Gujarati News

Gujarati News

News of Monday, 4th June 2018

કયા રંગનો છે તાજ મહેલ? : રંગ જાણવા સાયન્ટીફિક સ્ટડી કરાવશે સરકાર

સુપ્રીમ કોર્ટે વ્યકત કરી ચિંતા

આગ્રા તા. ૪ : સુપ્રીમ કોર્ટે તાજ મહેલના બદલતા રંગ પર ચિંતા વ્યકત કરી હતી. તેના એક મહિના બાદ હવે કેન્દ્રીય સંસ્કૃતિક અને પર્યાવરણ મંત્રી મહેશ શર્માએ જણાવ્યું કે, તાજ મહેલનો અસલી રંગ જાણવામા માટે સાયંટિફિક સ્ટડી કરવામાં આવશે. અને તેનો રિપોર્ટ સુપ્રીમ કોર્ટને સોંપવામાં આવશે.

જસ્ટીસ મદન બી. લોકૂર અને જસ્ટીસ દીપક ગુપ્તાની બેન્ચે વર્લ્ડ હેરિટેજ તાજ મહેલના રંગમાં થતા ફેરફારો અંગે ચિંતા વ્યકત કરી અને કેન્દ્ર સરકારને ફટકાર લગાવી હતી. સુપ્રીમ કોર્ટે પર્યાવરણવિદ અરજીકર્તા મહેશચંદ્ર મહેતાએ રજૂ કરી તસવીરોનું અવલોકન કર્યું હતું, અને એડિશનલ સોલિસિટર જનરલ એ.એન.એસ નાડકર્ણીને સવાલ કર્યો હતો કે, તાજ મહેલનો રંગ કેમ બદલાઈ રહ્યો છે?

તાજ મહેલ પર થતી પ્રદૂષણની અસર અંગે આયોજિત એક વર્કશોપમાં મહેશ શર્માએ કહ્યું હતું કે, તેમની પાસે તાજ મહેલની ૧૦૦ વર્ષ જૂની તસવીરો છે. આ તસવીરોની સરખામણી તાજ મહેલને સાફ કર્યા બાદ ખેંચાયેલી તસવીરો સાથે કરવામાં આવશે, જેથી કરીને તાજ મહેલના પથ્થરોના રંગમાં થયેલા ફેરફારો સમજી શકાય. આ સ્ટીરિયોગ્રાફી ટેકનિકથી થશે. જેમાં ૨ એક સરખી તસવીરોને સ્પેશિયલ ગ્લાસ દ્વારા જોવામાં આવે છે.

આ સાથે જ મહેશ શર્માએ જણાવ્યું કે, 'આ સ્ટડી બાદ દસ્તાવેજ તૈયાર કરાશે જેથી કોઈ એમ ના કહે કે ૧૭મી સદીના આ વારસાનો રંગ પીળો કે કથ્થઈ થઈ રહ્યો છે.' જયારે મહેશ શર્માને પૂછાયું કે, શું કેન્દ્ર સુપ્રીમ કોર્ટની સલાહ પ્રમાણે કોઈ વિદેશી વિશેષજ્ઞની મદદ લેશે કે નહીં? આ મામલે શર્માએ કહ્યું કે, 'આ મામલો અત્યારે કોર્ટમાં હોવાથી તેઓ કોઈ ટિપ્પણી નહીં કરે પરંતુ સરકાર કોર્ટ સમક્ષ જમીની હકીકત રજૂ કરશે.'

જણાવી દઈએ કે પર્યાવરણવિદ મહેતાએ મથુરાની ઓઈલ રિફાઈનરીમાંથી નીકળતાં ધૂમાડાને કારણે થતાં વાયુ પ્રદૂષણથી તાજ મહેલને થતા નુકસાન અને તેના સંરક્ષણ માટે જાહેરહિતની અરજી દાખલ કરી હતી. સુપ્રીમ કોર્ટ સતત તાજ મહેલ અને તેની આસપાસના વિસ્તારોમાં થતી ગતિવિધિઓ પર નજર રાખી રહી છે.(૨૧.૧૧)

(11:34 am IST)