવી શકે.

 આવા કોૈશલ્યસંવર્ધન કેન્દ્રોમાં ગુજરાતના  દરેક જિલ્લા મથક ઉપરાંત તાલુકા મથકે પણ તમામ પ્રકારના કોર્ષનું જ્ઞાન આપવામાં આવે છે.

ગુજરાતમાં ભવિષ્યમાં આવનારા ઓટોમોબાઈલ ક્ષેત્રના ઉદ્યોગગૃહો કુશળ કારીગરો માટે લાલજાજમ બીછાવશે

યુવાનો ઓટોમોબાઈલ ક્ષેત્રની પ્રગતિ ધ્યાનમાં રાખી આપની પસંદગીના ક્ષેત્રમાં ટ્રેનીંગ માટે જોડાઈ જાવ ઓટો મોબાઇલ ક્ષેત્રે પણ કારીગરોની ખુબ જ ઘટ્ટ છે : જો આપ ટુ-થ્રી ફોર વ્હીલર રીપેરર અથવા ડીઝલ મીકેનીક બનશો તો કદી નવરાજ નહિ રહો !!

રાજકોટ : વડાપ્રધાનશ્રીના સ્કીલ ઈન્ડીયા પ્રોજેકટને ધ્યાનમાં રાખીને ભવિષ્યમાં યુવાનોની સ્કીલ ડેવલપમેન્ટ કરવાના પ્રયાસો ગુજરાત સરકારે હાથ ધર્યા છે. દેશમાં નામાંકિત ઓટોમોબાઈલ ક્ષેત્રના ઉદ્યોગગૃહો ગુજરાતમાં પોતાના ઉદ્યોગો સ્થાપવા ઉપરાંત વિદેશી ઉદ્યોગગૃહોએ પણ ગુજરાતમાં ઉદ્યોગો સ્થાપવાના એમઓયુ ગુજરાત સરકાર સાથે કર્યા છે. ભવિષ્યમાં ગુજરાતમાં જ ટુ, થ્રી ફોર વ્હીલરોનું ઉત્પાદન થવા લાગશે.

આગામી પાંચેક વર્ષમાં ગુજરાતમાં ઓટોમોબાઈલ ક્ષેત્રના ઉદ્યોગગૃહો આવશે ત્યારે કુશળ કારીગરોની મોટી ડીમાન્ડ નિકળશે ત્યારે જો યુવાનોએ ઓટોમોબાઈલ ક્ષેત્રમાં પોતાની સ્કીલ ડેવલપ કરી હશે તો મોટા ઉદ્યોગગૃહો કુશળ કારીગરોમાટે 'લાલ જાજમ બીછાવશે' મતલબ કે તેમને પોતાની પસંદગી મુજબનો પગાર અને હોદ્દા આપશે અને નિયમ મુજબ અન્ય લાભો તો ખરા જ.

કહેવત છે કે તકને તેડા ન હોય... ધોરણ ૧૦ થી ૧૨ સુધી જ ભણેલા યુવાનો જો આપને વધુ અભ્યાસમા રૂચી ન હોય તો વિના સંકોચે આપની રૂચી મુજબ ટેકનીકલ લાઈન પસંદ કરી અત્યારથી જ ટ્રેનીંગમાં જોડાઈ જાવ... જેથી ભવિષ્યમાં તમો રોજગારી મેળવવા સક્ષમ બની શકો.

: સંકલન :

કિશોર કારીયા

મો. ૯૮રપ૮ ૩૦૪૯૯

(4:05 pm IST)