Gujarati News

Gujarati News

News of Monday, 4th June 2018

નાઝી લીડર એડોલ્ફ હિટલર તેની ભત્રીજીના પ્રેમમાં પાગલ હતોઃ તેના મોતથી દુઃખી દુઃખી રહેતો

જર્મની, તા., ૪: સરમુખત્યાર નાઝી લીડર હિટલર વિષે અવનવા ઘટસ્ફોટ થઇ ચુકયા છે. હમણાં બહાર આવેલી એક બુકમાં હિટલર પોતાની યુવાન ભત્રીજીના વળાડૂબ પ્રેમમાં હોવાનું અને તેણીના મોત બાદ દુઃખી દુઃખી રહેતો હોવાનું બહાર આવ્યું છે. હિટલરના અંગત માણસો અને કામવાળીઓને ટાંકીને આ વાત જાહેર થઇ છે. ભત્રીજીના મોત બાદ હિટલરે તેણીનો  બેડરૂમ જેમ છે તેમ રહેવા દેવા આદેશ કર્યો હતો.

હિટલરના ઘરની સારસંભાળ કરતા હર્બટ દોહરીંગ, કાર્લ વિલીયમ ક્રાઉસ, તેની ખાસ નોકરાણી અન્ના પ્લેઇમ અને તેની ચેમ્બરના નોકરને આ બુકમાં આવરી લેવાયા છે.

હાર્બટને ૧૯૩પમાં હિટલરના જંગલ અને ડુંગરામાં આવેલા એકલા-અટુલા બર્ગ હોફ રીટ્રીટમાં કામે રાખવામાં આવ્યો હતો. અહિંયા તેની પત્ની પહેલેથી જ રસોયાણી તરીકે કામ કરતી હતી. હિટલરની ગર્લફ્રેન્ડ  ઇવા બ્રાઉન પણ થોડા રૂમ દુર રહેતી હતી.  હર્બટના કહેવા મુજબ 'એ વાત મારા માટે સાફ બની ગઇ હતી કે હિટલર તેની ભત્રીજીને પ્રેમ કરતો હતો અને છેલ્લે સુધી કરતો રહયો હતો'!

તાજેતરમાં નાઝી લીડર સાથે જોડાયેલા  લોકોનું બોલેલું ટાંકીને આ શંકાસ્પદ વાત જણાવાઇ છે.

જયારે 'બર્ગહોફ રીટ્રીટ'ને ફરીથી સજાવાતો હતો ત્યારે હિટલરે તેની ભત્રીજી ગેલીનો રૂમ જે હાલતમાં હતો તેજ હાલતમાં રહેવા દેવા આદેશ કર્યો હતો. આ સમય એ હતો કેે જયારે હિટલરની ભત્રીજી ગેલીનું મૃત્યુ એક વર્ષ પહેલા થઇ ચુકયું હતું. છતા હિટલર તેના આઘાતમાંથી બહાર આવ્યો ન હતો. હાર્બટની પત્નીએ કહયું કે, હિટલરને જે ગેલીનો ફોટો ગમતો હતો તે મને હાથમાં આપ્યો હતો, ત્યારે હિટલરે અન્નાને સંબોધી કહયું હતું કે, મને એ ફોટો આપો, જયારે લડાઇ પુરી થશે ત્યારે હું તે પાછો આપીશે. આમ કહયા બાદ હિટલરે પોતાની જાતને બર્ગહોફ રીટ્રીટના રૂમમાં એક અઠવાડીયા સુધી બંધ કરી દીધી હતી. તેણે મારી પત્નીને જણાવ્યું હતું કે, હિટલર પોતાની જાતને શુટ કરી નાખવા માંગતો હતો. તેણે જમવાનું છોડી દીધું હતું અને યુવાન ભત્રીજી ગેલીના રૂમને મેમોરીયલમાં ફેરવી નાખ્યો હતો.

અન્નાએ વાત આગળ ધપાવતા કહયું હતું કે, ગેલીએ સપ્ટેમ્બરમાં હિટલરના મ્યુનીચ સ્થિત એપાર્ટમેન્ટમાં ગોળી ખાઇ આપઘાત કરી લીધો હતો. જે દિવસે તેણીએ આપઘાત કર્યો તે દિવસે થોડા સમય પહેલા હિટલરે ગેલીનેવીયેનામાંથી  બહાર જવા પર મનાઇ કરી દીધી હતી. હિટલર ગેલીની અંતિમવિધિમાં ગયો ન હતો પણ તે પાછળથી એકલો-એકલો તેની કબર ઉપર જતો હતો. ૧૯૩૧માં માત્ર ર૩ વર્ષની વયે ગેલીએ આપઘાત કરી લીધો. તેના થોડા મહિના પહેલા જ અન્નાએ હિટલરને અને ગેલીને વધુમાં વધુ સમય પહાડી વિસ્તારમાં વોકીંગ કરતા અને વાતો કરતા નિહાળ્યા હતા. હર્બટે કહયું કે, એક દિવસ અન્ના બેઠકરૂમમાં પ્રવેશી ત્યારે તેણે બંન્નેને સોફા ઉપર એકબીજાની બાહોમાં કઢંગી હાલતમાં જોયા હતા. ગેલી રાઉબલને બર્ગહોફમાં અલગ રૂમ આપવામાં આવ્યો હતો.

(3:35 pm IST)